વાસ્તવ અને કંપની ફિલ્મમાં બતાવાઈ હતી જેની કહાની, ટિકિટ બ્લેક કરતો છોકરો કઈ રીતે બન્યો કુખ્યાત ગેંગસ્ટાર

વાસ્તવ અને કંપની ફિલ્મમાં બતાવાઈ હતી જેની કહાની, ટિકિટ બ્લેક કરતો છોકરો કઈ રીતે બન્યો કુખ્યાત ગેંગસ્ટાર

નવી દિલ્હીઃ છોટા રાજન એક એવું કુખ્યાત નામ જેનાથી તમે અજાણ નહીં હોવ, છોટા રાજન એકસમયે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો સૌથી ખાસ હતો. અપરાધની દુનિયામાં છોટા રાજનની એન્ટ્રી સિનેમાઘરની બહારથી થઈ હતી. છોટા રાજન જે શંકર સિનેમાની બહાર બ્લેકમાં ફિલ્મની ટિકિટ વહેંચતો હતો. સંજય દત્તની ફિલ્મ વાસ્તવ(VAASTAV) અને અજય દેવગન-વિવેક ઓબેરોયની ફિલ્મ (COMPANY) સહિતની કેટલીક ફિલ્મો છોટા રાજનના જીવનનો નાનો-મોટો ભાગ આવરી લેવાયો છે.

બાળપણમાં જ ગુનાની દુનિયામાં કર્યો પ્રવેશ-
છોટા રાજનનો જન્મ મહારાષ્ટ્રના મુંબઈમાં ચેમ્બૂર વિસ્તારમાં આવેલા તિલકનગરમાં મરાઠી પરિવારમાં થયો હતો. વર્ષ 1980માં છોટા રાજન ફિલ્મોની ટિકિટોની કાળાબજારી કરતો હતો અને આ રીતે તેને ગુનાઓની દુનિયામાં પગ માંડ્યા હતા.

રાજેન્દ્ર સદાશિવ નિખલ્જે એટલે કે છોટા રાજન.... મુંબઈમાં અંડરવર્લ્ડ દાઉદ ઈબ્રાહિમનો એવો ખોટો સિક્કો જે ક્યારેય ખોટો સાબિત થયો નથી. કોરોનાકાળમાં એવા સમાચાર વહેતા થયા હતા કે કોરોનાના કારણે તિહાડ જેલમાં તેનું મોત થયું છે. આ વાત અફવા સાબિત થઈ હતી, છોટા રાજન તિહાડ જેલમાં સજા ભોગવી રહ્યો છે. છોટા રાજન દાઉદનો સૌથી જીગરી મિત્ર બન્યો અને જાની દુશ્મન પણ રહ્યો.

છોટા રાજનને ત્રણ ભાઈઓ અને બે બહેનો હતી. તેના પિતા સામાન્ય નોકરી કરતા હતા. રાજેન્દ્રને શરૂઆતમાં અભ્યાસમાં મન લાગતુ નહોંતું. પાંચમાં ધોરણ બાદ રાજેન્દ્રએ અભ્યાસ છોડી દીધો. 20 વર્ષની વયે તેની જીદંગીમાં બદલાવ આવ્યો. રાજેન્દ્ર જ્યારે શંકર સિેનેમાની બહાર ટિકિટ વેચતો હતો ત્યારે કાળાબજારીયાઓને પકડવા પોલીસે લાઠીચાર્જ કર્યો.  આ સમયે રાજેન્દ્રને ગુસ્સો આવ્યો તેણે કોન્સ્ટેબલના હાથમાંથી લાકડી ઝૂંટવી દીધી અને તેને જ મારવા લાગ્યો. પોલીસ સાથેનું રાજેન્દ્રનું આ પહેલું ઘર્ષણ હતું.

જેલમાંથી નીકળ્યા બાદ જોઈન કરી ગેંગ-
આ ઘટના બાદ પોલીસે રાજેન્દ્ર સદાશિવની ધરપકડ કરી. આ ઘટના બાદ મુંબઈની જુદી જુદી ગેંગની નજર રાજેન્દ્ર પર હતી. આટલી ઉમરમાં પોલીસ સાથે બાથ ભીડી લીધી હોય જેને લઈ આ લોકો પ્રભાવિત થયા હતા.  રાજેન્દ્રની હાઈટ પાંચ ફૂટ ત્રણ ઈંચ હતી પરંતુ તેના ડેરિંગે મોટા-મોટા ગેંગ્સ્ટરને હલાવી દીધા હતા. નાના-મોટા ગુના આચર્યા બાદ રાજેન્દ્રએ ગેંગસ્ટર રાજન નાયર એટલે કે બડા રાજનની ગેંગને જોઈન કરી દીધી. ત્યારે આ રીતે અંડરવર્લ્ડમાં રાજેન્દ્રની એન્ટ્રી થઈ.

બડા રાજનની હત્યા, છોટા રાજનનો ઉદય-
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વર્ષ 1982માં બડા રાજનના દુશ્મન પઠાણ ભાઈઓએ અબ્દુલ કુંઝુની મદદથી બડા રાજનને મોતને ઘાટ ઉતારી દીધો. અબ્દુલ કુંઝુ પણ બડા રાજનનો દુ્શ્મન હતો.  બડા રાજનના મોત બાદ ગેંગની જવાબદારી રાજેન્દ્ર સદાશિવ નિખલ્જેના હાથોમાં આવી અને ત્યારબાદ નામ પડ્યું છોટા રાજન

હત્યાનો બદલો લેવો મુખ્ય ઉદ્દેશ-
છોટા રાજનને બડા રાજનના મોતનો બદલો લેવો હતો. છોટા રાજનના ખૌફનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે અબ્દુલ કુંઝૂ તેનાથી બચવા માટે વર્ષ 1983માં ક્રાઈમ બ્રાન્ચમાં સંરેડર થઈ ગયા હતા. વર્ષ 1984માં છોટા રાજને કુંઝૂને મારવાનો પ્રયત્ન કર્યો હતો.  25 એપ્રિલ 1984નો દિવસ જ્યારે પોલીસ કુંઝૂને ઈલાજ માટે દવાખાન લઈ જઈ રહી હતી ત્યારે એક દર્દી હાથમાં પ્લાસ્ટર બાંધીને બેસ્યો હતો. જ્યારે પોલીસ કુંઝૂને લઈને આવી ત્યારે તેના પર પ્લાસ્ટર રાખનાર વ્યક્તિએ ફાયરિંગ કર્યું. કુંઝૂ તે સમયે ફરી બચી ગયો.

દાઉદની નજરે ચડી ગયો છોટા રાજન-
છોટા રાજનની ડેરિંગથી ત્યારે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પણ પ્રભાવિત થયો. બોલિવુડની કેટલી ફિલ્મોમાં પણ આ પ્રકારના સીન ફિલ્માવવામાં આવ્યા છે.  હુસૈન જૈદી પોતાની પુસ્તક 'ડોંગરી ટુ દૂબઈ'માં લખે છે કે 'આ ઘટના પછી દાઉદે છોટા રાજનને મળવા માટે બોલાવ્યો હતો. છોટા રાજનને દાઉદની ગેંગમાં સ્થાન મળી ગયું. ત્યારબાદ છોટા રાજન કૂંઝુને મારવામાં સફળ રહ્યો. ક્રિકેટના મેદાનમાં કૂંઝુ પર ગોળીઓનો વરસાદ કરી તેની હત્યા કરી દેવાઈ

દાઉદ સાથે દોસ્તી અને નામ- 'નાના'
દાઉદ ઈબ્રાહિમ અને છોટા રાજન વચ્ચે પાક્કી મિત્રતા થઈ. દાઉદને હવે છોટા રાજન પર સૌથી વધારે ભરોસો હતો. ત્યારે દાઉદની ગેંગમાં છોટા શકીલ પણ હતો. વર્ષ 1987માં દાઉદે છોટા રાજનને કામ સંભાળવા માટે દૂબઈ મોકલ્યો હતો. એક વર્ષ પછી છોટા શકીલ પણ દૂબઈ પહોંચ્યો. દાઉદ અને છોટા રાજન વચ્ચે પાક્કી મિત્રતા થઈ ગઈ હતી. આ વાત છોટા શકીલન પસંદ નહોંતી. છોટા રાજનને ગેંગમાં લોકો 'નાના' કહેવા લાગ્યા. છોટા રાજન મુંબઈમાં બિલ્ડર્સ અને ધનિક લોકો પાસેથી ખંડણી લેતો હતો. પોલીસ આંકડા અનુસાર છોટા રાજનની દર મહિને 80 લાખ રૂપિયાની આવક હતી. છોટા રાજનના નામ પર મુંબઈમાં 122 બેનામી હોટલ અને પબ હતા.

છોટા શકીલને ખટકવા લાગ્યો છોટા રાજન-
દાઉદની ગેંગમાં છોટ રાજનનું વધતું કદ થઈને છોટા શકીલે એક ગ્રુપ બનાવ્યું. આ ટોળકીમાં શરદ શેટ્ટી અને સુનીલ રાવત સામેલ હતા. ત્રણેય મળીને છોટા રાજનના નામથી દાઉદના કાન ભર્યા. દાઉદને એવું કીધું કે આ લોકો ક્યારેય પણ તમારી જગ્યા લઈ લેશે. હુસૈન જૈદી લખે છે- દાઉદે ત્યારે એમ કીધું કે- 'તમે ક્યારથી આ બધી અફવાઓ પર ભરોસો કરવા લાગ્યા?, એ તો બસ આપણી ગેંગનો મેનેજર છે'

છોટા શકીલે લીધો દાઉદના ભાઈનો બદલો-
દાઉદે છોટા રાજનને પોતાના ભાઈ સાબિર ઈબ્રાહિમના હત્યારા કરીમ લાલા અને અમીરજાદાને મારવા માટેનું કામ સોંપ્યુ હતું. આ કામમાં ખૂબ મોડુ થતું હતું. છોટા શકીલ અને સૌત્યાએ દાઉદ પાસેથી એક તક માંગી. દાઉદે તક આપતા 12 સપ્ટેમ્બર 1992ના દિવસે હોસ્પિટલમાં ઘૂસીને ધડાધડ ફાયરિંગ કર્યું અને દાઉદના ભાઈનો બદલો લીધો. ત્યારે છોટા શકીલ રાજન કરતા એક કદમ દાઉદની નજરમાં વધુ આગળ આવી ગયો.

1993માં બોમ્બ બ્લાસ્ટ બાદ સંબંધો વણસ્યા-
આ ઘટના પછી દાઉદનો છોટા શકીલ પર ભરોસો વધ્યો. 1993માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં સૌથી કાળો ચહેરો દાઉદ અને છોટા રાજન હતા. હુસૈન જૈદી લખે છે કે ' છોટા રાજને મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. છોટા રાજન બોમ્બ બ્લાસ્ટમાં પોતાનું નામ આવવાના કારણે હેરાન હતો. આ વાતનો ફાયદો ઉઠાવ્યો છોટા શકીલે... છોટા શકીલે છોટા રાજનને ગદ્દાર કહેવાનું શરૂ કર્યું. ત્યારબાદ થોડા વર્ષોમાં છોટા રાજને દાઉદ માટે કામ કરવાનું બંધ કરી દીધું. છોટા રાજન હિન્દુસ્તાન પરત ફરવા માગતો હતો પરંતુ તેનો પાસપોર્ટ શેખ લોકો પાસે હતો.

કંપનીના ચંદુ અને મલિક એટલે છોટા રાજન અને દાઉદ-
રામગોપાલ વર્માએ અજય દેવગન (Ajay Devgn)  અને વિવેક ઓબેરોય (Vivek Oberoi) સાથે કંપની ફિલ્મ બનાવી. આ ફિલ્મમાં ચંદુ અને મલિકની વાર્તા બે મિત્રો વચ્ચેની દુશ્મની પર હતી. રામ ગોપાલ વર્માએ આ પહેલા અંડરવર્લ્ડ પર સત્યા ફિલ્મ બનાવી. ત્યારબાદ સિરીઝની ત્રીજી ફિલ્મ 'ડી' બનાવી.

દાઉદની એ પાર્ટી અને મારવાનું પ્લાનિંગ-
છોટા રાજનની કહાનીમાં એક મોટો વળાંક દાઉદની પાર્ટીમાં પણ આવ્યો હતો. હુસૈન જૈદી પોતાના પુસ્તકમાં લખે છે 'દાઉદે દુબઈમાં એક મોટી પાર્ટી આપી હતી જેમાં શહેરની મોટી હસ્તિઓને બોલાવવામાં આવી હતી. છોટા રાજન પણ પાર્ટીમાં જવા માટે તૈયાર હતો. તે સમયે રાજનને ફોન આવે છે કે તને ટપકાવવાની પ્લાનિંગ ચાલી રહી છે, છોટા રાજન ફોન મૂકીને ભારતીય દૂતાવાસ પહોંચી ગયો. ત્યા એક રો ઓફિસર સાથે છોટા રાજને વાતચીત કરી. વાત દિલ્લીની થાય છે પરંતુ છોટા રાજન કાઠમાંડુ અને ત્યાથી મલેશિયા મોકલી દેવાય છે.

બેંગકોકમાં છોટા રાજન પર હુમલો-
દુબઈમાં છોટા રાજનના ગાયબ થવા પર સૌથી વધારે ખુશ હતો છોટા શકીલ... હવે છોટા શકીલ દાઉદનો ડાબો હાથ બની ગયો હતો. છોટા રાજનના મનમાં બેસી ગયું કે દાઉદ તેને ખત્મ કરી દેશે.  છોટા રાજન ઘણા વર્ષો સુધી છૂપાઈને રહ્યો. તે મલેશિયાથી કંબોડિયા, ઈન્ડોનેશિયા અને ત્યાથી બેંગકોક પહોંચે છે. વર્ષ 2000માં છોટા શકીલ છોટા રાજનને શોધી લે છે. 14 સપ્ટેમ્બરે ચાર હથિયારધારી લોકો છોટા રાજનના અપાર્ટમેન્ટ પર હુમલો કરે છે પરંતુ તે બચી જાય છે. આ હુમલાથી ભારતની એજન્સીઓને ખબર પડી જાય છે કે છોટા રાજન બેંગ્કોકમાં છે.

જયોતિર્મય ડેની હત્યા, ગોસાલિયાનું મોત-
વર્ષ 2001માં છોટા રાજને બદલો લીધો. રાજને છોટા શકીલની ગેંગના બે લોકોને મારી નખાયા. ત્યારબાદ 10 વર્ષ સુધી છોટા રાજન ગાયબ થઈ ગયો. ત્યારબાદ વર્ષ 2011માં જૂન મહિનામાં સિનિયર ક્રાઈમ રિપોર્ટર જ્યતિર્મય ડેની મુંબઈના પનવેલમાં ગોળી મારીને હત્યા કરી દેવાય છે. આ હત્યામાં છોટા રાજનનું નામ સામે આવે છે. વર્ષ 2013માં મુંબઈમાં બિલ્ડર અજય ગોસાલિયા અને અરશદ શેખની હત્યા થાય છે. આ હત્યામાં છોટા રાજનનું નામ સામે આવે છે.

રેડકોર્નર નોટિસ, ધરપકડ અને આજીવન કારાવાસ-
અનેક અપરાધોના કારણે ઈન્ટરપોલે છોટા રાજન માટે રેડ કોર્નર નોટિસ જાહેર કરી. વર્ષ 2015માં સમાચાર આવ્યા કે છોટા રાજન પર ઓસ્ટ્રેલિયામાં હુમલો થયો. તે જ વર્ષે ઓકટોબરમાં છોટા રાજનની ઈન્ડોનેશિયાના બાલીથી ધરપકડ કરવામાં આવી છે. હત્યા, વસૂલી, ડ્રગ્સનો ધંધો, હથિયાર રાખવા તસ્કરી સહિતના મામલા તથા પત્રકાર જ્યોતિર્મયની હત્યામાં છોટા રાજન દોષી જાહેર થાય છે. છોટા રાજનને આજીવન કેદની સજા આપવામાં આવે છે. ત્યારથી હજી સુધી છોટા રાજનનું સરનામું દિલ્લીમાં આવેલી તિહાડ જેલની કોટડી છે. કોરોનાકાળમાં છોટા રાજન કોરોનાથી સંક્રમિત થયો હતો.

આ ફિલ્મોમાં પણ દેખાઈ છોટા રાજનની ઝલક-
'વાસ્તવ' અને 'કંપની' સિવાય છોટા રાજન પરની અનેક ફિલ્મો બની.  'પરિંદા', 'વન્સ અપન અ ટાઈમ ઈન મુંબઈ', 'વન્સ અપન અ ટાઈમ ઈન મુંબઈ દોબારા' આ ફિલ્મોમાં કોઈને કોઈ પાત્ર છોટા રાજનની જિંદગીથી પ્રેરિત રહ્યુ હતું. આ સિવાય અપૂર્વ લાખિયાની ફિલ્મ 'હસીના'માં આવું પાત્ર દર્શાવાયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news