ચંદ્રયાન-2: મધરાતે ચંદ્રમાના 2 મોટા ખાડા વચ્ચે લેન્ડિંગ કરશે 'વિક્રમ', 'આ' 15 મિનિટ ખુબ મહત્વની

ભારત આજે મોડી રાતે અંતરિક્ષ ક્ષેત્રે નવી છલાંગ લગાવવા જઈ રહ્યું છે. 22 જુલાઈના રોજ ઈસરો તરફથી લોન્ચ કરાયેલા ચંદ્રયાન-2 મિશન હેઠળ 7 સપ્ટેમ્બરે ચંદ્રયાન 2નું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઐતિહાસિક સૌફ્ટ લેન્ડિંગ કરવા માટે તૈયાર છે.

ચંદ્રયાન-2: મધરાતે ચંદ્રમાના 2 મોટા ખાડા વચ્ચે લેન્ડિંગ કરશે 'વિક્રમ', 'આ' 15 મિનિટ ખુબ મહત્વની

નવી દિલ્હી: ભારત આજે મોડી રાતે અંતરિક્ષ ક્ષેત્રે નવી છલાંગ લગાવવા જઈ રહ્યું છે. 22 જુલાઈના રોજ ઈસરો તરફથી લોન્ચ કરાયેલા ચંદ્રયાન-2 મિશન હેઠળ 7 સપ્ટેમ્બરે ચંદ્રયાન 2નું લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઐતિહાસિક સૌફ્ટ લેન્ડિંગ કરવા માટે તૈયાર છે.  વિક્રમ 7 સપ્ટેમ્બરે મધરાતે 1:30 વાગ્યાથી 2:30 વાગ્યાની વચ્ચે ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરશે. આ શોધ યાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને રિસર્ચ શરૂ કરશે. આ સાથે જ ભારત ઈતિહાસ રચી નાખશે. વિક્રમની સાથે સાથે ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાન નામનું રોબોટિક યાન (રોવર) પણ ઉતરશે. 

ચંદ્રયાન-2ના 3 ભાગ
ચંદ્રયાન-2ને ઈસરોએ 22મી જુલાઈના રોજ લોન્ચ કર્યું હતું. ચંદ્રયાન 2 મિશનમાં એક ઓર્બિટર, એક લેન્ડર અને એક રોવર સામેલ છે. જેનું નામ ચંદ્રયાન-2 ઓર્બિટર, વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર છે. ઓર્બિટર ચંદ્રની કક્ષામાં પહોંચી ચૂક્યું છે. લેન્ડર વિક્રમ આજે મોડી રાતે ચંદ્ર પર ઉતરણ કરશે. 2 સપ્ટેમ્બરના રોજ ઓર્બિટરથી અલગ થઈને લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઉતરવા માટે રવાના થયું હતું. 

ચંદ્ર પર 2 મોટા ખાડા વચ્ચે લેન્ડિંગ કરશે વિક્રમ
ચંદ્રયાન-2 મિશન હેઠળ ચંદ્રની સપાટી પર લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન લેન્ડિંગ કરશે. લેન્ડર વિક્રમનું વજન 1471 કિંગ્રા છે. તેનું નામકરણ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈના નામ પર થયું છે. તેને 650 વોટની ઉર્જાથી તાકાત મળશે. તે 2.54*2*1.2 મીટર લાંબુ છે. ચંદ્ર પર ઉતરણ દરમિયાન તે ચંદ્રના એક દિવસ સતત કામ કરશે. ચંદ્રનો એક દિવસ એ પૃથ્વીના 14 દિવસ બરાબર હોય છે. તે ચંદ્રના બે મોટા ખાડા મેજિનસ સી અને સિંપેલિયસ એન વચ્ચે લેન્ડિંગ કરશે. 

જુઓ LIVE TV

છેલ્લી 15 મિનિટ ખુબ પડકારજનક
મિશન લોન્ચ થયું હતું ત્યારે ઈસરો ચીફ સિવને કહ્યું હતું કે ચંદ્રની સપાટીથી 30 કિલોમીટર દૂર ચંદ્રયાન-2ના લેન્ડિંગ માટે તેની સ્પીડ ઓછી કરાશે. વિક્રમને ચંદ્રની સપાટી પર ઉતારવાનું કામ ખુબ જ મુશ્કેલ રહેશે. આ દરમિયાન 15 મિનિટ ખુબ પડકારજનક સાબિત થશે. અમે પહેલીવાર સોફ્ટ લેન્ડિંગ કરીશું. આ તણાવની ક્ષણ ફક્ત ઈસરો જ નહીં પરંતુ બધા ભારતીયો માટે હશે. ભારત જેવું ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવશે કે તે દુનિયાનો ચોથો દેશ બની જશે. અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીન પાસે જ આ વિશેષતા છે. 

વિક્રમ પાસે હશે 4 ઈન્સ્ટ્રુમેન્ટ
લેન્ડર વિક્રમ પાસે 4 મહત્વના ઈન્સ્ટ્રુમેન્ટ ચંદ્ર પર રિસર્ચ માટે મોકલાયા છે. ચંદ્ર પર થતી ભૂકંપીય ગતિવિધિઓને માપવા અને તેના પર અભ્યાસ કરવા માટે એક ખાસ ઈન્સ્ટ્રુમેન્ટ લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ચંદ્ર પર બદલાતા તાપમાનની ઝીણવટભરી તપાસ કરવા માટે પણ ખાસ ઉપકરણ છે. ત્રીજુ ઉપકરણ છે લેંગમૂર પ્રોબ. તે ચંદ્રના વાતાવરણની ઉપલી સપાટી અને ચંદ્રની સપાટી પર રિસર્ચ કરશે. વિક્રમ સાથે ચોથું ઉપકરણ લેઝર રેટ્રોરિફ્લેક્ટર છે જેના દ્વારા તે મેપિંગ અને અંતર સંબંધિત અભ્યાસ કરશે. 

ચંદ્રયાન 2ના લેન્ડર વિક્રમને શુક્રવાર અને શનિવારની વચ્ચે મધરાતે એક વાગ્યાથી બે વાગ્યાની વચ્ચે ચંદ્રની સપાટી પર ઉતારવાની પ્રક્રિયા કરવામાં આવશે અને તે રાતે દોઢથી અઢી વચ્ચે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે.

ચંદ્રની સપાટી સ્પર્શતા પહેલા શું થશે?
ધરતી અને ચંદ્રમા વચ્ચેનું અંતર લગભગ 3 લાખ 84 હજાર કિલોમીટર છે. લોન્ચિંગ બાદ ચંદ્ર માટે લાંબી મુસાફરી શરૂ થશે. ચંદ્રયાન-2માં લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન ચંદ્રમા સુધી જશે. ચંદ્રની સપાટી પર ઉતરવાના 4 દિવસ પહેલા રોવર 'વિક્રમ' ઉતરણની જગ્યાની સમીક્ષા કરવાનું શરૂ કરશે અને ત્યારબાદ 6-8 સપ્ટેમ્બરની વચ્ચે લેન્ડિંગની પ્રક્રિયા શરૂ થશે. લેન્ડિંગ બાદ લેન્ડર (વિક્રમ)નો દરવાજો ખુલશે અને તે રોવર (પ્રજ્ઞાન)ને રિલીઝ કરશે. રોવર નીકળવામાં લગભગ 4 કલાકનો સમય લાગશે. ત્યારબાદ તે વૈજ્ઞાનિક પરીક્ષણો માટે ચંદ્રની સપાટી પર નીકળી જશે. તેના 15 મિનિટની અંદર જ ઈસરોને લેન્ડિંગની તસવીરો મળવાનું શરૂ થઈ જશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news