દેશનો પ્રથમ કિસ્સોઃ વિમાન હાઈજેકિંગની ધમકી આપનારા વ્યવસાયીને જન્મટીપની સજા

મંગળવારે NIAની વિશેષ અદાલતમાં વિમાન અપહરણની ધમકી આપનારા એક વ્યવસાયીને જન્મટીપની સજાની સાથે-સાથે રૂ.5 કરોડનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે 
 

દેશનો પ્રથમ કિસ્સોઃ વિમાન હાઈજેકિંગની ધમકી આપનારા વ્યવસાયીને જન્મટીપની સજા

મુંબઈઃ મુંબઈના એક વ્યવસાયીને વિમાનનું અપહરણ કરવાની ધમકી આપવાનું મોંઘી પડ્યું છે. મંગલવારે NIAની વિશેષ અદાલતમાં વિમાન અપહરણની ધમકી આપનારા એક વ્યવસાયીને જન્મટીપની સજાની સાથે-સાથે રૂ.5 કરોડનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

આ દોષિત વ્યવસાયીનું નામ બિરજુ સલ્લા છે, જેમણે 30 ઓક્ટોબર, 2017ના રોજ જેટ એરવેઝની મુંબઈ-દિલ્હી ફ્લાઈટના ટોઈલેટમાં ટિશ્યુપેપર પર એક અપહરણ નોટ લખીને મુકી દીધી હતી. આ નોટમાં લખ્યું હતું કે, આ વિમાનને પીઓકે લઈ જવામાં આવે. 

કોર્ટે એન્ટી-હાઈજેકિંગ એક્ટ-2016 અંતર્ગત આ વ્યવસાયીને દોષીત જાહેર કર્યા છે. મંગળવારે સજા સંભળાવતા સમયે ન્યાયાધિશ એમ.દવેએ જણાવ્યું કે, 'સલ્લા દ્વારા જે દંડની રકમ ભરવામાં આવશે તેને વિમાન ચાલક દળ અને મુસાફરો વચ્ચે વહેંચવામાં આવશે. પાઈલટ, સહ-પાઈલટને રૂ. 1-1 લાખ, એર હોસ્ટેસને રૂ.50-50 હજાર અને મુસાફરોને રૂ.25-25 હજાર ચૂકવવાના રહેશે.'

દેશમાં પ્રથમ કિસ્સો
આ ઘટના પછી આરોપી સલ્લાનું નામ 'નેશનલ નો ફ્લાય' લીસ્ટમાં મુકી દેવાયું હતું. સાથે જ તેમની વિરુદ્ધ એન્ટી હાઈજેકિંગ એક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. એન્ટી હાઈજેકિંગ એક્ટ બન્યા પછી સલ્લા ભારતના પ્રથમ વ્યક્તિ છે જેમના પર આ કાયદા અંતર્ગત કાર્યવાહી કરાઈ છે. 

ગર્લફ્રેન્ડને પાછી બોલાવવી હતી
સલ્લાએ પોતાનો અપરાધ કબુલ કરતા તપાસકર્તાઓને જણાવ્યું હતું કે,તેણે પોતાની ગર્લફ્રેન્ડને મુંબઈ પાછી બોલાવવા માટે આમ કર્યું હતું. તેની ઈચ્છા હતી કે, તેની ધમકી પછી જેટ એરવેઝ તેની દિલ્હીની ઓફિસ બંધ કરી દે, જેથી ત્યાં કામ કરતી તેની ગર્લફ્રેન્ડ મુંબઈ પાછી આવી શકે. સલ્લાની ગર્લફ્રેન્ડ જેટ એરવેઝની કર્મચારી હતી અને દિલ્હી-મુંબઈ આવવા-જવા દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news