BUDGET 2019 : દેશમાં રજૂ થયેલા આ 5 બજેટે બદલી હતી ભારતની તસવીર

દેશમાં દર વર્ષે બજેટ રજૂ કરવામાં આવે છે. જોકે, આઝાદી પછી કેટલાક બજેટ એવા રજૂ થયા છે, જે યાદગાર બની ગયા છે અને વર્ષો સુધી લોકો તેને યાદ રાખશે. 5 બજેટ એવા છે, જેને કેટલાક વિશેષ કારણોસર યાદ રાખવામાં આવે છે. 
 

BUDGET 2019 : દેશમાં રજૂ થયેલા આ 5 બજેટે બદલી હતી ભારતની તસવીર

નવી દિલ્હીઃ દેશમાં દર વર્ષે બજેટ રજૂ કરવામાં આવે છે. જોકે, આઝાદી પછી કેટલાક બજેટ એવા રજૂ થયા છે, જે યાદગાર બની ગયા છે અને વર્ષો સુધી લોકો તેને યાદ રાખશે. 5 બજેટ એવા છે, જેને કેટલાક વિશેષ કારણોસર યાદ રાખવામાં આવે છે. આમાંથી એક બજેટને 'કાળું બજેટ' તો અન્યને 'દરિયાદિલ બજેટ', 'રોલબેક બજેટ' અને 'મિલેનિયમ બજેટ' જેવા નામે ઓળખવામાં આવે છે. 

1. ઉદારીકરણ બજેટ 
વર્ષ 1991માં તત્કાલિન નાણામંત્રી મનમોહન સિંહ દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ દેશના ઈતિહાસમાં હંમેશાં યાદ રાખવામાં આવશે. એ સમયે મનમોહન સિંહે દેશમાં વિદેશી કંપનીઓને કારોબાર કરવા માટે ખુલ્લી છૂટ આપી હતી. એ સમયથી જ દેશમાં ઉદારીકરણના યુગની શરૂઆત થઈ હતી. ભારતીય કંપનીઓ માટે પણ દેશની બહાર વેપાર કરવું સરળ બન્યું હતું. કસ્ટમ ડ્યુટીને 220 ટકાથી ઘટાડીને 150 ટકા કરવામાં આવી હતી. આ બજેટના બે દાયકા પછી ભારતના જીડીપીમાં ઝડપ જોવા મળી હતી અને દેશના વિકાસદરે તેજ ગતિ હાંસલ કરી હતી. 

2. કાળું બજેટ 
1973-74માં તત્કાલિન નાણામંત્રી યશવંતરાવ ચવ્હાણ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને 'કાળું બજેટ' કહેવામાં આવે છે. આવું એ કારણે , કેમ કે એ સમયે બજેટમાં 550 કરોડથી વધુની નાણાકિય ખાધ દર્શાવામાં આવી હતી. આ બજેટમાં ચવ્હાણે રૂ.56 કરોડમાં કોલસાની ખાણો, વીમા કંપનીઓ અને ઈન્ડિયન કોપર કોર્પોરેશનનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. 

3. સ્વપ્નોનું બજેટ 
1997માં તત્કાલિન નાણામંત્રી પી. ચિદમ્બરમ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને 'સ્વપ્નોનું બજેટ' કહેવામાં આવે છે. એ સમયે નાણામંત્રીએ આવકવેરા અને કંપની વેરામાં કાપ મુકવાની જાહેરાત કરી હતી. આવકવેરાને 40 ટકાથી ઘટાડીને 30 ટકા કરવામાં આવ્યો હતો. તેની સાથે જ સરચાર્જને પણ સમાપ્ત કરી દેવાયો હતો. 

4. મિલેનિયમ બજેટ
વર્ષ 2000માં તત્કાલિન નાણામંત્રી યશવંત સિન્હા દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને 'મિલેનિયમ બજેટ' કહેવામાં આવે છે. આ બજેટમાં ભારતની આઈટી કંપનીઓને મોટી રાહત આપવાની જાહેરાત કરવામાં આવી હતી. 21 વસ્તુઓ જેમ કે કમ્પ્યૂટર, સીડી રોમ સહિતની વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટીને ઘટાડવાની જાહેરાત કરી હતી. 

5. રોલબેક બજેટ 
વર્ષ 2002માં યશવન્ત સિન્હા દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને 'રોલબેક બજેટ' પણ કહેવામાં આવે છે. આ બજેટમાં આપવામાં આવેલા અનેક પ્રસ્તાવો જેવા કે સર્વિસ ટેક્સ અને રાંધણ ગેસના સિલિન્ડરના ભાવોમાં વધારો કરાયો હતો. જેને પ્રજા અને વિરોધ પક્ષના વિરોધના કારણે પાછા ખેંચવા પડ્યા હતા. 

જૂઓ LIVE TV.... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news