ત્રણ રાજ્યોમાં ભાજપ, એકમાં કોંગ્રેસ, જાણો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગણાનું ફાઈનલ પરિણામ

લોકસભા 2024 પહેલા ભારતીય જનતા પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરતા ત્રણ રાજ્યો કબજે કરી લીધા છે. ભાજપને રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં બમ્પર જીત મળી છે. જ્યારે તેલંગણામાં કોંગ્રેસ પાર્ટીને બહુમતી મળી છે. 

ત્રણ રાજ્યોમાં ભાજપ, એકમાં કોંગ્રેસ, જાણો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગણાનું ફાઈનલ પરિણામ

નવી દિલ્હીઃ ચાર રાજ્યોના પરિણામોમાં સાબિત થઈ ગયું છે કે દેશમાં ભાજપની ફક્ત લહેર નહીં પણ આંધી ચાલી છે. ઉત્તર અને મધ્ય ભારતમાં ભાજપને કોઈ હંફાવી શકે તેમ નથી. ચારમાંથી ફક્ત એક રાજ્યમાં સત્તા મળતાં કોંગ્રેસનું કદ પણ વેતરાઈ ગયું છે. આ સાથે જ 2024ના પરિણામોની રાહ પણ એક હદ સુધી નક્કી થઈ ગઈ છે...ત્યારે શું છે આ પરિણામો અને તેમની પાછળના કારણો, જોઈએ આ અહેવાલમાં..

જેની છેલ્લા ઘણા સમયથી આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, તે ઘડી આવી ગઈ...મિઝોરમ સિવાય ચારેય રાજ્યોના પરિણામો જાહેર થઈ ગયા. ભાજપે કોંગ્રેસ પાસેથી રાજસ્થાન અને છત્તીસગઢ છીનવી લીધા. તો મધ્ય પ્રદેશમાં ભારે બહુમત સાથે સત્તા જાળવી રાખી છે.

2024ની ફાઈનલ પહેલાની સેમીફાઈનલમાં ભવ્ય જીતથી ભાજપને દેશભરમાં ભવ્ય જશ્ન માટેનું કારણ મળી ગયું. મિઠાઈઓ વહેંચાઈ. આતશબાજી કરાઈ. મહિલા કાર્યકરોએ મન મૂકીને ડાન્સ કર્યો.

કોંગ્રેસને એમ હતું કે છત્તીસગઢને સાચવી રાખવામાં તેને સફળતા મળશે. મતગણતરીની શરૂઆતનો ટ્રેન્ડ કોંગ્રેસની તરફેણમાં જ હતો. જો કે આમ વધુ સમય સુધી ન ચાલ્યું. ભાજપે બાજી પલટી દીધી અને કોંગ્રેસ સત્તામાંથી વિપક્ષમાં આવી ગઈ..

રાજસ્થાનમાં પણ આવું જ થયું છે. કોંગ્રેસ હવે અહીં એ સ્થિતિમાં છે, જે સ્થિતિમાં 2018માં ભાજપ હતું. 2018માં ભાજપને 73 બેઠકો મળી હતી. જ્યારે 2023માં કોંગ્રસને 69 બેઠકો મળી છે. ભાજપને 115 જેટલી બેઠકો મળી છે, જે સ્પષ્ટ બહુમતિથી વધુ છે. હવે ભાજપને કોઈ પક્ષ કે અપક્ષના ટેકાની જરૂર નહીં પડે. 

રાજસ્થાનના પરિણામોના કારણો પર નજર કરીએ તો, તેનું સૌથી મોટું કારણ છે પરિવર્તનની પરંપરા, જે આ વખતે પણ જળવાઈ રહી છે. પ્રધાનમંત્રી મોદીએ પ્રચારની કમાન સંભાળતાં મતદારોએ તેમના પર વિશ્વાસ કર્યો છે. કોંગ્રેસના આકર્ષક વચનો અને યોજનાઓ ભાજપના વચનો અને હિંદુત્વના કાર્ડ સામે ટકી નથી શક્યા. ગેહલોત અને પાયલટ વચ્ચેનો વિવાદ પણ કોંગ્રેસને નડ્યો છે. સચિન પાયલટને નજરઅંદાજ કરીને ગુર્જર સમુદાયને નારાજ કરવો કોંગ્રેસને ભારે પડ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસને તેના જ બળવાખોરો પણ ભારે પડ્યા છે. 

મધ્ય પ્રદેશમાં 2018ની રસાકસી બાદ આ વખતે સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. 2018માં 109 બેઠકો જીતનાર ભાજપ આ વખતે 163ને પર પહોંચી છે, જ્યારે કોંગ્રેસ 114 બેઠકોથી સીધી 66 બેઠકો પર આવી ગઈ છે. બહુમતિ માટે 116 બેઠકોની જરૂર છે.

2018માં સ્પષ્ટ બહુમતિથી સાત બેઠકો દૂર રહ્યા બાદ આ વખતે ભાજપે મધ્ય પ્રદેશમાં પ્રચારમાં કોઈ કચાશ બાકી નહતી રાખી. પ્રધાનમંત્રીએ પણ અહીં આક્રમક પ્રચાર કર્યો હતો. શિવરાજસિંહ ચૌહાણે રેકોર્ડ સંખ્યામાં રેલીઓને સંબોધન કહ્યું...ભાજપના પ્રચારના મધ્યમાં હિંદુત્વ કાર્ડ હતું. શિવરાજસિંહની લાડલી બહેના યોજના ગેમ ચેન્જર સાબિત થઈ...બહેનોના ભાઈ અને દીકરીઓના મામાએ મતદારોનું દિલ જીતી લીધું. સાંસદોને વિધાનસભાની ચૂંટણી લડાવવાની ભાજપની રણનીતિ પણ કામ કરી ગઈ. તો સામે કોંગ્રેસનનો પ્રચાર કે ચૂંટણી ઢંઢેરો મતદારોને નથી આકર્ષી શક્યા.

છત્તીસગઢમાં પણ કોંગ્રસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ 68 બેઠકોથી સીધી 35 બેઠકો પર સમેટાઈ ગઈ છે, જ્યારે ભાજપ 15 બેઠકો પરથી 54 બેઠકો પર આવી ગઈ છે. બહુમતિ માટે 46 બેઠકોની જરૂર પડે છે. 

ત્રણ રાજ્યોમાં રકાસ વચ્ચે તેલંગાણાએ કોંગ્રેસની શાખ બચાવી છે. અહીં પરિણામ એગ્ઝિટ પોલ પ્રમાણે જ આવ્યા છે.  BRSને પાછળ ધકેલીને કોંગ્રેસ હવે સત્તા પર આવવા તૈયાર છે. તેલંગણામાં કોંગ્રેસને 64 અને બીઆરએસને 39 સીટો મળી રહી છે. આ સાથે જ દક્ષિણમાં કોંગ્રેસના ફાળે કર્ણાટક બાદ બીજું રાજ્ય આવ્યું છે. ભાજપ તેલંગાણામાં એક બેઠકથી 9 બેઠકો સુધી પહોંચી છે,  જે તેના માટે મોટી વાત છે. 

કોંગ્રેસને કદાચ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના પરિણામો અંગે પહેલાથી જ અંદેશો હતો, એટલે જ છેલ્લે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ તેલંગાણા પર વધુ ફોકસ કર્યું હતું. જેનું કોંગ્રેસને પરિણામ પણ મળ્યું છે. જો કે બાકીના ત્રણ રાજ્યોના પરિણામોએ 2024ની દિશા સ્પષ્ટ કરી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news