ભાજપે બનાવ્યો 'કોરોમંડલ પ્લાન', જો સફળ થયો તો વિપક્ષની એક્તાની નિકળી જશે હવા
સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ના ગઠબંધન બાદ ઉત્તર પ્રદેશમાં લોકસભા બેઠકો ઘટવાની આશંકા વચ્ચે ભાજપે તેની ભરપાઈના પ્લાનિંગની શરૂઆત કરી દીધી છે.
Trending Photos
નવી દિલ્હી: સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ના ગઠબંધન બાદ ઉત્તર પ્રદેશમાં લોકસભા બેઠકો ઘટવાની આશંકા વચ્ચે ભાજપે તેની ભરપાઈના પ્લાનિંગની શરૂઆત કરી દીધી છે. ભાજપ વર્ષ 2019ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ સંદર્ભે કોરોમંડલ સમુદ્રતટના કિનારે વસેલા દક્ષિણી તથા પૂર્વ સમુદ્રતટના રાજ્યોમાં પૂર્વોત્તરની જેમ નાના નાના પક્ષોને સાથે લાવવાની સંભાવના પર વિચાર કરી રહી છે. આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, કેરળ, તામિલનાડુ ઉપરાંત ઓડિશા તથા પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં સ્થાનિક પક્ષોનો દબદબો છે. પૂર્વોત્તરના રાજ્યોમાં ભાજપે લગભગ બે વર્ષ પહેલા નાના રાજકીય પક્ષો સાથે નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ (નેડા)નું ગઠન કર્યું હતું. આ ગઠબંધનના સંયોજનની જવાબદારી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આસામના વરિષ્ઠ નેતા હેમંત વિશ્વશર્માને સોંપવામાં આવી હતી. આ ગઠબંધન પાંચ રાજ્યોમાં સરકાર બનાવવામાં સફળ રહ્યું.
રામ માધવ અને મુરલીધર રાવની વધી શકે છે જવાબદારી
કહેવાય છે કે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવ્યાં બાદ સરકાર બનાવવામાં નિષ્ફળતા મળતા હવે ભાજપ નેતૃત્વ દક્ષિણ ભારતની રણનીતિ પર મંથન કરી રહ્યું છે. તેમાં સ્થાનિક પક્ષોની સાથે તાલમેલના વિષય પર વિચાર કરવામાં આવ્યો છે.
પાર્ટી સૂત્રોએ જણાવ્યું કે દક્ષિણમાં આ રણનીતિને આગળ વધારવા માટે બે મહાસચિવો રામ માધવ અને મુરલીધર રાવને જવાબદારી અપાઈ છે.
કોરોમંડલ તટ પર વસેલા રાજ્યોમાં 150 લોકસભા બેઠકો
વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપનું જોર કોરોમંડલના તટ પર વસેલા રાજ્યોની 150થી વધુ બેઠકો પર છે. જેમાં પશ્ચિમ બંગાળ (42) બેઠકો, તામિલનાડુ (39 બેઠકો), ઓડિશા (21 બેઠકો), આંધ્ર પ્રદેશ (25 બેઠકો), તેલંગાણા (17 બેઠકો), કેરળ (20 બેઠકો) મહત્વપૂર્ણ છે જ્યાં સ્થાનિક પક્ષોનો દબદબો છે.
ગત લોકસભા ચૂંટણીમાં આંધ્ર પ્રદેશમાં ભાજપે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) સાથે ગઠબંધન કર્યુ હતું. આ ગઠબંધનને ચૂંટણીમાં સારી સફળતા મળી હતી. જો કે આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમની જોગવાઈઓને લાગુ કરવાના મુદ્દે તેલુગુ દેશમ પાર્ટી અને ભાજપમાં રસ્તા અલગ થઈ ગયા છે.
કહેવાય છે કે આ બે રાજ્યોમાં ભાજપની પ્રદેશ શાખા વાઈએસઆર કોંગ્રેસ સાથે સહયોગ પર ભાર મૂકી રહી છે. આંધ્ર પ્રદેશના સંબદ્ધ પાર્ટીના એક નેતાએ જણાવ્યું કે તમામ સંભાવનાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ સાથે સંગઠનને સતત મજબુત બનાવવા ઉપર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
પૂર્વોત્તરની જેમ ગઠજોડની કવાયત અંતર્ગત તામિલનાડુમાં ભાજપ વિજયકાંતના ડીએમડીકે, ઈઆર ઈશ્વરનની કેએમડીકે, એસ રામદાસની પીએમકે, વાયકોની એમડીએમકે, એસી ષણમુગમની પીએકે જેવા નાના પક્ષોના સહયોગની સંભાવના ઉપર પણ વિતાર કરી રહ્યો છે.
ઓડિશામાં ભાજપને ફાયદો થવાની આશા
કેરળમાં કોંગ્રેસના નેતૃત્વવાળા યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) અને સીપીએમના નેતૃત્વવાળા (એલડીએફ) ગઠબંધનનું છેલ્લા ચાર દાયકાથી શાસન રહ્યું છે. આવામાં ભાજપ રાજ્યમાં ત્રીજી તાકાત તરીકે ઉભરી આવવા માટે સતત પ્રયત્નમાં છે. આ ક્રમમાં ભાજપ આ રાજ્યમાં ભારત ધર્મા જના સેના (બીડીજેએસ) જેવા સંગઠનો સાથે સહયોગની સંભાવના પર વિચાર કરી રહ્યો છે.
ઓડિશામાં વર્ષ 2000થી બીજેડી પ્રમુખ અને મુખ્યમંત્રી નવીન પટનાયકના નેતૃત્વમાં સરકાર છે. ભાજપને લાગે છે કે ઓડિશામાં સરકાર વિરોધી લહેરનો તેમને લાભ થઈ શકે છે. કારણ કે ત્યાં કોંગ્રેસ નબળી પડી છે. જેને ધ્યાનમાં રાખીને ગત વર્ષ ઓડિશામાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક આયોજિત કરવામાં આવી હતી.
બીજેપી અધ્યક્ષ અમિત શાહ પશ્ચિમ બંગાળ, ઓડિશા, તેલંગાણા, કેરળ, કર્ણાટક જેવા પ્રદેશ પાર્ટી સંગઠનોના કાર્યો પર સીધી નજર રાખી રહ્યાં છે. જેમાં બૂથ સ્તર સુધીના ફીડબેક લેવામાં આવી રહ્યાં છે. આ બધામાં વિસ્તારક યોજના, બૂથ સ્તર પર પાર્ટીને મજબુત બનાવવા અને શક્તિ કેન્દ્રો તથા શક્તિ પ્રમુખોની સુવ્યવસ્થિત શ્રુંખલા તૈયાર કરવાનો કાર્યક્રમ સામેલ છે.
દેશની 60 ટકા વસ્તી 35 વર્ષથી ઓછી હોવાને ધ્યાનમાં રાખીને ભાજપે ખાસ કરીને કોરોમંડલના આ રાજ્યોમાં પોતાના અભિયાનને કેન્દ્રમાં રાખીને યુવાઓ અને દલિતો સહિત સમાજના કમજોર વર્ગને ધ્યાનમાં રાખ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે