દુનિયાની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ બની 'આયુષમાન ભારત યોજના'

25 સપ્ટેમ્બર, 2018ના રોજ સમગ્ર દેશમાં લાગુ થયેલી આ યોજના અંતર્ગત અત્યાર સુધી 2.2 કરોડ લોકોને E-Card આપી દેવામાં આવ્યા છે 

દુનિયાની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ બની 'આયુષમાન ભારત યોજના'

નવી દિલ્હીઃ નાણામંત્રી અરૂણ જેટલીએ બુધવારે જણાવ્યું કે, 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' (આયુષમાન ભારત) 5 મહિનાથી થોડા વધુ સમયમાં દુનિયાની સૌથી મોટી મફત આરોગ્ય સુરક્ષા યોજના બની ગઈ છે. તેમણે ટ્વીટર પર જણાવ્યું કે, "શરૂ થયાના 5 મહિના કરતાં થોડા વધુ સમયમાં 'આયુષમાન ભારત' #PMJAY દુનિયાની સૌથી મોટી મફત આરોગ્ય સુરક્ષા યોજના બનવાની દિશામાં આગળ વધી ચૂકી છે. અત્યાર સુધી 2.2 કરોડ લોકોને ઈ-કાર્ડ આપી દેવાયા છે અને 14 લાખ કરતાં વધુ લોકો ઈલાજ કરાવી ચૂક્યા છે."

કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા 25 સપ્ટેમ્બર, 2018ના રોજ લાગુ કરવામાં આવેલી આ યોજનાને દુનિયામાં સૌથી મોટી સરકારી આરોગ્ય સુરક્ષા યોજના તરીકે રજૂ કરાઈ હતી. જેમાં 60 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર અને બાકીનો ખર્ચ રાજ્ય સરકાર વહન કરે છે. 

એક અન્ય ટ્વીટમાં નાણામંત્રીએ જણાવ્યું કે, "સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અત્યાર સુધીમાં 9.23 કરોડ શૌચાલયનું નિર્માણ કરાયું છે. તેનાથી 98 ટકા લોકોને શૌચાલયની સુવિધા પ્રાપ્ત થઈ ગઈ છે, જે 2014માં 39 ટકા હતી. તેમણે લખ્યું કે દેશના 30 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ ખુલ્લામાં શૌચાલયની સમસ્યાથી મુક્ત થઈ ચૂક્યા છે." સ્વચ્છ ભારત અભિયાન વડા પ્રધાન મોદી દ્વારા 2 ઓક્ટોબર, 2014ના રોજ શરૂ કરાયું હતું. 

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થી દેશભરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઈલાજ કરાવી શકશે. તમામ રાજ્યોની સરકારી હોસ્પિટલોનો પણ તેમાં સમાવેશ કરાયો છે. આ યોજનાના લાભાર્થીને હોસ્પિટલમાં દાખલ કરાવાથી માંડીને ઈલાજમાં થયેલા ખર્ચની ચુકવણી વીમા કંપની પાસે કરાવાનું કામ આયુષમાન મિત્ર સંભળાશે. આ યોજના સંપૂર્ણપણે કેશલેસ છે અને તેમાં પરિવારના સભ્યોની સંખ્યા કે વયની કોઈ મર્યાદા નક્કી કરાઈ નથી. આ યોજના અંતર્ગત વાર્ષિક રૂ.5 લાખ સુધીનો ઈલાજ મફતમાં થઈ શકશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news