દિલ્હીમાં કેવી રીતે કોરોના પર મેળવાશે કાબુ? અમિત શાહે કેજરીવાલ સાથે કરી બેઠક

કોરોના વાયરસનું સંક્રમણ જે ઝડપથી દિલ્હીમાં ફેલાઈ રહ્યું છે તેની ચિંતાઓની વચ્ચે આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્ય લોકો સાથે હાલાત પર ચર્ચા કરવા માટે એક બેઠક યોજી.

દિલ્હીમાં કેવી રીતે કોરોના પર મેળવાશે કાબુ? અમિત શાહે કેજરીવાલ સાથે કરી બેઠક

નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) નું સંક્રમણ જે ઝડપથી દિલ્હીમાં ફેલાઈ રહ્યું છે તેની ચિંતાઓની વચ્ચે આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને અન્ય લોકો સાથે હાલાત પર ચર્ચા કરવા માટે એક બેઠક યોજી. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે આ બેઠકમાં દિલ્હીમાં વૈશ્વિક મહામારીને પહોંચી વળવા માટે, હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતા, તપાસની સુવિધાઓ અને સ્વાસ્થ્ય સંબંધી અન્ય પાયાની માળખાગત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું. 

શાહ, બૈજલ અને કેજરીવાલ ઉપરાંત ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગૃહ તથા સ્વાસ્થ્ય મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં સામેલ થયા હતાં. ગૃહ મંત્રીએ દિલ્હીના ત્રણ નગર નિગમોના મેયરો તથા અન્ય પદાધિકારીઓ સાથે સાંજે એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં ઉપરાજ્યપાલ, મુખ્યમંત્રી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી પણ સામેલ થશે. 

કેજરીવાલ સરકારે કેન્દ્ર સરકારને કહ્યું કે દિલ્હીમાં પ્રાઈવેટ હોસ્પિટલોના મોનિટરિંગ માટે એક કમિટી બનાવવામાં આવે. આ સાથે જ આગામી સપ્તાહ સુધી કોરોનાના દર્દીઓ માટે 20 હજાર વધારાના બેડની વ્યવસ્થા કરવામાં આવે. કેટલીક હોટલો અને બેન્ક્વેટ હોલને આઈસોલેશન વોર્ડ તરીકે ઉપયોગમાં લેવાવા જોઈએ. 

અત્રે જણાવવાનું કે સ્વાસ્થ્ય વિભાગના બુલેટિન મુજબ દિલ્હીમાં શનિવારે 2134 નવા કેસ આવ્યાં. ત્યારબાદ હવે સંક્રમિતોની સંખ્યા વધીને 38,958 થઈ ગઈ છે. જ્યારે એક જ દિવસમાં 57 લોકોના મૃત્યુ થયાં. દિલ્હીનો કોરોનાથી મૃત્યુનો આંક વધીને 1271 થયો છે. આવું બીજીવાર બન્યું છે કે એક જ દિવસમાં સંક્રમણના 2 હજારથી વધુ કેસ આવ્યાં છે. આ અગાઉ શુક્રવારે 2137 કેસ સામે આવ્યાં હતાં. કોરોના વાયરસથી સંક્રમણના કેસમાં મહારાષ્ટ્ર પહેલા નંબરે અને તામિલનાડુ બીજા નંબરે છે. 

જ્યારે દિલ્હી કોરોનાના કેસના મામલે દેશમાં ત્રીજા નંબરે છે. શાહની ઓફિસ દ્વારા કરાયેલી એક ટ્વિટમાં કહેવાયું કે ગૃહમંત્રી અમિત શાહ અને સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ 19ના સંદર્ભે સ્થિતિની સમીક્ષા માટે દિલ્હીના ઉપરાજ્યપાલ, મુખ્યમંત્રી અને એસડીએમએના સભ્યો સાથે 14 જૂનના રોજ સવારે 11 વાગે બેઠક કરશે. એમ્સના ડાઈરેક્ટર અને વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહેશે. તેના ગણતરીના કલાકો બાદ ગૃહમંત્રીના કાર્યાલય તરફથી જાહેરાત કરાઈ કે રવિવારે જ દિલ્હીના ત્રણેય નગરનિગમ ઉત્તર, દક્ષિણ અને પૂર્વના મેયરો અને ટોચના અધિકારીઓ સાથે અલગથી બેઠક થશે. 

— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) June 13, 2020

દિલ્હીની હોસ્પિટલોમાં સ્થિતિ 'ભયાનક'
રાજધાનીમાં કોવિડ 19ની સ્થિતિને પહોંચી વળવા થઈ રહેલી કામગીરી અને હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડની ઉપલબ્ધતા નહીં હોવા તથા લેબમાં તપાસમાં આવી રહેલી મુશ્કેલીઓને લઈને અલગ અલગ વર્ગો દ્વારા આલોચના થઈ રહી છે. સુપ્રીમ કોર્ટે પણ શુક્રવારે શહેરની સરકારને આડે હાથ લેતા કહ્યું કે દિલ્હીની હોસ્પિટલોમાં સ્થિતિ ભયાનક છે. અને કોવિડ 19ના દર્દીઓની પાસે મૃતદેહો રાખવામાં આવી રહ્યાં છે. કોર્ટેની ટિપ્પણી બાદ દિલ્હી સરકારે કહ્યું કે તેઓ પૂરા સન્માન અને ઈમાનદારી સાથે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓને સ્વીકારે છે અને દિલ્હી સરકાર બધા માટે સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે તથા પ્રત્યેક કોવિડ 19 દર્દી માટે દરેક શક્ય સારવાર સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

6 સભ્યોની એક સમિતિની રચના
ઉપરાજ્યપાલ બૈજલે પણ કોવિડ 19 મેનેજમેન્ટ પ્લાન અને દિલ્હીમાં ચિકિત્સા માળખાને વધુ મજબુત બનાવવા પર સૂચનો આપવા માટે છ સભ્યોની એક સમિતિની રચના કરી છે. બૈજલે હાલમાં જ દિલ્હી સરકારના એ નિર્ણયને પલટી નાખ્યો હતો જેમાં કહેવાયું હતું કે હોસ્પિટલમાં બેડ અને તપાસ ફક્ત દિલ્હીવાળાઓ માટે છે અને તપાસ પણ એ જ દર્દીઓની થશે જેમનામાં લક્ષણો જોવા મળશે. 

બૈજલની આ સૂચનો આપનારી સમિતિમાં આઈસીએમઆરના ડાઈરેક્ટર જનરલ ડો.બલરામ ભાર્ગવ, Disaster management authority ના સભ્ય કૃષ્ણ વત્સ અને કમલ કિશોર, અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)ના ડાઈરેક્ટર રણદીપ ગુલેરિયા, ડીજીએચએસના Additional DDG ડો.રવિન્દ્રન અને રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્રના ડાઈરેક્ટર સુરજીતકુમાર સિંહ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news