કેરળમાં પૂર બાદ હવે રોગચાળો ફેલાવાનો ભય, આરોગ્ય મંત્રાલયને ચેતવણી જાહેર કરી, 5 હજાર રાહત શિબિરમાં 7 લાખથી વધુ લોકોની શરણ

હવામાન ખાતાએ આગાહી કરી છે કે, પૂરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય થઈ શકે છે. એક અંદાજ મુજબ કેરળમાં રૂ.21,000 કરોડની સંપત્તિને નુકસાન પહોંચ્યું છે 

  • કેરળના જિલ્લાઓમાંથી રેડ એલર્ટ પાછું ખેંચાયું 
  • 360નાં મોત, 21,000 કરોડનું નુકસાન 
  • આગામી 4-5 દિવસ વરસાદનું જોર હળવું થશે 
  • પૂર બાદ હવે રોગચાળો ફેલાવાનો ભય

Trending Photos

કેરળમાં પૂર બાદ હવે રોગચાળો ફેલાવાનો ભય, આરોગ્ય મંત્રાલયને ચેતવણી જાહેર કરી, 5 હજાર રાહત શિબિરમાં 7 લાખથી  વધુ લોકોની શરણ

નવી દિલ્હીઃ કેરળમાં અત્યારે વરસાદ અને પૂરનું જોર તો ચાલુ જ છે. સાથે જ હવે રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે. કેરળના આરોગ્ય વિભાગમાં આપત્તિ વ્યવસ્થાપનની આગેવાની કરી રહેલા અનિલ વાસુદેવને જણાવ્યું કે, તિરૂવનંદપુરમથી લગભગ 250 કિમી દૂર અલુવા શહેરના રાહત શિબિરમાં ચિકનપોક્સના ત્રણ કેસ બહાર આવ્યા છે. હાલ આ દર્દીઓને રાહત શિબિરોમાંથી ખસેડીને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 

કેન્દ્રીય મંત્રાલયનું એલર્ટ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે પૂરથી પ્રભાવિત કેરળમાં કોઈ પણ પ્રકારનો રોગચાળો ફેલાતો અટકાવા માટે 3,757 મેડિકલ કેમ્પ લગાવેલા છે. પૂરના પાણી ઓસરવાની સાથે જ ચેપી બિમારીઓ ફેલાવા લાગશે. ચેપી રોગનો ફેલાતા અટકાવા અને તેને કાબુમાં રાખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ પીવાનું પાણી, સફાઈનાં યોગ્ય પગલાં, વેક્ટર નિયંત્રણ અને અન્ય ચીજવસ્તુઓ અંગે રાજ્ય સાથે ચર્ચા કરવામાં આવી છે. રાજ્યના આગ્રહ બાદ 90 પ્રકારની દવાઓની પ્રથમ બેચ સોમવારે કેરળ પહોંચી જશે. આ ઉપરાંત આરોગ્ય મંત્રાલયે 60 ટન દવાઓ પણ રાજ્ય તરફ રવાના કરી છે. 14 લાખ લીટર પીવાનું શુદ્ધ પાણી ભરેલી એક સ્પેશિયલ ટ્રેન પણ કેરળ રવાના કરાઈ છે. 

 

— ANI (@ANI) August 19, 2018

— ANI (@ANI) August 19, 2018

5,645 રાહત શિબિરમાં 7 લાખ લોકોની શરણ
કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને જણાવ્યું કે, રાજ્યમાં આવેલા વિનાશક પૂરને કારણે નિરાધાર થયેલા કુલ 7,24,649 લોકોને 5,645 રાહત શિબિરમાં આશરો અપાયો છે. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીનાં ભયાનક પૂરમાં આજ સુધી 370 લોકોનાં મોત થઈ ગયાં છે અને રાજ્યને રૂ.21,000 કરોડથી પણ વધુનું નુકસાન થયું છે. 

રાહતના સમાચાર, 4-5 દિવસ વરસાદનું જોર હળવું થશે

હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે, પૂર ગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિ સામાન્ય થવાની સંભાવના છે. આગામી 4-5 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. રવિવારે તિરૂવનંતપુરમ, કોલ્લમ અને કાસરગોડ સિવાયનાં તમામ જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહ્યો હતો. 

આગામી 5 દિવસ ભારે વરસાદ નહીં : IMD
રવિવારે સાંજે કેરળના લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 4-5 દિવસમાં પરિસ્થિતિ સામાન્ય થવાની સંભાવના છે. ભારતીય હવામાન ખાતાએ જણાવ્યું કે, કેરળમાં આગામી 5 દિવસ દરમિયાન ભારે વરસાદ નહીં પડે. રાજ્યમાં વરસાદનું જોર ધીમું પડી રહ્યું છે. જેના કારણે બચાવ અભિયાનમાં તેજી આવશે. હજુ પણ અનેક સ્થળે પૂરને કારણે અનેક લોકો ફસાયેલા છે. ભારતીય સેનાના જવાન જીવ જોખમમાં નાખીને પણ બચાવ અભિયાન ચલાવી રહ્યા છે. 

— ANI (@ANI) August 19, 2018

રેડ એલર્ટ પણ પાછું ખેંચાયું 
ભયાનક પૂરનો સામનો કરી રહેલા કેરળના લોકોને ટૂંક સમયમાં જ રાહત મળી શકે છે. રવિવારે કેરળના તમામ જિલ્લામાં રેડ એલર્ટ પાછું ખેંચી લેવાયું છે. તેનો અર્થ એવો થયો કે, હવે રાજ્યમાં પૂરનું પાણી ધીમે ધીમે ઓસરી રહ્યું છે. જોકે, હજુ પણ રાજ્યના 10 જિલ્લામાં ઓરેન્જ અને 2 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયેલું છે. તેની સાથે જ ઈડુક્કી ડેમના બે ગેટ પણ બંધ કરવામાં આવ્યા છે. ડેમનું વર્તમાન જળસ્તર 2402.28 છે. રાજ્યમાં અત્યાર સુધી પૂરના કારણે 360 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. 

સામાન્ય કરતાં 170 ટકા વધુ વરસાદ 
હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યું છે કે, કેરળમાં આગામી 4-5 દિવસમાં વરસાદમાં ઘટાડો થઈ શકે છે. કેરળમાં ભારે વરસાદને કારણે ભયાનક પૂર આવેલું છે. હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું કે, કેરળમાં 20 ઓગસ્ટ બાદ ભારે વરસાદ થવાની સંભાવના નહિંવત છે. તેમણે જણાવ્યું કે, દક્ષિણના આ રાજ્યમાં 1 ઓગસ્ટથી 17 ઓગસ્ટ દરમિયાન સામાન્ય કરતાં 170 ટકા વધુ વરસાદ નોંધાયો છે. 

Kerala gets respite from rain, fears rise over disease in camps

100 વર્ષ બાદ આવ્યું આવું પૂર 
ભારતના હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. જોકે, આ વરસાદ નુકસાન પહોંચાડશે નહીં. શનિવારની સરખામણીએ રવિવારે વરસાદનું જોર ઓછું થયું છે. હવે આગળ પણ વરસાદનું જોર ઘટવાની સંભાવના છે. તેરુવનંતપુરમ, કોલ્લમ અને કાસરગોડ સિવાય કેરળના 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં હળવો વરસાદ થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, કેરળમાં 100 વર્ષ બાદ આવું ભયાનક પૂર આવ્યું છે. 

If Indian Ocean is our Karmbhoomi, Kerala is our Janmabhoomi, says Navy chief; rescue ops on

ભારતીય સમુદ્ર અમારી કર્મભૂમિ, કેરળ કર્મભૂમિ છેઃ નૌકાદળ પ્રમુખ 
કેરળમાં ચાલી રહેલા બચાવ-રાહત અભિયાનમાં ભારતીય નૌકાદળ પણ પ્રમુખ ભૂમિકા નિભાવી રહ્યું છે. રવિવારે નૌકાદળના દક્ષિણ મથક ખાતેથી ખાદ્ય પદાર્થો, પીવાનું પાણી અને મિનરલ વોટર સહિતની સામગ્રી લઈને આઈએનએસ દીપક જહાજ કોચી પહોંચ્યું હતું. આ ઉપરાંત કોચી જવા માટે દિલ્હી ક્લાસ આઈએનએસ મૈસુર તૈયાર ઊભું છે. નૌકાદળના વડા એડમિરલ સુનિલ લાંબાએ જણાવ્યું કે, "ભારતીય સમુદ્ર અમારી કર્મભૂમિ છે, જ્યારે કેરળ અમારી જન્મભૂમિ છે." 'ઓપરેશન મદદ' હેઠળ નૌકાદળની 72 ટૂકડીઓ અત્યારે કેરળમાં બચાવ-રાહત અભિયાનમાં જોડાયેલી છે. 

શું હોય છે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ 
રેડ એલર્ટઃ રાજ્યની નદીઓ જ્યારે ખતરાના નિશાનથી ઉપર વહેવા લાગે ત્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે. તેનો અર્થ એવો થાય છે કે, જોખમ ઘણું વધી ગયું છે. લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવે છે.  
ઓરેન્જ એલર્ટઃ નદીઓ જ્યારે ખતરાના નિશાન અને સુચકાંકના સર્વોચ્ચ સ્તરના વચ્ચે વહેતી હોય છે ત્યારે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવે છે. તેનો અર્થ થાય છે કે લોકો સજાગ રહે. 
યલો એલર્ટઃ નદીઓ જ્યારે સામાન્ય સ્તરથી ઉપર કે ચેતવણી અને ખતરાના નિશાનની વચ્ચે વહેતી હોય છે તો તેને યલો એલર્ટ કહેવામાં આવે છે. તેમાં કોઈ જોખમ હોતું નથી. 

500 કરોડનું રાહત પેકેજ 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કેરળના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યા બાદ તાત્કાલિક ધોરણે આર્થિક મદદ તરીકે રૂ.500 કરોડનું પેકેજ આપવાની જાહેરાત કરી હતી. આ અગાઉ પણ પીએમ રૂ.100 કરોડની મદદની જાહેરાત કરી ચૂક્યા હતા. વડા પ્રધાન મોદીએ કેરળના પૂરની સમીક્ષા કર્યા બાદ વરસાદમાં મૃત્યુ પામેલા લોકોનાં પરિજનોને રૂ.2-2 લાખ અને ગંભીર રીતે ઘાયલોને રૂ.50-50 હજારનું વળતર આપવાની પણ જાહેરાત કરી હતી. આ વળતર વડા પ્રધાન રાષ્ટ્રીય આપત્તિ ફંડમાંથી આપવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news