અયોધ્યા છાવણીમાં ફેરવાયું, 70,000 સુરક્ષાકર્મીઓ તહેનાત, શાળા-કોલેજ બંધ
ઉત્તર પ્રદેશમાં અયોધ્યામાં રામ મંદિરને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આશીર્વાદ ઉત્સવ માટે આજે અયોધ્યા પહોંચી રહ્યાં છે.
Trending Photos
અયોધ્યા: ઉત્તર પ્રદેશમાં અયોધ્યામાં રામ મંદિરને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આશીર્વાદ ઉત્સવ માટે આજે અયોધ્યા પહોંચી રહ્યાં છે. જેમની સાથે અનેક શિવસૈનિકો પણ આ કાર્યક્રમમાં પહોંચી રહ્યાં છે. શુક્રવારે એક સ્પેશિયલ ટ્રેનથી 2000 જેટલા શિવસૈનિકો અયોધ્યા પહોંચ્યાં. આજે પણ એક સ્પેશિયલ ટ્રેન અયોધ્યા પહોંચી છે. જેમાં હજારોની સંખ્યામાં શિવસૈનિકો અયોધ્યા પહોંચ્યા છે. આ બાજુ વીએચપી રવિવારે એક ધર્મસભાનું આયોજન કરી રહી છે. બંને કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને પ્રશાસને સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કર્યા છે. પ્રશાસને લગભગ 70,000 સુરક્ષાકર્મીઓની તહેનાતી કરી છે.
કાયદો વ્યવસ્થાને જાળવી રાખવા માટે રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તહેનાત છે. અયોધ્યામાં કલમ 144 લાગુ કરાઈ છે. આજે અયોધ્યામાં શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે. શહેરની લગભગ 50 શાળાઓમાં સુરક્ષાકેમ્પ લગાવવામાં આવ્યાં છે. લખનઉમાં પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે અયોધ્યામાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે એક એડિશનલ ડીજીપી સ્તરના અધિકારી, એક ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ, 3 એસએસપી, 10 એએસપી, 21 ક્ષેત્રાધિકારી, 160 ઈન્સ્પેક્ટર, 700 કોન્સ્ટેબલ, પીએસીની 42 ટુકડી, આરએએફની પાંચ કંપનીઓ તહેનાત કરાઈ છે. આ ઉપરાંત એટીએસના કમાન્ડો અને ડ્રોન કેમેરા પણ નિગરાણી માટે તહેનાત કરાયા છે.
ચારે બાજુ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. જો કે કહેવાઈ રહ્યું છે કે મુસ્લિમ સમુદાયમાં ડરનો માહોલ છે. કેટલાક લોકોએ શુક્રવારથી જ ઘરમાં જરૂરી ચીજવસ્તુઓનો સ્ટોક કરવા માંડ્યો છે. તેમણે અનાજ, ફળ, શાકભાજી અને દવાઓનો સ્ટોક કરી લીધો છે. અનેક લોકોને એ વાતનો ડર છે કે ક્યાંક 6 ડિસેમ્બર 1992 જેવી ઘટના ફરી ન ઘટે. આજે અયોધ્યામાં શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે. શહેરની લગભગ 50 શાળાઓમાં સુરક્ષાદળોના કેમ્પ લગાવવામાં આવ્યાં છે.
અયોધ્યાની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ન થાય તે માટે અધિકારીઓ એલર્ટ છે. અયોધ્યાના ડીએમ અનિલકુમારે કહ્યું કે પ્રશાસન સતત સ્થાનિક લોકોના સંપર્કમાં છે. ત્યાં ડરનો કોઈ માહોલ નથી. ડીએમએ લોકોને ખાતરી અપાવતા કહ્યું કે ડરવાની કોઈ જરૂર નથી. તેમણે જાણકારી આપતા કહ્યું કે શિવસેના અને વીએચપી બંનેને કાર્યક્રમની મંજૂરી આપવામાં આવી છે. બંને તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે તેમના કાર્યક્રમના કારણે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા થશે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે