11 મહિલાઓ સબરીમાલા મંદિરમાં દર્શન કરવાની પહોંચી, પંબામાં તણાવની સ્થિતિ
Trending Photos
પંબા: પંબામાં રવિવારે સવારે તણાવની સ્થિતિ ઊભી થઈ ગઈ જ્યારે 50 વર્ષથી પણ ઓછી આયુની 11 મહિલાઓના એક સમૂહે ભગવાન અયપ્પા મંદિરમાં પહોંચવાની કોશિશ કરી. શ્રદ્ધાળુઓએ આ મહિલાઓનો ખુબ વિરોધ કર્યો.
મહિલાઓના એક સમૂહે મંદિર પરિસરમાં લગભગ પાંચ કિલોમીટર દૂર પરંપરાગત વન પથના માધ્યમથી અયપ્પા મંદિર પહોંચવાની કોશિશ કરી પરંતુ શ્રદ્ધાળુઓના વિરોધના કારણે તે આગળ વધી શક્યા નહીં. નિષેધાત્મક આદેશની ટીકા કરતા સેંકડો શ્રદ્ધાળુઓ અહીં ભેગા થયા અને તેમણે ભગવાન અયપ્પાના ભજન જોર જોરથી ગાવાના શરૂ કરી દીધા. ચેન્નાઈના માનિથી સંગઠનની આ મહિલાઓ સતત વિરોધ બાદ સવારે 5.20 વાગ્યાથી રસ્તા પર બેસી ગઈ છે. પોલીસે તેમની આજુબાજુ ઘેરાબંધી કરી લીધી છે.
આ સમૂહના સંયોજક સેલ્વી સાથે પોલીસની વાતચીત પણ નિષ્ફળ ગઈ કારણ કે તેમણે એ વાત પર ભાર મૂક્યો કે તેઓ દર્શન વગર પાછા ફરશે નહીં. પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પોલીસ તેમને પાછા ફરવાનું કહી રહી છે તેવું તેમણે કહ્યું. પરંતુ આ સમૂહ દર્શન કર્યા વગર પાછા ન જવાની જીદ પકડીને બેઠો છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી અમને આગળ ન જવા દે ત્યાં સુધી અમે અહીં બેસીને રાહ જોઈશું.
નોંધનીય છે કે સબરીમાલા મંદિરમાં 10-50 વર્ષની ઉંમરની મહિલાઓના પ્રવેશ પર પરંપરાગત રીતે લાગેલી રોક વિરુદ્ધ સુપ્રીમે ચુકાદો આપ્યો છે. અને 28 નવેમ્બરના રોજ આવેલા આ ચુકાદામાં તમામ વર્ગની મહિલાઓને મંદિરમાં પ્રવેશ અને પૂજાની પરવાનગી આપી છે. ત્યારથી લઈને મંદિરમાં પ્રવેશને લઈને અનેકવાર વિરોધ પ્રદર્શન થયા છે.
મહિલાઓનો સમૂહ કેરળ-તામિલનાડુ સરહદ પર ઈડુક્કી-કમ્બદુ માર્ગથી સવારે લગભગ સાડા ત્રણ વાગે પમ્બા પહોંચ્યો હતો. સ્થાનિક ટેલિવિઝન ચેનલોના જણાવ્યાં મુજબ તેમણે રસ્તામાં અનેક વિરોધ પ્રદર્શનોનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આમ છતાં તેઓ પમ્બા પહોંચવામાં સફળ રહી. સમૂહના સભ્ય તિલકવતીએ કહ્યું કે મંદિરમાં દર્શન નહી થાય ત્યાં સુધી અમે પ્રદર્શન ચાલુ રાખીશું. પોલીસે સુરક્ષાનો હવાલો આપતા પાછા ફરવાનું કહ્યું છે પરંતુ અમે પાછા જઈશું નહીં.
કેરળ સરકારના સુપ્રીમ કોર્ટના આદેશને લાગુ કરવાના નિર્ણય બાદથી શ્રદ્ધાળુઓએ સબરીમાલા મંદિર પાસે પુષ્કળ વિરોધ પ્રદર્શન કર્યુ છે. અગાઉ પણ કેટલીક મહિલાઓ મંદિર સુધી પહોંચવાના નિષ્ફળ પ્રદર્શન કરી ચૂકી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે