આત્મહત્યા ચોક્કસ દિવસ, ઋતુ, વાતાવરણથી પ્રભાવિત હોય છે... આત્મહત્યાની આવી ગેરમાન્યતાઓથી દૂર રહેવું

World Suicide Prevention Day 2023 : આવતીકાલે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ છે... સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા આત્મહત્યાના કારણો પર મોટું સંશોધન કરાયું 
 

આત્મહત્યા ચોક્કસ દિવસ, ઋતુ, વાતાવરણથી પ્રભાવિત હોય છે... આત્મહત્યાની આવી ગેરમાન્યતાઓથી દૂર રહેવું

Rakot News : આવતીકાલે 10 સપ્ટેમ્બરે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ છે. આત્મહત્યા એ સામાજિક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યા બંને છે અને તે સમાજનું મુખ્ય કલંક છે. મનોવૈજ્ઞાનિકોના મતે આત્મહત્યા એક જટિલ વૈશ્વિક સામાજિક સમસ્યા છે. લોકો ઘણીવાર વિચારે છે કે મૃત્યુ પછી તેમને બધી જવાબદારીઓમાંથી મુક્તિ મળશે, તેઓ આત્મહત્યાને છેલ્લો ઉપાય માને છે. આ સાથે પ્રેમ-સંબંધો કે એવું કોઈ ટેન્શન જેને વ્યક્ત કરવામાં અસમર્થ હોય છે તે આત્મહત્યાનું કારણ બની જાય છે.  જે લોકો આત્મહત્યા કરે છે તેમના શરીરમાં અસાધારણ રીતે ઉચ્ચ સ્તરની પ્રવૃત્તિ અને સ્ટ્રેસ હોર્મોન્સ હોય છે. સેરોટોનિન એ મગજનું રાસાયણિક (ન્યુરોટ્રાન્સમીટર) છે જે મૂડ, ચિંતા અને આવેગ સાથે સંકળાયેલું છે. 10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ. વધતી જતી આત્મહત્યા એ દરેક સમાજ માટે સમસ્યા છે. કિશોર વયના લોકોથી વૃદ્ધ સુધીના લોકો આત્મહત્યા કરતા જોવા મળે છે જેમાં શિક્ષિત લોકોનો પણ સમાવેશ થાય છે. આ અંગેના ઘણા કારણો છે જેને મુખ્ય બે કારણો માં વહેંચી શકાય. વ્યક્તિગત કારણો અને સામાજિક કારણો. આ અંગે મનોવિજ્ઞાન ભવનના અઘ્યપક ર્ડા. ધારા આર.દોશી અને અધ્યક્ષ ડૉ. યોગેશ એ. જોગસણ દ્વારા આત્મહત્યા અંગે જરૂરી માહિતીઓ જણાવી.

આત્મહત્યા વિશે કેટલીક હકીકતો

આત્મહત્યા કરનાર લોકોની માનસિક સ્થિતિ ડામાડોળ થયેલ હોય છે, સામાન્ય રીતે સામાજિક, આર્થિક, માનસિક, વ્યક્તિગત એમ વિવિધ કારણોને લીધે લોકો આક્રમકતા  કરવા પ્રેરાય છે, વિધવા અથવા છૂટાછેડા લીધા પછી મહિલાઓમાં આત્મહત્યાનું જોખમ વધે છે, આત્મહત્યાનું વલણ ખૂબ જ વૃદ્ધ લોકો અને ખૂબ જ યુવાન લોકો બંનેમાં જોવા મળે છે, આત્મહત્યા દરેક આર્થિક, સામાજિક વર્ગના લોકોમાં હોય છે, આત્મહત્યા દ્વારા મૃત્યુ સિવાય, બીજું કોઈ મૃત્યુ નથી જે મિત્રો અને સંબંધીઓમાં કાયમી દુ:ખ, અપરાધ અને વિક્ષેપ પેદા કરે, બાળકો અને કિશોરોમાં આત્મહત્યાનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે, હતાશાના દરમાં વધારો આત્મહત્યાના દરમાં વધારો કરે છે, અનુકરણ પણ આત્મહત્યાનું કારણ બની રહે છે, માણસને મગજની 300થી વધુ બીમારી હોય છે. આત્મહત્યા કરનાર અથવા એના વિષે વારંવાર વિચારનાર લોકો પણ એક માનસિક બીમારીથી પીડાતા હોય છે. ડીપ્રેશન, બાયપોલર ડીસઓર્ડર એટલે કે સતત મુડ સ્વીંગ થનાર લોકોમાં સુસાઇડ એટેમ્પ કરવાનું જોખમ સૌથી વધારે છે, કેટલાક લોકો આર્થિક તંગી અને સામાજિક કારણથી આત્મહત્યા કરે છે. આવું ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ પોતાના જીવનમાં કશું મેળવવાની આશા છોડી દે છે, વ્યક્તિત્વ વિકૃતિથી પીડાતા લોકો પણ આત્મહત્યાનું પગલું ભરે છે. જેમાં સૌથી વધુ ઈમ્પ્લ્સીવ કોમ્પલેક્ષથી પીડાતા હોય છે, આ એક એવી બીમારી છે જેમાં વ્યક્તિ સમજ્યા વગે કોઈપણ સ્થિતિમાં તાત્કલિક નિર્ણય લઈ શકે છે. માણસના શરીરમાં અમુક એવા ન્યુરો કેમિકલ્સ હોય છે જે વ્યક્તિને ખુશ રાખે છે. આ ન્યુરો કેમિકલ્સમાં ગરબડીના કારણે વ્યક્તિ જીવનથી દુખી થઈને આત્મહત્યાનું પગલું ભરે છે.

આત્મહત્યા અંગે કેટલીક ગેરમાન્યતાઓ પણ પ્રચલિત છે જે નીચે મુજબ છે

જે લોકો આત્મહત્યાની વાત કરે છે તેઓ આત્મહત્યા નહીં કરે, કોઈપણ પ્રકારની પૂર્વ ચેતવણી વિના આત્મહત્યા કરવામાં આવે છે, અમુક વર્ગના લોકો જ આત્મહત્યા કરે છે, આત્મહત્યાની પ્રેરણા સરળતાથી ઓળખી શકાય છે, આત્મહત્યા કરનારા તમામ લોકો ડિપ્રેશનનો શિકાર છે, આત્મહત્યા કરવાની વૃત્તિ જન્મજાત છે, આત્મહત્યા અઠવાડિયાના ચોક્કસ દિવસ, ઋતુ, વાતાવરણીય દબાણ વગેરેથી પ્રભાવિત થાય છે, જે લોકો આત્મહત્યા કરે છે તેઓ સ્પષ્ટપણે મરવા માંગે છે. તેમને જીવન ગમતું નથી. સ્વર્ગ માટે તેઓ આ પગલું ભરે છે, જ્યારે હતાશ વ્યક્તિને આત્મહત્યા વિશે પૂછવામાં આવે છે, ત્યારે તે આત્મહત્યા કરવા તૈયાર થઈ જાય છે, બાળકો ક્યરેય આત્મહત્યા કરશે નહી.

આત્મહત્યા માટેના જોખમી પરિબળો

જીવનની આકસ્મીક ઘટનાઓ અને સંજોગો આત્મહત્યાનું જોખમ વધારી શકે છે, અગાઉના આત્મહત્યાના પ્રયાસો ભવિષ્યમાં આ જોખમ વધારી શકે છે, પરિવારમાં આત્મહત્યાનો ઇતિહાસ, ડ્રગનો દુરુપયોગ, મનોવિકૃતિ (ડિપ્રેશન, બાયપોલર ડિસઓર્ડર), ઘાતક માધ્યમો સુધી પહોંચ (દા.ત. ઘરમાં શસ્ત્રો અથવા તીક્ષ્ણ વસ્તુઓ રાખવી), સામાજિક સમસ્યાઓ, આઘાત લાગવો, લાંબી શારીરિક બીમારી, અન્યના આત્મઘાતી વર્તનને નિહાળવું કે તેના વિષે સાંભળવું, આત્મઘાતી ચેતવણી ચિહ્નો, વારંવાર મૃત્યુ અથવા આત્મહત્યા વિશે વાત કરવી અથવા લખવું, નિરાશાજનક, લાચાર અથવા નાલાયક હોવા વિશે ટિપ્પણીઓ કરવી, જીવવા માટે કોઈ કારણ ન હોવાના અભિવ્યક્તિઓ, જેમ કે; જીવનમાં કોઈ હેતુ ન હોવાની લાગણી; "મારું અહીં ન હોવું વધુ સારું રહેશે" અથવા "હું આ બધાથી દૂર જવા માંગુ છું" જેવી બાબતો વિચારવી, મિત્રો, પરિવાર અને સમુદાયથી અલગતા, અવિચારી વર્તન મૂડમાં નાટકીય ફેરફારો, અસ્તવ્યસ્ત લાગણીઓ

આત્મહત્યા વૃતિ ધરાવનાર વ્યક્તિના લક્ષણો

જ્યારે વ્યક્તિ વધુ તણાવમાં આવે છે, ત્યારે તે ડિપ્રેશનનું સ્વરૂપ લેવાનું શરૂ કરે છે. એટલું જ નહીં ડિપ્રેશનને કારણે આત્મહત્યાનો વિચાર પણ આવવા લાગે છે. હતાશાના કારણે લોકો ધીમે ધીમે સંસારથી દૂર થતા જાય છે. તેઓ એવી દુનિયામાં જાય છે જ્યાંથી તેઓ પાછા આવવા માંગતા નથી. આવી સ્થિતિમાં તેઓ અંદરથી પડી ભાંગે છે, ત્યારબાદ તેઓ આત્મહત્યા કરવાનું વિચારવા લાગે છે. દર વર્ષે 10 સપ્ટેમ્બરના રોજ 'વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ' ઉજવવામાં આવે છે, જેથી લોકોમાં જાગૃતિ લાવી શકાય. વ્યક્તિની અંદર આવતા આત્મહત્યા સંબંધિત વિચારોને રોકવું મુશ્કેલ નથી. આ માટે, આ પહેલા ફક્ત લક્ષણો અને સંકેતોને યોગ્ય સમયે ઓળખવાની જરૂર છે. આત્મહત્યા કરનાર વ્યક્તિના કેટલાક લક્ષણો પહેલાથી જ દેખાઈ આવે છે.

જીવન પ્રત્યે અસંતોષ વ્યક્ત કરતી વાતો કહેવી કે તેવા વાક્યો બોલવા, વધારે પડતું કે ઓછું સૂવું, મનપસંદ વસ્તુઓ અન્યને આપવી અથવા કોઈને આપવાની વાતો કરવી, વધુ પડતો આલ્કોહોલ અથવા ડ્રગ્સનો ઉપયોગ કરવો, આત્મહત્યાને લગતી વાતો કરવી કે વાંચવી, અચાનક મૂડ સ્વિંગ, પોતાની જાતને લોકોથી સંપૂર્ણપણે દૂર રાખવાનું શરુ કરે, જ્યારે વ્યક્તિ ઉદાસી અનુભવવા લાગે છે, અચાનક શાંત થઈ જવું, સ્વ-વિનાશક વર્તન, વ્યક્તિત્વ બદલવાનું શરૂ થવું, સોશિયલ મીડિયાથી અંતર, વર્તન ફેરફાર, કોઈ અજ્ઞાત ભય કે ડર, આત્મહત્યા કરતા પહેલા પ્રિયજનો સાથે વાત કરવી, પેનિક એટેક, જે વ્યક્તિ આત્મહત્યા કરવા માંગે છે તે આત્મહત્યાને લગતી પોસ્ટને લાઇક અથવા શેર કરશે, આશાહીનતા, આંતરિક સંઘર્ષ, આંતર વૈયક્તિક સંકટ, સ્વ-અવમૂલ્યન, કુસમાયોજન અને હતાશા, વિઘ્નપૂર્ણ ઉંઘ, તણાવ, પ્રત્યાયન, મરવા અથવા મારી નાખવાની ઇચ્છા વિશે વાત કરવી, પોતાની જાતને મારવાનો માર્ગ શોધવો, નિરાશાજનક અથવા હેતુ વિના જીવવા વિશે વાત કરવી, અન્યો પર બોજ હોવાની વાત કરવી , આલ્કોહોલ અથવા દવાઓનો વધારો કરવો, બેચેન, ઉશ્કેરાટ અથવા બેદરકારની લાગણી, ખૂબ ઓછું ઊંઘવું અથવા ખૂબ વધુ ઊંઘવું, આક્રમક રહેવું અથવા બદલો લેવાની વૃતિ રાખવી, અતિશય મૂડ સ્વિંગ , હતાશા, પરિવારથી અલગતા, ચીડિયા થવું, ભૂખ ન લાગવી, વધુ પડતું વિચારવું, જાતીય ઇચ્છામાં ઘટાડો

સામુહિક આત્મહત્યા ત્રણ પ્રકારે થતી હોય છે

1) પોઈન્ટ ક્લસ્ટર આત્મહત્યા: જયારે એક જગ્યાએ રહેતા લોકો અમુક સમયના અંતરે આત્મહત્યા કરે છે ત્યારે તેને પોઈન્ટ ક્લસ્ટર આત્મહત્યા તરીકે ઓળખવામાં આવે છે.

2) માસ ક્લસ્ટર આત્મહત્યા: એક જ સમયે મોટી સંખ્યામાં લોકો ચોક્કસ સ્થળે આત્મહત્યા કરે છે. મોટી વ્યક્તિના મૃત્યુ પછી ઘણા લોકો આત્મહત્યા કરે છે. જેમ કે દક્ષિણના રાજ્યોમાં કોઈ ખ્યાતનામ વ્યક્તિના મૃત્યુ પછી ઘણા લોકો આત્મહત્યા કરવા તરફ પ્રેરાતા હોય છે.

3)ઇકો ક્લસ્ટર આત્મહત્યા: જયારે આત્મહત્યાની ઘટના પછી એક ચોક્કસ સમયે એક જ સ્થળે અનેક આત્મહત્યા થાય છે ત્યારે તેને ઇકો ક્લસ્ટર આત્મહત્યા તરીકે ઓળખવામાં આવે છે.

ખાસ સૂચનો

નિષ્ફળતાથી ડરશો નહીં કારણ કે "મન કે હારે હાર હૈ મન કે જીતે જીત" નિષ્ફળતા જ સફળતાનો માર્ગ મોકળો કરે છે, મોબાઈલની દુનિયા માંથી બહાર નીકળી વાસ્તવિક દુનિયામાં જીવવું, એવા ઘણા ઉદાહરણો છે જેમાં શરૂઆતની નિષ્ફળતાઓ પછી લોકો ન માત્ર સફળ થયા પરંતુ કારકિર્દીની ઉંચાઈઓ હાંસલ કરી અને વિશ્વમાં નામ રોશન કર્યા તેમના ઉદાહરણો અને જીવનચરિત્રો આપણને પ્રેરણા આપે છે કે જીવન અમૂલ્ય છે, આપણી ઇચ્છાશક્તિ અને સારા પ્રયત્નોથી જીવન સફળ બનાવી શકાય છે, તમારી આંતરિક  શક્તિઓ જાણો, તમારા પર વિશ્વાસ રાખો, 100 ટકા પ્રયાસ કરો, નિષ્ફળ થવાથી ડરશો નહીં, આત્મવિશ્વાસ અને અતિશય આત્મવિશ્વાસ વચ્ચે તફાવત કરવાનું શીખો, ધ્યેય હાંસલ કરવા પ્રબળ ઈચ્છા શક્તિ વિકસિત કરો,સકારાત્મક બનો, બહાના બનાવવાનું ટાળો, ભૂતકાળ માંથી શીખો પણ વર્તમાનમાં જીવો, એક રૂટિન સેટ કરો, દિનચર્યામાં યોગ, કસરત, મનોરંજન વગેરેનો સમાવેશ કરો, તમારી ભૂલોમાંથી શીખો. પોતાના માટે સમય કાઢો, નબળી પરિસ્થિતિ હોય તો પણ કયારેય હતાશ થશો નહીં, પરિવાર સાથે ગાઢ રીતે જોડાઓ, રુચિ અનુસાર અન્ય પ્રવૃત્તિઓમાં જોડાવા માટે તૈયાર રહો.

કુટુંબ  અને સમાજ માટે સૂચનો

માતા-પિતા બનતા પહેલા દરેક યુવાન દંપતિ માટે કાઉન્સેલિંગ કરવું જોઈએ જેથી તેઓ તેમના બાળકને જન્મથી જ સારી રીતભાત આપી શકે અને બાળકના તેના વિકાસની નિર્ણાયક ક્ષણોમાં યોગ્ય વાલીપણુ પણ દાખવી શકે, માતા-પિતા કે વાલીઓએ તેમની મહત્વાકાંક્ષાઓ તેમના બાળકો પર થોપવી ન જોઈએ, પોતાના અધૂરા સપનાને બાળકો દ્વારા પૂર્ણ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ, માતા-પિતાએ બાળકની ક્ષમતા, રસ, યોગ્યતા અને મહત્વાકાંક્ષાનું મૂલ્યાંકન નિષ્ણાત દ્વારા કરાવવું જોઈએ, અન્ય લોકોને જોઈને તેમને કોઈપણ કોર્સ કે વિષયનો અભ્યાસ કરવાની ફરજ પાડવી જોઈએ નહી. બાળકોની તુલના અન્ય લોકો સાથે ન કરવી જોઈએ, સંયુક્ત કુટુંબોને તૂટવાથી બચાવવું જોઈએ, બાળકોના ઉછેરમાં વડીલોનું મહત્વનું યોગદાન હોય છે  કારણ કે તેઓ બાળકનો સર્વાંગી વિકાસ કરી શકે છે, પરિવારમાં બાળકોને પૂરતો સમય આપો અને સાથે  માતાપિતાએ તેમની દિનચર્યા વગેરે વિશે પણ વાત કરવી જોઈએ, એટલો આત્મવિશ્વાસ કેળવવો કે કોઈપણ પ્રકારની સમસ્યા ઉદ્ભવે તો તેણે તે પ્રથમ માતાપિતા પાસે એ સમસ્યા વ્યક્ત  કરવી જોઈએ, ઘરના સભ્ય પર ર્વિશ્વાસ રાખો. તેમને કોઈ પણ બાબતમાં શરમાવશો નહીં, અન્ય લોકો સાથે તેમની સરખામણી કરશો નહીં અને તેમને ટોણા મારશો નહીં, પરિવારના દરેક સભ્યએ એકબીજા પ્રત્યે સકારાત્મક વિચારસરણી અને સંવેદનશીલતા સાથે વિધાયક  વર્તન કરવું જોઈએ, વર્તમાન સામાજિક પરિદ્રશ્યમાંજૂના રૂઢિચુસ્ત વિચારો જેવા કે જાતિ, સમુદાય, ધર્મ વગેરેમાંથી બહાર આવે અને નવી પેઢી સાથે ઉદારતા સાથે વૈચારિક સંવાદિતા સ્થાપિત કરે તે જરૂરી છે, પોતાનું મહત્વ વધુ દેખાડવા કોઈને નીચા કે ઉતારી પાડવા નહિ, કોઈને કારણ વગર નડીને તેમના કાર્યમાં વિક્ષેપ ઉભો કરવો નહીં.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news