રખડતા ઢોરો બેફામ: જનતા પરેશાન, તંત્રની કામગીરી અંગે Zeeનું રીયાલીટી ચેક

અમદાવાદમાં ઢોરના ત્રાસથી 11 મેંના રોજ એક વ્યક્તિના મોત પછી અમદાવાદ અને અન્ય મોટા શહેરો વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, મેહસાણામાં તંત્ર વધુ મોતની રાહ જુએ છે? કે ઢોરને રસ્તામાંથી દુર કરી શક્યા? તેના પર ઝી 24 કલાકની ટીમ દ્વારા રિયાલીટી ચેક કરવામાં આવી છે.

રખડતા ઢોરો બેફામ: જનતા પરેશાન, તંત્રની કામગીરી અંગે Zeeનું રીયાલીટી ચેક

અમદાવાદ: શહેરના મુખ્ય માર્ગો અને આંતરીક રસ્તાઓ પર રખડતા ઢોરના કરાણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. માર્ગની નજીકમાં જ અડીંગો જમાવીને ઉભા રહેતા રખડતા ઢોરને કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. જેને કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને અસ્થિ ભંગ સુધીની ઇજાઓ પહોંચે છે. અમદાવાદમાં ઢોરના ત્રાસથી 11 મેંના રોજ એક વ્યક્તિના મોત પછી અમદાવાદ અને અન્ય મોટા શહેરો વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, મેહસાણામાં તંત્ર વધુ મોતની રાહ જુએ છે? કે ઢોરને રસ્તામાંથી દુર કરી શક્યા? તેના પર ઝી 24 કલાકની ટીમ દ્વારા રિયાલીટી ચેક કરવામાં આવી છે. 

જાહેર રોડ પર ઢોર રખડતા રાખવા મુદ્દે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
અમદાવાદમાં જાહેર રોડ પર ઢોર રખડતા રાખવા મુદ્દે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ઢોર માલિક સામે ગુનો નોંધી કાર્યવાહી કર્યા બાદ મુક્ત કરવામાં આવ્યા છે. પોલીસે આઇપીસી 308 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે, ગઇકાલે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં મ્યુનિસીપલ કોર્પોરેશનની ઢોર પાર્ટી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સખડતા ઢોર પકડવા ગઇ હતી.

ત્યાં તેમની પર સ્થાનિકો દ્વારા હુમલો કરયો હતો. ત્યારબાદ આખરે પોલીસ કાફલા સાથે મ્યુનિસીપલ કોર્પોરેશનની ઢોર પાર્ટી ફરી એકવાર ઓઢવ ગામે પહોંચી હતી. ત્યારે સ્થાનિકો ખાસ કરીને મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસ દ્વારા મહિલા સહીત 50થી વધુ સ્થાનિકોની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ 200 જેટલા ઢોરને પકડવામાં પણ આવ્યા હતા.

પશુપાલકોની કોર્પોરેશનના અધિકારીઓ સાથે સાઠ ગાંઠ: વાહન ચાલકો
વડોદરામાં રસ્તે રખડતા ઢોરના કારણે અનેક વાહન ચાલકોના અક્સમાત થાય છે. જેમાં કેટલીક વખત વાહન ચાલકોના મોત પણ નિપજ્યા છે. ત્યારે માત્ર દેખાડા પુરતુ કોર્પોરેશનની ટીમ રખડતા ઢોરને પકડવાનું અભિયાન ચલાવે છે. ઝી 24 કલાકની ટીમ વડોદરાના નિઝામપુરાથી નવાયાર્ડ તરફ જતા માર્ગ પર પહોંચી હતી. જ્યાં રસ્તા પર રખડતા ઢોર જોવા મળ્યા હતા.

રખડતા ઢોરના કારણે વાહન ચાલકો જીવના જોખમે વાહન હંકારતા હોય તેમ લાગી રહ્યું હતું. પશુપાલકનો તબેલો રસ્તાની બાજુમાં જ છે તેમ છતાં પશુપાલક ઢોરને તબેલામાં રાખવાના બદલે રસ્તાપ પર રઝળતા મુકી દે છે. વાહન ચાલકોએ પશુપાલકોની કોર્પોરેશનના અધિકારીઓ સાથે સાઠ ગાંઠ ધરાવતા હોવાથી કોઇ જ કાર્યવાહી ન કરતા હોવાનો આક્ષેપ કરી રહ્યાં છે.

ઓલપાડના કિમ ગામે મહિલાને એક રખડતી ગાયે ઉંચકી પછાડતા ઇજા
સુરતના વિવિધ વિસ્તારોમાં ઝી 24 કલાકની ટીમ રિયાલીટી ચેક કરવા ભટાર ખાતે પહોંચી હતી. જ્યાં રોડની બંને સાઇડ પર રખડતા ઢોર જોવા મળ્યા હતા. અગાઉ અહીં રખડતા ઢોરને કારણે અકસ્માતો પણ થઇ ચુકયા છે. બાદમાં અમારી ટીમ કતારગામ, વેડરોડ, ડભોલી તથા કોઝવે રોડની મુલાકાત લીધી હતી. જો કે અહીં એક પણ ઢોર રસ્તા પર જોવા મળ્યા ન હતા. અગાઉ અહીં રખડતા ઢોરોના કારણે અકસ્માતમાં બેના મોત નીપજયા હતા.

ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા મનપામા કમિશનરને આ અંગે ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે ઢોર પાર્ટી દ્વારા રખડતા ઢોરોને અન્ય સ્થળો પર ખસેડવાની કામગીરી કરાઇ હતી. તો બીજી બાજુ ઓલપાડના કિમ ગામની સોનારૂપા સોસાયટી નજીક ચતુર બેન પટેલ નામની મહિલાને એક રખડતી ગાયે ઉંચકી પછાડતા ચતુરબેન ગંભીર રીતે ઘવાયા હતા અને બેભાન હાલતમાં કીમની ભદ્ર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મહિલાના જમણા હાથમાં ફેક્ચર અને ચહેરાના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી. હાલ મહિલાની સારવાર ચાલી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે મનપાની ઢોર પાર્ટીની ટીમ રખડતા ઢોરો પકડવા જાય છે. ત્યારે માલધારીઓ દ્વારા તેમના પર હુમલો કરવામા આવે છે. અગાઉ આ અંગે અનેકો ફરિયાદ પોલીસ મથકમા નોંધાય ચુકી છે. ત્યારે હવે જોવાનુ એ રહ્યુ કે મનપા રખડતા ઢોરોનુ આ દુષણ દુર કરવામા સફળ રહે છે કે કેમ.

રાજકોટમાં એનિમલ હોસ્ટેલ બનાવવામાં આવી
રાજકોટમાં રસ્તે રઝળતા ઢોરના પ્રશ્ને મનપાએ એનિમલ હોસ્ટેલ બનાવી છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જુદા જુદા 4 ઝોનમાં આ એનિમલ હોસ્ટેલ બનાવવામાં આવી છે. આ અનિમલ હોસ્ટેલમાં અંદાજિત 3000 જેટલી ગાયો રાખવામાં આવી શકે છે. ત્યારે માલધારી સમાજના લોકો સાથે બેઠક કર્યા બાદ મનપા દ્વારા આ મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મનપા દ્વારા ગાયોનું રજીસ્ટ્રેશન પણ ફરજીયાત કરવામાં આવી રહ્યું છે.

જામનગરના રસ્તાઓ પર ઠેર ઠેર રખડતા ઢોરના અડીંગો જમાવીને બેઠા
જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં તેમજ મુખ્ય ચોક અને સર્કલ તેમજ રસ્તાઓ પર ઠેર ઠેર રખડતા ઢોરના અડીંગો જમાવીને બેઠા છે. જેને કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને ઘણી વખત અકસ્માતનો સામનો કરવો પડે છે. તો આખલાને ખૂંટિયાની અડફેટે આવતા શહેરીજનોને હોસ્પિટલની સારવાર લેવા પણ પહોંચી જવું પડે છે. 

ઉપરાંત રસ્તા પર નાની લારી અને ગલ્લા લઇને વેપાર કરતા વેપારીઓને પણ ક્યારેક આ રખડતા ઢોરના ત્રાસનો ભોગ બનવું  પડે છે. ઉપરાંત જામનગરમાં વાત કરવામાં આવે તો મનપાના 2 ઢોરવાડા જે હાલ હાઉસફુલની પરિસ્થિતિમાં છે. ત્યારે મનપાના તંત્ર દ્વારા ક્યાંકને કયાંક રખડતા ઢોરને પકડવામાં પણ બેદરકારી દાખવવામાં આવી રહી છે. જેનો ભોગ જામનગરની જનતા બની રહી છે અને એક રીતે કહી શકાય કે જામનગર શહેર હવે ગોકુળીયું ગામ બનવા તરફ થઇ રહ્યું છે.

​કચ્છ અને ભુજમાં રખડતા ઢોરનો વ્યવસ્થા કરવામાં વહીવટી તંત્ર ઉણું ઉતર્યું
કચ્છ અને ભુજમાં રખડતા ઢોરનો ત્રાસ ખુબ જ વધી રહ્યો છે. શહેર હોય કે ગામડું સર્વત્ર રખડતા ઢોર જોવા મળે છે. બસ સ્ટેશન, સોસાયટી વિસ્તાર અને જ્યાં એંઠવાડ ફેંકાય ત્યાં મોટી સંખ્યામાં ઢોરો ધસી જાય છે. ભુજના શાક માર્કેટ અને બસ સ્ટેશન વિસ્તારમાં લારી ગલ્લાવાળાઓ જે ગમે ત્યાં વેસ્ટેજ ફેંકે છે. ત્યાં આગળ આખલાઓ, ગાયોના ઝુંડ ભેગા થઇ જાય છે.

શાકભાજીવાળા પણ વેસ્ટેજ ગમે ત્યાં ફેંકે છે અને ત્યાં પણ આ ઢોર પહોંચી જાય છે. વહીવટી તંત્ર તેની વ્યવસ્થા કરવામાં ઉણું ઉતર્યું છે. આખલાઓ ગમે ત્યાં રખડતા ભટકતા તોફાને ચડે છે અને લોકોને મુશ્કેલી થાય છે. વાહનોને નુકશાની થાય છે. અકસ્માત અને ક્યારેક તો જાનહાની પણ થાય છે. ભુજ નગરપાલિકા પણ આ વ્યવસ્થા કરવામાં પાછી પડી છે.

નગરપાલિકા તંત્ર દ્વારા નક્કર પગલાં લેવા ઉદાસીનતા દાખવી
ગાંધીધામના મુખ્ય માર્ગો અને આંતરીક રસ્તાઓ પર રખડતા ઢોરને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. માર્ગની નજીકમાં જ અડીંગો જમાવીને ઉભા રહેતા રખડતા ઢોરને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. આ રખડતા ઢોરને કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં બનેલા ચારથી પાંચ બનાવ જીવલેણ પણ સાબિત થયા છે. તેમ છતાં નગરપાલિકા તંત્ર દ્વારા નક્કર પગલાં લેવા ઉદાસીનતા દાખવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news