માવામુક્ત ગુજરાત બનાવવા ZEE 24 કલાકનું અભિયાન, CMએ પણ પ્રશંસા કરી
તમાકુ અને ગુટખા જેવા હાનિકારક દ્રવ્યોના સેવનથી કેન્સર જેવા રોગો થાય છે. જેથી ઝી 24 કલાક દ્વારા એક અભિયાન શરૂ કરાયું છે. જેમાં આ અંગે અવેરનેસ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
Trending Photos
ગુજરાત : તમાકુ અને ગુટખા જેવા હાનિકારક દ્રવ્યોના સેવનથી કેન્સર જેવા રોગો થાય છે. જેથી ઝી 24 કલાક દ્વારા એક અભિયાન શરૂ કરાયું છે. જેમાં આ અંગે અવેરનેસ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોકોએ ચેનલના આ પ્રયાસને વખાણ્યો હતો. આ અભિયાનમાં અનેક લોકોએ સામેલ થઈને જણાવ્યું કે, તેઓ પોતે ગુટખાનું સેવન બંધ કરશે અને ZEE 24 કલાકના અભિયાન માવામુકત ગુજરાતમાં સહભાગી બનશે. ત્યારે માવાથી થતી સાઈડ ઈફેક્ટ્સ પર એક નજર કરીએ.
ગુજરાતમાં 19 ટકા પુખ્તવયનાં લોકો તમાકુ આદિ વ્યસનનનું સેવન કરે છે. ઘણાં લોકો સ્મોકલેસ તમાકુનું સેવન કરે છે. ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જેમાં ગુજરાતમાં અંદાજીત 27.6 ટકા પુરુષો અને 10 ટકા મહિલાઓ માવાનું સેવન કરે છે. સૌથી મોટી અસરનાં ભાગરૂપે તેઓને 80 ટકા કેન્સર માથા અને ગળાનાં ભાગે થાય છે. આ 80 ટકામાંથી 40 ટકા કેન્સર તમાકુને કારણે થતું હોવાનું તારણ સામે આવ્યું છે.
માવાના સાઈડ ઈફેક્ટ્સ
તમાકુ ખાવાથી શરીરમાં અસહ્ય રીતે તકલીફમાં વધારો થાય છે. જેમાં તમાકુ ખાવાથી મોં તથા ગળા, ફેફસાં, શ્વાસનળી, અન્નનળી, લોહી, ગરદન, પેટ, યકૃત, આંતરડા અને કિડનીમાં કેન્સર થઇ શકે છે. આ ઉપરાંત તમાકુનાં સેવનથી અસ્થમા, ફેફસામાં પાણી ભરાવા જેવા રોગ પણ થઇ શકે છે. મગજનો હુમલો, લોહીની નળીને લગતા રોગો થવાની પણ પુરી શક્યતા હોય છે. જે લોકો તમાકુનું સેવન કરે છે તેમને ચામડીના રોગો, ડાયાબિટીસ, દાંત તથા જડબાના રોગો પણ થઇ શકે છે. રોગપ્રતિકાર શક્તિ નબળી થઇ જાય છે. તમાકુ ખાવાથી કેન્સર સહિત બ્લડ પ્રેશર, અનિયમિત હાર્ટબિટ થઇ શકે છે. મોંઢામાં લાળનું ઓછું ઉત્પાદન થતા મોં સૂકાવવા લાગે છે. બોલવામાં તકલીફો અથવા તો બોલવાનું સદંતરે બંધ થઇ જાય છે. ખાવાની ક્ષમતા ઓછી થઇ જાય છે અને હતાશાની બિમારી પણ થઇ શકે છે.
મો તથા ગળાનાં કેન્સરના લક્ષણો અને ચિન્હો પણ નજર કરીએ...
- તમાકુનાં સેવનથી મો અને ગળાનું કેન્સરનાં લક્ષણ રૂપે મોંમાં થતા ચાંદામાં રૂઝ ન આવવી
- નિરંતર મોંઢામાં દુખાવો થવું
- ગાલના ભાગમાં ગઠ્ઠો થઇ શકે છે
- પેઢા-જીભ-તાળવાના ભાગમાં સફેદ કે લાલ ચાંદા પડી જાય છે
- ગળાના ભાગમાં સતત દુખાવો થાય છે
- ખોરાક ચાવવામાં તથા ગાળવામાં મુશ્કેલી પડી શકે છે
- જીભ તથા જડબાના હલનચલન વખતે દુખાવો થાય છે
- જીભ તથા મુખના અન્ય ભાગ સુન્ન થઇ જઇ શકે છે
- દાંત ઢીલા પડી જવા
- અવાજમાં ફેરફાર થવો
- ગળાના ભાગમાં ગાંઠ થવી
- વધારે પડતું વજન ઘટવું
- મોંમાંથી સતત દુર્ગંધ આવવી
તમાકુ બંધ કરવા માટે આજે જ એક નિશ્ચય લેવો પડશે. સૌથી પહેલાં તો તમાકુ છોડવાની તારીખ નક્કી કરો. તમાકુની દરેક પ્રકારની પેદાશોને દ્રઢ મનોબળથી તિલાંજલિ આપો. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું શરૂ કરો. તેમજ ડૉક્ટરની સલાહથી નિકોટીનયુક્ત દવાનો ઉપયોગ કરો. હળવી કસરત કરવાનુ શરૂ કરો. શરીર શ્રમ કરવાથી મદદ મળશે. હકારાત્મક વિચાર રાખો અને નિયમિત યોગાસન શરૂ કરો.
તમાકુને બંધ કરવાથી શું થાય?
આવો પ્રશ્ન માવા ખાનાર દરેકને થાય છે. જો તમાકુ બંધ કરી દેવામાં આવે તો 20 મિનિટમાં હૃદયના ધબકારા ઘટે, લોહીનું દબાણ નીચું આવે છે. 12 કલાક બાદ લોહીમાં કાર્બન મોનોકસાઈડનું પ્રમાણ નિશ્ચિત માત્રામાં આવી જાય છે. 2 અઠવાડિયાથી 3 મહિના સુધીમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે. ફેફસાંના કાર્યમાં પણ સુધારો થાય છે. ખોરાકનો સ્વાદ સારો લાગે, સુંઘવાની શક્તિમાં સુધારો થાય છે. દાંત અને નખ પીળા થતા અટકે છે. વ્યક્તિમાંથી આવતી તમાકુની દુર્ગંધ દૂર થાય છે. ઉપરાંત તમાકુ બંધ કરવાની વ્યક્તિનાં શરીરમાં તકલીફોમાં સુધારો થાય છે અને તમાકુને નિયમિત પણે બંધ કરવાથી 1 થી 8 મહિના બાદ ફેફસાંમાં રહેલા સીલીયા યોગ્ય કાર્ય કરતા કફ છૂટો થાય છે. 1 વર્ષ બાદ હૃદય રોગનું જોખમ ઘટીને અડધું થાય છે. 5 વર્ષ બાદ મોઢા અને ગળાના કેન્સરની શક્યતાનું પ્રમાણ ઘટી જાય છે. 10 વર્ષ બાદ ફેફસાંના કેન્સરની શક્યતા ઘટી જાય છે અને 15 વર્ષ બાદ હૃદય રોગની શક્યતા વ્યસન નહીં કરનાર જેટલી થઇ જાય છે. તેથી જ તમાકુ બંધ કરવાથી વ્યકિતનું સ્વાસ્થ્ય સુધરે છે અને જીવ બચી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે