વિશ્વ બ્રેઈન ટ્યૂમર ડે: રાજસ્થાનના દર્દીની સિવિલમાં સફળ સર્જરી, બ્રેઈનમાંથી દૂર કરાઈ 140 ઘન સે.મી.ની ગાંઠ

આજે વિશ્વ ટ્યુમર ડે છે. ટ્યૂમરે મગજમાં થતો એક પ્રકારનો ગઠ્ઠો છે. જે ધીરે-ધીરે વિકસીત થઇને શરીરના અન્ય ભાગોને અસરગ્રસ્ત કરી તેને કામ કરતાં બંધ કરી દે છે. જેને આપણે પેરાલિસિસ કહીએ છીએ. આ પેરેલિસિસ ઘણી વખત જીવલેણ સાબિત થતો હોય છે.
વિશ્વ બ્રેઈન ટ્યૂમર ડે: રાજસ્થાનના દર્દીની સિવિલમાં સફળ સર્જરી, બ્રેઈનમાંથી દૂર કરાઈ 140 ઘન સે.મી.ની ગાંઠ

અતુલ તિવારી, અમદાવાદ: આજે વિશ્વ ટ્યુમર ડે છે. ટ્યૂમરે મગજમાં થતો એક પ્રકારનો ગઠ્ઠો છે. જે ધીરે-ધીરે વિકસીત થઇને શરીરના અન્ય ભાગોને અસરગ્રસ્ત કરી તેને કામ કરતાં બંધ કરી દે છે. જેને આપણે પેરાલિસિસ કહીએ છીએ. આ પેરેલિસિસ ઘણી વખત જીવલેણ સાબિત થતો હોય છે.

આવા જ એક કિસ્સામાં રાજસ્થાનના પાલી જિલ્લાના માંગીલાલ પુરોહિતને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. અમદાવાદ કેન્સર હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા ત્યારે તેમની હાલત એવી હતી કે તેમને તેમના સગા દ્વારા ચમચી પાણી પીવડાવવું પડતું હતું. પરંતુ સિવિલ હોસ્પિટલની સારવારને પગલે તેઓ સાજા તો થયા જ છે એટલું જ નહીં કેન્સરના તબીબોની શ્રેષ્ઠ સારવારના કારણે પોતાના પગ પર ઉભા થઇને જાતે ચાલી શકે છે.

રાજસ્થાનના પાલી જિલ્લાના વતની માંગીલાલ પુરોહિતને બ્રેઇન ટ્યુમર થયું હતુ. તેઓએ રાજસ્થાનની વિવિધ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યા બાદ સારવાર માટે શ્રેષ્ઠ હોસ્પિટલની શોધમાં હતા. છેલ્લે જોધપુર ગયા. ત્યાંના તબીબોએ કહ્યું કે, અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં તમારી શ્રેષ્ઠ સારવાર થશે.

આ જાણીને માંગીલાલ લોકડાઉનની વચ્ચે જ્યારે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પણ જવું ખૂબ જ મૂશ્કેલ બની હતુ ત્યારે માંગીલાલના સગા રઘુવીરસિંગ રાજસ્થાનથી ગુજરાત સારવાર માટે આવવા ખૂબ જ ચિંતિત હતા. ગુજરાત સરકારની સંવેદનશીલતાના કારણે તેમને અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં સારવાર માટે આવવાની મંજૂરી મળી અને તેઓ માંગીલાલને લઇને સારવાર માટે અમદાવાદની કેન્સર હોસ્પિટલ આવી પહોંચ્યા.

હોસ્પિટલ આવ્યા ત્યારે તેમને જમણા હાથ-પગમાં લકવાની અસર હોવાના કારણે તેઓ જાતે ખાવા- પીવા માટે પણ સક્ષમ નહોતા. તેમના સગા દ્વારા તેમને ચમચીથી પાણી પીવડાવે ત્યારે તેઓ પાણી પી શકે તેવી પરસ્થિતિ હતી.

આજે આ તમામ તકલીફોથી સાજા થઈને માંગીલાલ કહે છે કે, કોરોનાની વિશ્વવ્યાપી મહામારીની પરિસ્થિતિમાં જ્યારે લોકો એક બીજાની પાસે જવાનું ટાળે છે. જ્યારે ખાનગીમાં ક્યાંય પણ સારવાર ઉપલબ્ધ ન હતી અને રાજસ્થાનમાં મારી સર્જરીના રૂા. ૫ થી ૭ લાખ ના માતબર ખર્ચ થાય તેમ હતું. મારી એવી પરિસ્થિતિ નથી કે હું આ ખર્ચો ઉઠાવી શકું. જ્યારે સારવારનો આટલો મોટો ખર્ચો સાંભળ્યો તો મારી ઉપર તો જાણે આંભ તૂટી પડ્યું હતુ.

અમદાવાદની કેન્સર હોસ્પિટલે મારી સારવાર કરીને મને સંપૂર્ણપણે સાજો કરીને ચિંતામુક્ત કર્યો છે.  આજે હું શ્રેષ્ઠ સારવાર લીધા બાદ ખૂબ જ સ્વસ્થ હોઉ તેમ અનુભવી રહ્યો છું. જે તમામનો શ્રેય કેન્સર હોસ્પિટલના તબીબો અહીંના ડાયરેક્ટર, તમામ સ્ટાફ મિત્રોને જાય છે. કેન્સરના તબીબો મારી માટે દેવદૂત બની મને નવજીવન બક્ષ્યુ. આ માટેનો લાગણી વ્યક્ત કરતાં માંગીલાલ અને તેમના સગા ભાવવિભોર બની રડી પડ્યા હતાં. આ હરખના આંસુ હતાં. એક પીડામાંથી છૂટકારાના આંસુ હતાં.. તો એક મોટા આર્થિક બોજમાંથી બચી ગયાનો હરખ હતો.

કેન્સર હોસ્પિટલના ન્યુરો-ઓન્કો વિભાગના ડૉ. પરેશ મોદી જણાવે છે કે, માંગીલાલને થર્ડ સ્ટેજનું એસ્ટ્રોસીટોમાંનું પ્રાથમિક સ્તરના બ્રેઇન ટ્યુમરની તકલીફ હતી. જેને સૌથી ગંભીર ટ્યૂમર ગણવામાં આવે છે.  સાથે સાથે તેમને લકવાની પણ અસર સાથે  ખેંચ પણ આવતી હતી. આવી પરિસ્થિતિમાં ત્વરીત કેનિયોટોમી સર્જરી કરીને મગજમાંથી 140 ઘન સે.મી.ની ગાંઠ કાઢવામાં આવી. આ સર્જરી દરમિયાન દર્દીને અન્ય આડઅસરો થવાની સંભાવનાઓ રહેલી હોય છે, તે તમામ બાબતોનું ધ્યાન રાખીને ખૂબ જ સતર્કતા દાખવીને માંગીલાલના બ્રેઇન ટ્યુમરની ગાંઠ સર્જરી દ્વારા કાઢવામાં આવી હતી.

કુશળ તબીબો અને શ્રેષ્ઠ વ્યવસ્થાપનને કારણે કોરોનાગ્રસ્ત દર્દીઓની સાથે નોન- કોવિડ દર્દીઓ કે જેઓ  ગુજરાત રાજ્યની સાથે- સાથે અન્ય રાજ્યના દર્દીઓને પણ કેન્સરજેવી ભયાનક તકલીફોમાંથી ઉગારવામાં આવી રહ્યા છે.

માંગીલાલની કેન્સરની સારવાર બાદ આ રીતે અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં ફરી વખત માનવતા મહેંકી ઉઠી હતી. અહીં આવે ત્યારે દુઃખના પહાડ નીચે રહેલો વ્યક્તિ અહીંથી સાજો થઇને હળવોફુલ બનીને જાય છે. આજ છે સાચી વિશ્વ બ્રેઇન ટ્યૂમર દિવસની ઉજવણી છે. માંગીલાલે ‘Suffer’થી છુટકારો મેળવવા ખેડેલી 380 કી.મી.ની ‘સફર’ સાર્થક રહી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news