પંચમહાલની મહિલાએ અપાવ્યું અનોખુ ગૌરવ, મિસિસ ઇન્ડિયા યુનિવર્સનો ખિતાબ પ્રાપ્ત કર્યો
Trending Photos
પંચમહાલ : કહેવાય છે કે મન હોય તો માળવે જવાય. આ ઉક્તિને સાર્થક કરી છે પંચમહાલના હાલોલની એક પરણિત મહિલા દર્શના પટેલે. હાલોલની યુવતીએ જયપુર ખાતે મિસિસ ઇન્ડિયા યુનિવર્સનો ખિતાબ પ્રાપ્ત કરી પંચમહાલ તેમજ હાલોલનું નામ રોશન કર્યું છે. આખરે હાલોલ જેવા નાનકડા શહેરમાંથી નીકળી દર્શનાએ કેવી રીતે દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવેલ સુંદરીઓને હરાવી મિસિસ યુનિવર્સનો ખિતાબ પોતાને નામે કર્યો.
પરણિત યુવતીઓ માટે યોજાતી સૌંદર્ય સ્પર્ધામાં મિસિસ ઇન્ડિયા યુનિવર્સમાં હાલોલની દર્શના પટેલે મિસિસ ઇન્ડિયા યુનિવર્સનું ટાઇટલ જીતી અને ઇતિહાસ સર્જ્યો છે. સમગ્ર ભારતમાંથી પસંદગી પ્રક્રિયા બાદ જયપુર ખાતે સૌંદર્ય સ્પર્ધામાં 22 યુવતીઓની વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અલગ અલગ રાઉન્ડ બાદ 22 યુવતીઓ પૈકી 5 યુવતીઓ અંતિમ રાઉન્ડમાં પહોંચી હતી. આખરે નિર્ણાયકો દ્વારા પાંચ યુવતીઓ પૈકી હાલોલની દર્શના પટેલની મિસિસ ઇન્ડિયા યુનિવર્સ તરીકે પસંદગી કરવામાં આવી હતી.
હાલોલમાં જન્મ લીધા બાદ લગ્ન કરી હાલોલમાં જ સ્થાયી થયેલી દર્શના પટેલ એક તબીબ અને બિઝનેશ વુમન છે. તેણીને એક બાળકી પણ છે. પ્રતિષ્ઠિત કહેવાતી મિસીસ ઇન્ડિયા યુનિવર્સ જેવી સૌંદર્ય સ્પર્ધામાં પંચમહાલ જિલ્લામાં સૌપ્રથમ કોઈ યુવતી રાષ્ટ્રીય કક્ષાએ સૌંદર્ય સ્પર્ધામાં ઝળકી હોય અને સૌંદર્ય બાબતે પંચમહાલ જિલ્લાની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવડાવી હોય એવું બન્યું છે.
દર્શના પટેલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, તેઓને બાળપણથી એક મહેચ્છા હતી જે આખરે પૂર્ણ થઈ છે. આ સ્પર્ધામાં માટે દર્શના પટેલે પોતાના સતત વ્યસ્ત શિડ્યુલમાં માત્ર ત્રણ માસ જાતે જ ઘરે સમય કાઢી પ્રેક્ટિસ કરી છે. કોઈ કોચિંગ કલાસ કે કોચ નો સહારો લીધો નથી. પરંતુ તેઓના મતે કોઈપણ વસ્તુની પ્રાપ્તિ માટે દ્રઢ સંકલ્પ અને મજબૂત મનોબળ જરૂરી છે. દર્શના હવે પોતાની બ્યુટી બ્રાન્ડ પર કામ કરી પોતાનો અલાયદો વ્યવસાય બનાવવાની ખેવના સાથે સફળ બિઝનેસ વુમનની સાથે સાથે મિસિસ યુનિવર્સનો ખિતાબ પણ પોતાના નામે કરવાની મહેચ્છા ધરાવે છે. જેમ એક સફળ પુરુષ પાછળ કોઈ સ્ત્રીનો હાથ હોય છે પરંતુ દર્શનાની બાબતમાં ઊલટું થયું દર્શનાની સફળતા પાછળ તેના પતિ અને પરિવારનો ખુબ મોટો ફાળો રહેલો છે. દર્શના અંગે જણાવતા તેમના પતિ પ્રિયાંગ જણાવે છે કે દર્શનાની ધગશ જોઈને આખા પરિવારે તેણીને આ ઇવેન્ટ માં પાર્ટીસીપેટ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે