નવી સ્ટ્રેટેજી! રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં હવે કોણ બની શકશે કુલપતિ, હવે આ પ્રક્રિયાથી થશે પસંદગી
રાજ્યની સરકારી યુનિવર્સીટીઓમાં કુલપતિની નિમણૂક માટે રચાયેલી સર્ચ કમિટીને પણ શિક્ષણ વિભાગના નવા ઠરાવની અસર થશે. UGCના એક સભ્યની નિમણૂંક કર્યા બાદ જ કુલપતિની પસંદગી પ્રક્રિયા આગળ વધારવાની રહેશે.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ: રાજ્યની સરકારી યુનિવર્સીટીઓમાં કુલપતિની નિમણૂંક અંગેની સર્ચ કમિટીમાં યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશનના સભ્યની નિમણૂક કરવા આદેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર તરફથી ઠરાવ કરાયો છે અને કુલપતિની નિમણૂંક માટે UGCના એક સભ્યની કમિટીમાં નિમણૂક ફરજિયાત કરાઈ છે.
રાજ્યની સરકારી યુનિવર્સીટીઓમાં કુલપતિની નિમણૂક માટે રચાયેલી સર્ચ કમિટીને પણ શિક્ષણ વિભાગના નવા ઠરાવની અસર થશે. UGCના એક સભ્યની નિમણૂંક કર્યા બાદ જ કુલપતિની પસંદગી પ્રક્રિયા આગળ વધારવાની રહેશે. કુલપતિની નિમણૂંક માટે રચાતી સર્ચ કમિટીએ UGC ના અદ્યતન રેગ્યુલેશન પ્રમાણેની લાયકાત ધરાવતા ઉમેદવારની જ કુલપતિ તરીકે પસંદગી માટે ભલામણ કરવાની રહેશે. સરકારના નવા ઠરાવની સીધી અસર રાજ્યની 12 જેટલી સરકારી યુનિવર્સિટીઓને થશે, જેમાં હાલ નવા કુલપતિની નિમણૂક માટે સર્ચ કમિટીની રચના થઈ છે.
રાજ્યની 9 સરકારી યુનિવર્સિટીઓની કુલપતિની નિમણૂક માટે બનેલી સર્ચ કમિટીમાં UGCના સભ્ય ના હોવાથી UGCના પ્રતિનિધિની નિમણૂંક માટે રાહ જોવી પડશે. જે તે યુનિવર્સિટીઓએ સર્ચ કમિટીમાં UGCના એક સભ્યની નિમણૂંક માટે હવે UGCને એક પત્ર લખવો પડશે. UGC સર્ચ કમિટી માટે એક સભ્યની નિમણૂંક કરે ત્યારબાદ જ સર્ચ કમિટી નવા કુલપતિના નામો પર સ્ક્રુટીની કરી કુલપતિના નામ અંગે ભલામણ કરી શકશે.
રાજ્યની સરકારી યુનિવર્સીટીઓમાં ભાવનગર, પાટણ અને કચ્છમાં આવેલી યુનિવર્સીટીઓની કુલપતિની નિમણુક માટે બનેલી સર્ચ કમિટીમાં UGC ના એક સભ્યની નિમણૂક અગાઉથી થઈ હોય કોઈ સમસ્યા નડશે નહીં, બાકીની તમામ 9 સરકારી યુનિવર્સીટીઓએ UGC તરફથી એક સભ્યના નિમણૂકની રાહ જોવી પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે