જે શાક મહિના પહેલા 20 રૂપિયે કિલો વેચાતુ, તે 100-150 રૂપિયાનું વેચાતુ થયું
Trending Photos
તેજસ દવે/મહેસાણા :રાજ્યમાં ગરમીની શરૂઆત થતાંની સાથે રાજ્યમાં શાકભાજીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. 1 મહિના પહેલા જે શાકભાજી 20 કે 30 રૂપિયે 500 ગ્રામ મળતા હતા, તે બધા જ ભાવ ગરમીના કારણે 50 રૂપિયા પહોંચી ગયા છે. લગભગ બધી જ શાકભાજીના ભાવ કિલો દીઢ 80થી 100 રૂપિયે પહોંચી ગયા છે, જેને કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે.
ગરમીનો પારો ઊંચો જતા સામાન્ય જનજીવન તો પ્રભાવિત થયું જ છે, સાથે સાથે ગૃહિણીઓનું બજેટ પણ આ ગરમીમાં ખોરવાયું છે. કેમ કે, આ ગરમીના કારણે હાલ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. જે શાકભાજી આજથી એક મહિના પહેલા 20 રૂપિયે 500 ગ્રામ મળતા હતા. જે આજે 50 રૂપિયે વેચાઈ રહ્યા છે. તેમાં પણ શિયાળામાં જે ક્વોલિટી મળતી હતી, તે વધુ રૂપિયા આપવા છતા પણ મળતી નથી.
ગૃહિણીઓ તો શાકભાજીના ભાવ વઘતા પરેશાન છે. સાથે જ એ લોકો પણ, જેઓ શેરીએ ફરી ફરીને શાકભાજીના લારી ચલાવે છે. તેમના ગ્રાહકોમાં પણ ઘટાડો થયો છે. આવામાં પડ્યા પર પાટુ જેવી સ્થિતિ થાય છે. આ ગરમીમાં યોગ્ય સાચવણી માટે જગ્યા ન હોવાથી આ લોકોને સવારની શાકભાજી સાંજ થતાં થતાં બગડી જાય છે, અને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે.
ગરમીને કારણે જ્યાં ઘરનું બજેટ ખોરવાયું છે, તો બીજી તરફ મોટાભાગના ઘરોમાં કઠોળ-દાળનો વપરાશ વધી ગયો છે. જ્યાં શિયાળામાં ઘરોમાં એક કિલો સબ્જી ખરીદાતી હતી, તેના બદલે હવે 500 ગ્રામ લઈને પોતાના બજેટને સેટ કરતા હોય છે. હવે જોવું રહેશે કે, આ વધતી ગરમીની અસર ગૃહિણીઓના બજેટ પર ક્યાં સુધી વર્તાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે