એવું તો શું થયું કે કોંગ્રેસના ધારાસભ્યને પોલીસની ગાડીમાં બેસાડીને લઈ જવામાં આવ્યા

Congress MLA Anant Patel : સુરતના મહુવામાં સામાજિક કાર્યક્રમમાં હોબાળો....વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનો ભાજપ ધારાસભ્ય મોહન ધોડિયાના સમર્થકોએ કર્યો ઘેરાવો....અનંત પટેલે મોહન ધોડિયા વિશે જાહેર મંચ પરથી કરી હતી ટિપ્પણી...માફીની માગ સાથે સમર્થકોએ અનંત પટેલનો ઘેરાવો કર્યો... 
 

એવું તો શું થયું કે કોંગ્રેસના ધારાસભ્યને પોલીસની ગાડીમાં બેસાડીને લઈ જવામાં આવ્યા

Surat News સંદીપ વસાવા/મહુવા : સુરત જિલ્લાના મહુવામાં આદિવાસી સમાજ દ્વારા પ્રકલ્પોનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના રાજકીય, સહકારી, તેમજ સામાજીક આગેવાનો મોટી સંખ્યામાં આમંત્રણને માન આપી ઉપસ્થિત રહ્યા હતા. એક પછી એક આગેવાનોના વક્તવ્ય કરતા ગયા અને એકાએક કાર્યક્રમમાં હોબાળો મચી ગયો. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ધારાસભ્યને પોલીસની ગાડીમાં બેસાડી કોર્ડન કરી લઈ જવા પડ્યા. જાણો શુ છે સમગ્ર મામલો

સુરત જિલ્લાના મહુવા તાલુકાના વસરાય ગામ ખાતે દિશા ફાઉન્ડેશન દ્વારા એક સામાજિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં રાજકીય, સહકારી, સામાજીક આગેવાનીને આમંત્રિત કર્યા હતા. જેમાં આદિવાસી સમાજના લડાયક નેતા અને વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ, અને મહુવા ભાજપના ધારાસભ્ય મોહન ઢોડિયા, સહકારી આગેવાન સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યાં હતાં. દરેક આગેવાનો પોતાનું એક પછી એક વક્તવ્ય આપી રહ્યા હતા.

પ્રથમ મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયાએ વક્તવ્ય આપ્યું. મહુવાના મોહન ઢોડિયાએ દિશા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં પોતાના વક્તવ્ય દરમિયાન આદિવાસી સમાજને એક નવી દિશા બતાવવાની વાત કરી હતી. દિશા ફાઉન્ડેશનનો ઉપયોગ કોઈ રાજકારણી નહિ કરે, પરંતુ દિશા ફાઉન્ડેશન રાજકાણીઓનો ઉપયોગ કરે, મારા જેવાનો ઉપયોગ સમાજ કરે, સમાજમાં હું કેટલો ઉપયોગી બનું, અનંત પટેલ કેટલા ઉપયોગી બને ભલે એ કોંગ્રેસમાં હોય કે હું ભાજપમાં હોવ, પણ મારો ઉપયોગ સમાજમાં કેટલો કરે, દિશા ચૂકશો નહી, અને આ દિશા ફાઉન્ડેશનમાં કોઈ પણ રાજકારણી માણસ દિશા ફાઉન્ડેશનમાં ન રહે તેવી વિનંતી કરું છું. તેમ જાહેર મંચ પરથી વક્તવ્ય આપ્યું હતું. 

જે બાદ વાંસદાના ધારાસભ્યએ પોતાના વક્તવ્યમાં મોહન ઢોડિયાની વાત પર ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, રાજકારણ ક્યાંય ન થવું જોઈએ, ફક્ત સમાજ કારણ થવું જોઈએ. અમે રાજકારણ નહિ સમાજ કારણ કરવા આવ્યા છીએ. જ્યારે અમારી પાર્ટી સમાજનું અહિત કરશે ત્યારે અમને પાર્ટીના પાટિયા કાઢી સમાજની સાથે જોડાસુ આવું બોલવાની તાકાત જોઈએ, દિશા ફાઉન્ડેશનને દિશા બતાવવાની જરૂર નથી. મોહનભાઈ તમને દિશા બતાવવાની જરૂર છે. અમે કોઈ દિવસ કેસરી ટોપી પહેરવાના નથી, અમે ફક્ત ફાળીયું જ પહેરવાના છીએ અને તેમાં જ ખુશ છીએ. અમે ફાળીયા જોડે રહેશું, ફાળીયા જોડે મરીશુ અને તેનું કફન બનાવી ઓઢી લઈશું. ફક્ત ધોડિયા સમાજને નહી, પરંતુ આદિવાસીના દરેક સમાજને દિશા બતાવવાની છે. જેઆ માટે લડવા અને મરવા પણ તૈયાર છે. સરકાર હક લઈ લે તો મોઢામાંથી કાઢી લેશું.

બસ જાહેર મંચ પરથી મહુવાના ધારાસભ્ય અને સરકાર ઉપર કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે કરેલા પ્રહારના કારણે હોબાળો મચ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મોહન ઢોડિયા અનંત પટેલના વક્તવ્ય પહેલા જ કાર્યક્રમમાંથી ચાલ્યા ગયા હોવાથી મોહનભાઈ ધોડિયાના સમર્થકોએ કાર્યકરોએ અનંત પટેલનો વિરોધ નોંધાવ્યો હતો. ક્ષણવારમાં લોકટોળું એકઠું થઈ જતાં મામલો ગરમાયો હતો. અનંત પટેલ જાહેરમાં માફી માંગે તેવી માંગ કરી હતી. અનંત પટેલને પોલીસની ગાડીમાં બેસાડી દેવામાં આવ્યા હતા. જ્યાં તેમણે પોલીસની જીપ આગળ ઘેરાવ કરી ઉભા રહી જઇ વિરોધ નોંધાવ્યો હતો. જો કે, આ વાતનો અનંત પટેલે સાફ ઈન્કાર કરી માફી માંગવાની ના પાડી હતી.

આ મામલે મહુવા પુના વાસરાયના સરપંચ રેખાબેન પટેલે જણાવ્યું હતું કે, દિશા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સમાજ સાથે જોડાયેલા રાજકીય, સામાજિક નેતાઓ હાજર રહ્યા હતા. જ્યાં પોતાના વક્તવ્ય દરમિયાન વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે સમાજની વાત કરવાની જગ્યાએ મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયા વિશે ગમેતેમ વાતો ચાલુ કરી હતી અને અપમાનિત કર્યા હતા. મોહન ઢોડિયા કેસરી ટોપી પહેરે છે, મોહનભાઈને દિશા બતાવાની જરૂર આવું બોલી અપમાનિત કર્યા છે. ધારાસભ્ય વિશે અંનત પટેલે આવી ટિપ્પણી કરતા અમે વિરોધ નોંધ્યો હતો. અને આ બાબતે વાત કરવા જતાં તેઓએ અમારી સાથે વ્યવસ્થિત વાત ન કરી બાદમાં સમાજ ભવનના હોલ ગયા હતા. જ્યાં અનત પટેલને આ બાબતે માફી મંગાવાનું કહેતા તેઓએ સ્પષ્ટ ના કીધું હતું. બાદમાં હાજર આગેવાનોએ મધ્યસ્થી કરી વિવાદ પૂરો કર્યો હતો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news