સુવિધાઓમાં શહેરોને કેવી રીતે હંફાવે છે ગુજરાતનું વનાણા ગામ? અન્ય ગામો માટે છે ઉદાહરણ
જો કે પોરબંદરના રાણાવાવ તાલુકાનું વનાણા ગામ તો શહેરો માટે પણ ઉદાહરણરૂપ છે. 1400 લોકોની વસ્તીવાળા ગામમાં બાળકોથી માંડીને ઉંમરલાયક લોકો માટે જરૂરી તમામ સુવિધાઓ છે. ગામમાં આ તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સરકારી ગ્રાન્ટનો લોકો માટે ઉપયોગ કરીને આ ગામે અન્ય ગામો અને શહેરો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Trending Photos
અજય શીલુ/પોરબંદર: આરસીસીના રસ્તા, નદી કાંઠે રિવરફ્રન્ટ, સ્માર્ટ સ્કૂલ અને બગીચા. આ તમામ સુવિધાઓ તમે શહેરોમાં જોઈ હશે, પણ પોરબંદરનું વનાણા ગામ આ સુવિધાઓને શહેરો પૂરતી સીમિત નથી રહેવા દેતું. ગામમાં આ તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સરકારી ગ્રાન્ટનો લોકો માટે ઉપયોગ કરીને આ ગામે અન્ય ગામો અને શહેરો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સમયની સાથે ગામડાં પણ આધુનિક બની રહ્યા છે. ગામડામાં પણ શહેરો જેવી સુવિધાઓ ઉભી થઈ રહી છે. જો કે પોરબંદરના રાણાવાવ તાલુકાનું વનાણા ગામ તો શહેરો માટે પણ ઉદાહરણરૂપ છે. 1400 લોકોની વસ્તીવાળા ગામમાં બાળકોથી માંડીને ઉંમરલાયક લોકો માટે જરૂરી તમામ સુવિધાઓ છે.
ગામની સૌથી મોટી ખાસિયત છે અહીંનો રિવરફ્રન્ટ. ખરાબાની જમીન પર તૈયાર કરવામાં આવેલા રિવરફ્રન્ટ પર વોલીબોલ ગ્રાઉન્ડ, બાળકો માટે રમવાના સાધનો, વોકવે, છત્રી સાથેની બેઠક વ્યવસ્થા અને સીસીટીવી કેમેરાની સુવિધા ઉભી કરવામાં આવી છે. આટલું જ નહીં અહીં આવતા લોકો સંગીતને માણી શકે, તે માટે મ્યુઝિક સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. 3 એકરમાં આ તમામ સુવિધાઓ ઉભી કરવા પાછળ 40 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. અહીં બાળકો મજાથી પોતાનું બાળપણ માણે છે. જ્યારે યુવાનો અને વૃદ્ધો શાંતિથી નવરાશનો સમય પસાર કરે છે.
આ તો વાત થઈ ગામના છેવાડે આવલા રિવરફ્રન્ટની, હવે ગામની અંદર આવીએ તો અહીંની સુવિધાઓ પણ શહેરોને ટક્કર મારે તેવી છે. આખા ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે. રસ્તાઓ પર સ્પીકર સહિત લગાવાયા છે. ગામમાં ક્યાંય અસમતળ રસ્તા જોવા નહીં મળે, તમામ જગ્યાએ પેવર બ્લોક નાંખેલા છે. ગામની સરકારી પ્રાથમિક શાળામાં સ્માર્ટ ક્લાસ અને લેબ સહિતની તમામ વ્યવસ્થાઓ છે. શાળાની ઈમારત ખાનગી શાળાને ટક્કર મારે તેવી છે. ગામના બાળકો અને યુવાનો માટે વાંચન તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે લાયબ્રેરીની પણ સુવિધા છે. ગ્રામ પંચાયતની ઓફિસમાં અરજદારોને કોઈ યોજનાઓના ફોર્મ ભરી આપવા સહિતની કામગીરી કરી આપવામાં આવે છે, એ પણ મફતમાં...
હવે સવાલ એ ઉભો થાય કે આખરે એક નાનકડા ગામમાં આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટેનું ફંડ ક્યાંથી આવ્યું, તો તેનો જવાબ છે જુદી જુદી સરકારી યોજનાઓ હેઠળ મળેલું ફંડ. ગામના જાગૃત સરપંચ અને ગ્રામજનોએ મનરેગા અને નાણાં પંચ સહિતની ગ્રાન્ટનો ઉપયોગ પોતાના ગામના વિકાસ માટે કર્યો. સરકારી ગ્રાન્ટ દરેક ગામને મળે છે. પણ તેનો ઉપયોગ કરતા બધાને નથી આવડતું. ગ્રાન્ટ સગેવગે થઈ જતી હોવાના પણ કિસ્સા સામે આવતાં હોય છે. જો કે વનાણા ગામે સરકારી યોજનાઓ અને ગ્રાન્ટનો સદુપયોગ કરીને રાજ્યના અન્ય ગામડાંઓ માટે પણ નવી રાહ ચિંધી છે. જો ગામના લોકો ધારે તો દરેક ગામ વનાણા જેવું બની શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે