ધૂતારાએ ધતૂરાનુ પાણી પીવડાવી દીધું, અને કરોડોનો વરસાદ કરવાનો હતો... પણ...
Trending Photos
ઉમેશ પટેલ/વલસાડ :માત્ર 8 હજાર આપો અને એક ભગત વિધી કરી કરોડો રૂપિયાનો વરસાદ કરાવી આપે છે. કચ્છના માધાપરના ભરત બાપુ દાવો કરીને રૂપિયાનો વરસાદ કરાવી આપે છે. રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાના આદિવાસી કપરાડા તાલુકામાં આ ભરત બાપુની મહિમા ગાતા તેમના ભક્ત થાકતા નહોતા. જોકે વારોલીના મયુર ભુસારાના ઘરે પહોંચેલા ભરત બાપુએ જે વિધિ કરી તેમાં રૂપિયાનો વરસાદ તો ન થયો, પરંતુ પરિવાર પર આફત આવી પડી હતી. પરિવારના 4 સભ્યોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવું પડ્યું છે. ભગતે એવી પ્રસાદી ખવડાવી કે ચાર સદસ્યો હોસ્પિટલના બિછાને પહોંચી ગયા.
વલસાડ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા કપરાડા તાલુકાનાં વારોલી તલાટ ગામમાં ભુસારા પરિવાર રહે છે. પરિવારના મોભી મયુરભાઈ ભુસારાને એક તાંત્રિક મળ્યા હતા. જેણે દાવો કર્યો કે, પોતે રાજા છાપ રૂપિયા પર મેલી વિદ્યા કરી અને કરોડો રૂપિયાનો વરસાદ કરાવી આપે છે. ઠગ તાંત્રિક ભરતબાપુએ જૂનો રાજા છાપ રૂપિયાનો સિક્કો બતાવી આ સિક્કા પર વિધિ કરી અને રૂપિયા 22 કરોડ ખેંચી લાવશે તેવી લાલચ આપી હતી. આ વિધિ કરવા તેમના ઘરે જવું પડશે તેવું જણાવી અને કપરાડા તાલુકાનાં વારોલી તલાટ ગામે લાવ્યો હતો. ત્યાં મયુર ભાઈ અને તેના મિત્ર રમેશ પાસેથી અંદાજે 17 હજાર રૂપિયા એડવાન્સમાં લીધા હતા. જોકે ત્યારબાદ વિધિનો સામાન લેવા ઠગભગત તાંત્રિક યુવકોને કાર ભાડે કરાવી અને મહારાષ્ટ્રના ગોદાવરી ઘાટ પર ગયો હતો.
ત્યાંથી વિધિનો સામાન લાવી અને ઘરે આવ્યા બાદ મોડી રાત્રે જુના રાજા છાપ રૂપિયાના સિક્કા પર વિધિ કરી હતી. રૂપિયાનો વરસાદ કરાવવાના બહાને ધૂતારાએ વિધિ શરૂ કરી હતી. વિધિમાં ભગતે ચોખાનું કુંડાળું કરી અને વચ્ચે લક્ષ્મી માતાનો ફોટો મૂકયો હતો. ત્યાર બાદ તંત્ર મંત્રના જાપ કર્યા હતા. જોકે વિધિ દરમિયાન ઠગ ભગતે હાજર રહેલા લોકોને પ્રસાદના નામે પ્રવાહી પીણું પીવડાવ્યુ હતું. ધૂતારાએ પ્રસાદના નામે પરિવારજનોને ધતુરાનું પાણી પીવડાવ્યું હતું. પાણી પીધા બાદ હાજર લોકો અર્ધ બેભાન થઈ ગયા હતા. આથી મોકાનો લાભ લઇ અને આ તાંત્રિક ભરત બાપુ વિધિમાં મુકેલા રૂપિયા લઇ અને ફરાર થવાની ફિરાકમાં હતો. એ વખતે જ ઘરમાં એક માજી અને અન્ય એક પ્રત્યક્ષદર્શી યુવક હોશમાં આવી જતા સમગ્ર હકીકતનો પર્દાફાશ થયો હતો. બંનેએ મળીને ઠગ ભરત બાપુને ઘરમાં બંધ કરી દીધો હતો.
2 કરોડોનો વરસાદ કરાવવાના બહાને લોકોને ઠગીને ફરાર થવા જઇ રહેલા તાંત્રિકને ઝડપીને લોકોએ બરોબરનો ફટકાર્યો હતો. ઘરના આંગણામાં જ થાંભલા સાથે દોરડાથી બાંધી મેથીપાક ચખાડ્યો હતો. જેના બાદ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઠગ ભગતને પકડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ કે, આ તાંત્રિક મૂળ કચ્છના માધાપરનો ભરત કરશન પટેલ છે. પોતાની ભરત બાપુ તરીકે ઓળખ આપી અને આવી રીતે જુના રાજા છાપ સિક્કા ઉપર મેલી વિદ્યા કરી અને પૈસાનો વરસાદ કરાવી આપતો હોવાનુ કહી લોકોને લૂંટતો હતો. આ વિદ્યા જાણીવાનું બહાનુ બતાવી મોટી મોટી વાતો કરીને લોકોને લલચાવતો હતો. અને વિધિના નામે રૂપિયા પડાવી ફરાર થઈ જતો હતો.
ગુજરાતના એક છેડાથી બીજા છેડે આવીને આદિવાસી વિસ્તારમાં લોકોની અજ્ઞાનતાનો લાભ લઇ અને ઠગવા આવેલ તાંત્રિક ભરત બાપુ ફરાર થાય તે પહેલાં જ પકડાઈ ગયો છે. વલસાડ જિલ્લાની નાનાપોંઢા પોલીસે ઠગ તાંત્રિક ભરત બાપુની ધરપકડ કરીને અગાઉ કેટલા લોકો સાથે આ પ્રકારની ઠગાઈ કરી છે તે જાણવા અને તેના ગુનાહિત ભૂતકાળને જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે