નેતાએ જ તોડ્યા નિયમો... વલસાડમાં ભાજપના નેતાના પરિવારના લગ્નમાં જ ભીડ ભેગી કરાઈ

વલસાડ જિલ્લામાં ફરી એક વખત લગ્નમાં કોરોનાના નિયમો ના ધજાગરા ઉડ્યા છે. આ વખતે પારડી તાલુકાના ખડકી ગામમાં હાઇવે પર આવેલી એક હોટલમાં યોજાયેલા લગ્ન સમારંભમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લગ્ન સમારંભમાં કોરોનાની ગાઇડ લાઇનને નેવે મૂકી અને જાનૈયાઓ ડીજે અને બેન્ડના તાલે નાચતા જોવા મળ્યા હતા. જોકે લગ્ન સમારંભ ભાજપના યુવા નેતાના પરિવારમાં હોવાથી મુદ્દો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
નેતાએ જ તોડ્યા નિયમો... વલસાડમાં ભાજપના નેતાના પરિવારના લગ્નમાં જ ભીડ ભેગી કરાઈ

ઉમેશ પટેલ/વલસાડ :વલસાડ જિલ્લામાં ફરી એક વખત લગ્નમાં કોરોનાના નિયમો ના ધજાગરા ઉડ્યા છે. આ વખતે પારડી તાલુકાના ખડકી ગામમાં હાઇવે પર આવેલી એક હોટલમાં યોજાયેલા લગ્ન સમારંભમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લગ્ન સમારંભમાં કોરોનાની ગાઇડ લાઇનને નેવે મૂકી અને જાનૈયાઓ ડીજે અને બેન્ડના તાલે નાચતા જોવા મળ્યા હતા. જોકે લગ્ન સમારંભ ભાજપના યુવા નેતાના પરિવારમાં હોવાથી મુદ્દો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

નેશનલ હાઇવે પર આવેલી હોટેલની બાજુમાં જ યોજાયેલા આ લગ્ન સમારંભના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જોકે આ સમગ્ર પ્રકરણ મુદ્દે શરૂઆતમાં પોલીસ પણ અજાણ હતી. બનાવની વિગત મુજબ, વલસાડ જિલ્લાના પારડી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર ખડકી ગામમાં આવેલી એપિકલ હોટેલમાં એક લગ્ન સમારંભ યોજાયો હતો. આ લગ્ન સમારંભ પારડી તાલુકા ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ દેગીશ આહિરના પરિવારમાં હતો. આ લગ્નમાં ગઇરાત્રે ધરમપુરથી જાન આવી હતી. જો કે લગ્નના માંડવે અને જાનમાં મોટી સંખ્યામાં જાનૈયાઓ હાજર રહ્યા હતા.

કોવિડ 19ના નિયમ પ્રમાણે નિયત સંખ્યામાં જ લગ્ન સમારંભમાં આમંત્રણ આપવા સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે. તેમ છતાં ભાજપના યુવા નેતાના ઘરે યોજાયેલા આ લગ્ન સમારંભમાં ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા હતા. કોઈ પણ જાતના નિયમો પાળ્યા વિના ભાજપના યુવા નેતાના ઘરે યોજાયેલા લગ્ન સમારંભમાં જાનૈયાઓની ચિક્કાર ભીડ જામી હતી. અને નેશનલ હાઈવેની બાજુમાં જ આવેલી હોટેલમાં ડીજેના તાલે જાનૈયાઓ નાચતા નજરે પડ્યા હતા. 

હાઇવે પર જ યોજાયેલા આ વરઘોડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે આ સમગ્ર પ્રકરણ બાબતે શરૂઆતમાં અજાણ હતી. જોકે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પારડી પોલીસ સુધી પણ વાત પહોંચી હતી. આથી હવે પોલીસે પણ આ મામલે જરૂરી તપાસ હાથ ધરી છે. 

મહત્વપૂર્ણ છે કે થોડા સમય અગાઉ વલસાડ શહેરમાં નાઈટ કરફ્યુના ભંગ બદલ વલસાડ સીટી પોલીસ દ્વારા એક નવ વરવધૂને સામે કાર્યવાહી કરવામાં આવી.. હતી. મોડી રાત્રે લગ્ન કરી અને પરત ફરેલી જાન ને રોકી અને વલસાડ સિટી પોલીસ દ્વારા વર-વધુની સાથે અણછાજતું વર્તન કરી અને તેમને કલાકો સુધી સિટી પોલીસ સ્ટેશનમાં રોકી રાખવામાં આવ્યા હતા. ત્યારે પણ પોલીસની કાર્યવાહી વગોવાઈ હતી. જોકે ભાજપના યુવા નેતાના ઘરે યોજાયેલા લગ્ન સમારંભમાં નિયમોને નેવે મૂકી ઉમટેલી ભીડ અંગે હજુ સુધી પોલીસ દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news