વડોદરા સામૂહિક આપઘાત કેસમાં મૃત્યુઆંક 4 પર પહોંચ્યો, સાસુ દિપ્તી સોનીનું મોત થયું

વડોદરામાં સોની પરિવારના સામૂહિક આત્મહત્યા કેસમાં મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે. મૃતક નરેન્દ્ર સોનીના પત્ની દીપ્તિ સોનીનું બે દિવસની સારવાર બાદ આજે મોત નિપજ્યું છે. ઝેર પીધાની ઘટના બાદ દિપ્તી સોનીની હાલત અતિ ગંભીર હતી. પરંતુ આજે તેઓ જીવન સામેની જંગ હારી ગયા છે. 
વડોદરા સામૂહિક આપઘાત કેસમાં મૃત્યુઆંક 4 પર પહોંચ્યો, સાસુ દિપ્તી સોનીનું મોત થયું

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં સોની પરિવારના સામૂહિક આત્મહત્યા કેસમાં મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે. મૃતક નરેન્દ્ર સોનીના પત્ની દીપ્તિ સોનીનું બે દિવસની સારવાર બાદ આજે મોત નિપજ્યું છે. ઝેર પીધાની ઘટના બાદ દિપ્તી સોનીની હાલત અતિ ગંભીર હતી. પરંતુ આજે તેઓ જીવન સામેની જંગ હારી ગયા છે. 

દિપ્તી સોની ઘટના બાદથી ગંભીર હાલતમાં હતા
વડોદરાના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારે બે દિવસ પહેલા સામૂહિક આત્મહત્યા કરી હતી. પરિવારના મોભી નરેન્દ્ર સોનીએ આખા પરિવારને કોલ્ડ ડ્રીંકમાં ઝેર ભેળવીને પીવડાવ્યું હતું. જેમાં નરેન્દ્ર સોની, તેમની દીકરી તથા પૌત્રનું મોત નિપજ્યું હતું. પુત્ર ભાવિન સોની, પુત્રવધુ ઉર્વી અને નરેન્દ્ર સોનીના પત્ની દિપ્તી સોનીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં ભાવિન સોનીની તબિયત સારી હતી, પરંતુ બંને સાસુ-વહુની હાલત ગંભીર હતી. જેમાં આજે દિપ્તી સોનીનું પણ મોત નિપજ્યું છે. દીપ્તિ સોની ઘટના બાદથી વેન્ટિલેટર પર હતા. આમ, સામૂહિક આપઘાતના મોતનો આંકડો 4 થયો છે. 

ઝેર પીને બચી ગયેલા ભાવિન સોનીએ કહ્યું, સામૂહિક આપઘાતનો નિર્ણય મારા પિતાનો હતો 

પરિવાર વિખેરાયા બાદ ભાવિનને અફસોસ થયો 
સોની પરિવારનો આ કિસ્સો તમામ લોકો માટે લાલબત્તી સમાન છે. પરિવાર વિખેરાયા બાદ આજે ભાવિન સોનીને અફસોસ થઈ રહ્યો છે. હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલ ભાવિને લોકોને જ્યોતિષીઓના ચક્કરમાં ન ફસાવાની સલાહ આપી છે. ભાવિને કહ્યું કે, અમારી સાથે જે થયું એ સમાજ માટે એક ઉદાહરણ છે કે કોઈપણ વ્યક્તિ લેભાગુ જ્યોતિષીના ચક્કરમાં ન પડે. મારા પિતાએ જયોતિષીના ચક્કરમાં 32 લાખ ગુમાવ્યા હતા. પરિવારે કેવી રીતે ઝેર પીવાનો નિર્ણય લીધો તે અંગે ભાવિને કહ્યું કે, સામૂહિક આપઘાત કરવાનો નિર્ણય મારા પિતા નરેન્દ્ર સોનીનો હતો. અમે બધાએ તેમના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. પરંતુ તેઓ માન્યા ન હતા. અમે વિરોધ કર્યો, પણ તેમની સામે અમારી કોઈ જ વાત ચાલી ન હતી. મારા પુત્રને પણ દવા તેમણે જ પીવડાવી હતી. 2018 ના વર્ષથી અમારી પડતીની શરૂઆત થઈ હતી. જ્યોતિષીઓના ચક્કરમાં આવીને અમે અમારું સર્વસ્વ ગુમાવ્યું. જેથી અમારી પાસે સામૂહિક આત્મહત્યા કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. ભાવિને કહ્યું કે, મારા પિતા લેભાગુ જ્યોતિષીઓના ચક્કરમાં આવી ગયા હતા. તેમણે આ ચક્કરમાં 32 લાખ ગુમાવ્યા હાત. તો સાથે જ મારો બિઝનેસ પણ સારો ચાલતો ન હતો. પરિવાર ચારેતરફથી ભીંસમાં આવી ગયો હતો. અમારી નાણાકીય સ્થિતિ ખરાબ હતી અને એમાંય પિતા જયોતિષીના રવાડે ચડી જતાં દેવું અનેક ગણું વધી ગયું હતું.

પરિવારના મોભી સામે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો 
સામૂહિક આપઘાત કેસમાં પોલીસે બે ગુના દાખલ કર્યા છે. જેમાં 9 જ્યોતિષીઓ સામે પોલીસે ગુનો દાખલ કર્યો અને મૃતક નરેન્દ્ર સોની સામે પૌત્રને ઝેરી પદાર્થ પીવડાવવાને લઈ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો. મહત્વની વાત છે કે સામૂહિક આપઘાત કેસમાં નરેન્દ્ર સોની, રિયા સોની અને પાર્થ સોનીનું મોત થયું છે. જ્યારે કે, ભાવિન સોની, દીપ્તિ સોની અને ઉર્વશી સોની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમાં દીપ્તિ અને ઉર્વશી સોનીની હાલત ખૂબ ગંભીર છે. 

જ્યોતિષીઓએ સોના-ચાંદીના કળશ કાઢીને વશમાં કર્યાં 
સ્વાતી સોસાયટીમાં આવેલું મકાન રૂપિયા 40 લાખમાં વેચવા માટે અને એક સાથે દેવું ચૂકવવા માટે પિતા નરેન્દ્રભાઇ જ્યોતિષીના ચક્કરમાં આવી ગયા હતા. જેમાં વડોદરા, અમદાવાદ અને રાજસ્થાન પુષ્કરના જ્યોતિષી સહિત 9 જ્યોતિષીઓએ વિધી, વાસ્તુદોષ, ઘરમાં ખાડો ખોદીને દાટેલું ધન કાઢવા માટે રૂપિયા 32.25 લાખ પડાવ્યા હતા. જ્યોતિષીઓના ભરોસે રહેલા પિતાએ મકાન બાનાખત પેટે અશોકભાઇ મિસ્ત્રી પાસેથી લીધેલા રૂપિયા 23.50 લાખ વાયદા મુજબ પરત આપી શકે તેમ ન હોવાથી પિતાના કહેવાથી પરિવારે ઝેરી દવા ગટગટાવી લઇ આપઘાત કરી લેવાનું નક્કી કર્યું હતું. વડોદરાના ગોત્રી કેનાલ પાસે રહેતા જ્યોતિષી હેમંત જોષી મકાન વેચવાની આપેલી જાહેરાત વાંચીને પિતાનો સંપર્ક કર્યો હતો, ત્યાર બાદ તે ઘરે આવ્યો હતો. ઘરે આવેલા જ્યોતિષી હેમંત જોષીએ ઘરમાં તપાસ કરીને જણાવ્યું કે, તમને વાસ્તુદોષ નડે છે અને તમારા ઘરમાં ગુપ્ત ધન દાટેલું છે. જે ખાડો ખોદીને કાઢવું પડશે. તે માટેની વિધિ માટે 35 હજાર રૂપિયા લીધા હતા.

ત્યાર બાદ હેમંત જોષીએ અમદાવાદના જ્યોતિષી સ્વારજ જોષીનો સંપર્ક કરાવ્યો હતો. સ્વરાજ જોષી પણ ઘરે આવ્યો હતો. તેણે રસોડાની એક ટાઇલ્સ હટાવી ખાડો ખોદી તેમાંથી બે તાંબાના કળશ બહાર કાઢ્યા હતા. જે પૈકી એક કળશમાંથી સોનાના સિક્કા અને બીજા કળશમાંથી હાડકા નીકળ્યા હતા. સોનાના સિક્કા ભરેલ કળશ તિજોરીમાં મૂકી દીધો. જ્યોતિષી સ્વરાજે રસોડામાં બીજા 16 કળશ દટાયેલા હોવાનું જણાવતા પરિવાર ખુશ થઇ ગયો હતો. ધન ભરેલા 16 કળશ કાઢવા માટે રૂપિયા 13.50 લાખનો ખર્ચ થશે, તેમ જણાવતા મોભી નરેન્દ્રભાઇએ જના ફાઇનાન્સમાં મકાન ગીરવે મૂકી 15 લાખ રૂપિયાની લોન લીધી હતી. જે પૈકી રૂપિયા 8 લાખ આવાસ ફાઇનાન્સમાં ભરી દીધા હતા. બાકી વધેલા રૂપિયા 7 લાખ અને મકાન વેચાણના બાના પેટે મેળેલા રૂપિયા 7 લાખ મળીને કુલ રૂપિયા 14 લાખમાંથી રૂપિયા 13.50 લાખ જ્યોતિષી સ્વરાજને આપ્યા હતા. જે રકમ આપ્યા બાદ બીજા ત્રણ કળશ ભાડાના મકાનમાં ખાડો ખોદીને કાઢ્યા હતા. જે ત્રણ કળશ પૈકી એક કળશમાંથી માટી, બીજા કળશમાંથી હાડકાં અને ત્રીજા કળશમાંથી બે કિલો ચાંદી નીકળી હતી. પહેલાં નીકળેલા સોનાના સિક્કા ભરેલા કળશમાંથી એક ચિઠ્ઠી લખી હતી કે, આ કળશ તળાવમાં પધરાવી દેવો. જેથી પિતા સોનાના સિક્કા ભરેલો કળશ પાણીમાં પધરાવી આવ્યા હતા. જ્યોતિષી સ્વરાજે બીજી વિધિ કરવા માટે બીજા રૂપિયા 9 લાખની માંગણી કરતા નરેન્દ્રભાઇએ બીજી વિધિ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

દરમિયાન ઘરે જ બેસી રહેતા નરેન્દ્રભાઇ સોનીએ અખબારોમાં આવતી જ્યોતિષીની જાહેરાતો જોઇને અમદાવાદના પ્રહલાદ નામના જ્યોતિષીનો સંપર્ક કર્યો હતો. તેઓએ ઘરમાં વિધિ કરવા માટે 2 લાખ રૂપિયા લીધા હતા. જ્યોતિષી પ્રહલાદે તેઓના સાગરીત દિનેશને ઘરે મોકલ્યો હતો. દિનેશે ઘરમાંથી સાડા ત્રણ ફૂટનો સાપ કાઢીને બતાવ્યો હતો. જે સાપ દિનેશ પ્લાસ્ટિકના ડબામાં લઇને જતો રહ્યો હતો. બાદમાં જ્યોતિષી પ્રહલાદે પરિવારના મોભી નરેન્દ્રભાઇને જણાવ્યું કે, સાપના નિવારણ માટે રૂપિયા 7 લાખ જેટલો ખર્ચ થશે. જોકે, નરેન્દ્રભાઇ સાપની વિધિ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. આમ જ્યોતિષીઓ 32.25 લાખ રૂપિયા પડાવી લેતા પરિવાર દેવાદાર બની ગયો હતો અને છેવટે સામૂહિક આપઘાત કરવાનો વારો આવ્યો હતો. જેમાં પરિવારના 3 સભ્યોના મોત થયા હતા અને 3 સભ્યો હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news