જે સ્કૂલે ગુજરાતના લોખંડી પુરુષ ભણ્યા, તે હવે બંધ થવાના આરે આવી ગઈ
Trending Photos
- સરદાર પટેલ વડોદરાની જે સ્કૂલમાં ભણ્યા હતા તે બંધ થવાના આરે આવી
- સત્તાધીશોની ઉદાસીનતા અને શિક્ષકોના અભાવે શાળાના વર્ગો થયા બંધ
રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા (vadodara) ના મહારાજા સયાજીરાવ ગાયકવાડે બનાવેલી અને સરદાર વલ્લભભાઈ પટેલ જે સ્કૂલમાં ભણ્યા છે તેવી એક્સપરિમેન્ટલ સ્કૂલને બંધ કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. સ્કૂલમાં વર્ષોથી ચાલતા ધોરણ 11-12 સાયન્સના વર્ગો શિક્ષકોની ભરતી ના કરતા બંધ કરવા પડ્યા છે. તેવી જ રીતે ધોરણ 11-12 કોમર્સના વર્ગોમાં પણ શિક્ષકોની ભરતી ના કરી બંધ કરવાની પેરવી ચાલી રહી છે.
વડોદરાની વિશ્વવિખ્યાત એમ.એસ.યુનિ. સંચાલિત એક્સપરિમેન્ટલ સ્કૂલ અગાઉ બરોડા હાઈસ્કુલ તરીકે ઓળખાતી હતી, જેની શરૂઆત મહારાજા સયાજીરાવ ગાયકવાડે કરી હતી. અને આ જ સ્કૂલમાં વર્ષ 1895 માં ધોરણ 8 માં એક વર્ષ માટે સરદાર વલ્લભભાઈ પટેલ ભણ્યા હતા. આ સ્કૂલના વર્ગો એમ એસ યુનિવર્સિટીના સત્તાધીશોની ઉદાસીનતાના કારણે બંધ કરવા પડી રહ્યા છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે યુનિવર્સિટીની એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ફેકલ્ટીમાં જે વિદ્યાર્થીઓ શિક્ષક બનવા માટે અભ્યાસ કરવા આવતા હતા, તેમને વિદ્યાર્થીઓને ભણાવવાનો અનુભવ પણ મળી રહે તે માટે ફેકલ્ટીની બિલ્ડિંગમાં જ એક્સપરિમેન્ટલ સ્કૂલ શરૂ કરી હતી. જેમાં શિક્ષકો સ્કૂલના વિદ્યાર્થીઓને ભણાવી અનુભવ પણ મેળવતા હતા. પણ હવે આ પ્રક્રિયા પણ બંધ કરવામાં આવી છે.
આ પણ વાંચો : આ છે ગુજરાતના સૌથી વધુ જોવાયેલા ટોપ-3 Videos, ભગવાન રામના ચરણોમાં પડેલી વીજળી કેમેરામાં કેદ થઈ
એક્સપરિમેન્ટલ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ હેમાંગ મોદી કહે છે કે, સ્કૂલમાં શિક્ષકોની ભરતી ન થતા અને વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતાં ધોરણ 11-12 સાયન્સના વર્ગો બંધ કરવા પડ્યા છે. તેવી જ રીતે ધોરણ 11-12 કોમર્સમાં પણ મુખ્ય વિષય એકાઉન્ટ અને સ્ટેટેસ્ટીક્સના શિક્ષકો જ નથી. બંને વર્ગોમાં મળી માત્ર એક જ શિક્ષક છે. જ્યારે ધોરણ 9 અને 10માં ભણાવતા શિક્ષકો 11 અને 12ના વિદ્યાર્થીઓને ભણાવે છે. જેના કારણે કોમર્સમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. જે વર્ગો પણ ક્યારેક બંધ થઈ જશે. હાલમાં ધોરણ 11 કોમર્સમાં 58, અને 12 કોમર્સમાં 51 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેની પણ સંખ્યા દર વર્ષે ઘટી રહી છે.
એમ એસ યુનિવર્સિટી એક્સપરિમેન્ટલ સ્કૂલમાં ધોરણ 1 થી 8 ના વર્ગોનું સંચાલન કરે છે, જ્યારે ધોરણ 9 થી 12 ના વર્ગોનું સંચાલન ડીઈઓ કરે છે, એટલે કે તેની નિમણૂંક રાજ્ય સરકારના હાથમાં છે. પણ સંપૂર્ણ એક્સપરિમેન્ટલ સ્કૂલનું મેનેજમેન્ટ યુનિવર્સિટીના સતાધીશોના હાથમાં જ છે. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ જે સ્કૂલમાં ભણતા હતા, તે સ્કૂલને પણ ચાલુ રાખવામાં યુનિવર્સિટીના સત્તાધીશો સાથે રાજ્ય સરકારને પણ રસ ના હોય તેવું લાગી રહ્યું છે. યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યો પણ માત્ર તમાશો જોતા હોય એમ લાગે છે.
યુનિવર્સિટીના પી.આર.ઓ. લકુલેશ ત્રિવેદીએ આ મામલે ગોળ ગોળ જવાબ આપી યુનિવર્સિટીનો બચાવ કર્યો હતો. સાથે જ સ્કૂલ બંધ નહિ થાય તેવો પોકળ દાવો કરી રહ્યા છે. એક્સપરિમેન્ટલ સ્કૂલ બંધ થઈ જાય તે પ્રકારનો કારસો યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યો અને સત્તાધીશો રચતા હોય તેમ લાગે છે. જેવી રીતે યુનિવર્સિટીએ સરકાર પાસે નાણાં ન મેળવી કરોડો રૂપિયાની જમીન જતી કરી તેવી જ રીતે હવે સ્કૂલ પણ બંધ થઈ જાય તે દિશામાં પ્રયાસો શરૂ કર્યા હોય તેમ લાગે છે. ત્યારે રાજ્ય સરકાર વચ્ચે પડી સ્કૂલ ચાલુ રહે તેવા પ્રયાસો કરે તે ખૂબ જરૂરી બન્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે