વડોદરામાં સત્તાધીશઓને પાપે ટેન્કર રાજ! વર્ષે 90 લાખ ચૂકવી મનપા શહેરમાં પાણીના ટેન્કર દોડાવશે
વડોદરા કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીમાં પાણીના ટેન્કર દોડાવવા માટેની દરખાસ્ત આવી છે, જેમાં વર્ષે 90 લાખના ખર્ચે કોર્પોરેશન રાજેશ સચદેવ નામના ઈજારદારને ઈજારો આપીને ટેન્કર રાજને પ્રોત્સાહિત કરી રહ્યું છે.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા: સ્માર્ટ સિટી વડોદરામાં લોકોને પૂરતું પીવાનું પાણી મળી રહ્યું નથી. જેના કારણે કોર્પોરેશનના શાસકોને ટેન્કર દોડાવવાની ફરજ પડી છે. કોર્પોરેશનના પૂરતા પાણીના સ્ત્રોતના દાવા વચ્ચે ટેન્કર રાજનો ખુલાસો થયો છે.
વડોદરા કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીમાં પાણીના ટેન્કર દોડાવવા માટેની દરખાસ્ત આવી છે, જેમાં વર્ષે 90 લાખના ખર્ચે કોર્પોરેશન રાજેશ સચદેવ નામના ઈજારદારને ઈજારો આપીને ટેન્કર રાજને પ્રોત્સાહિત કરી રહ્યું છે. કોર્પોરેશન ખાનગી ઇજારદારને 4000 લીટરના એક ટેન્કરના પ્રતિ ફેરા 412 રૂપિયા અને 5000 લીટરના એક ટેન્કરના પ્રતિ ફેરા 505 રૂપિયા ચૂકવશે. કોર્પોરેશન ઇજારદાર પાસેથી ટેન્કર, ડ્રાઈવર, કંડકટર, સ્પેર ડ્રાઈવર મેળવશે. જ્યારે કોર્પોરેશનની પાણીની ટાંકીમાંથી ઇજારદારને પાણી આપશે.
શહેરમાં ફાયર બ્રિગેડના ટેન્કર મારફતે પણ કોર્પોરેશન પાણી પહોચાડે છે પણ ફાયર બ્રિગેડના ટેન્કર પૂરતા ન પડતાં હોવાથી ખાનગી ઇજારદારને ટેન્કરનો ઈજારો આપવાની વાત કોર્પોરેશનના સત્તાધીશો કરી રહ્યા છે. પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી કહે છે કે શહેરનો વ્યાપ વધ્યો છે, ગામડાઓનો શહેરમાં સમાવેશ થયો છે, સાથે જ ગંદુ પાણીની સમસ્યા પણ અનેક વિસ્તારોમાં હોય છે જેને લઇ ટેન્કર મારફતે પીવાનું પાણી પૂરું પડાય છે.
ટેન્કર રાજને લઈ કોંગ્રેસ કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવે શાસકો પર પ્રહાર કર્યા છે. પાણીનો પૂરતો સ્ત્રોત હોય તો ટેન્કર દોડાવવાની જરૂર કેમ પડે છે તેવો સવાલ વિપક્ષે પૂછ્યો છે. ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું કે શહેરમાં સત્તાધીશો ટેન્કર દોડાવે છે તે જ સાબિતી આપે છે કે લોકોને પૂરતું પાણી નથી મળતું. શહેરમાં અનેક સ્થળોએ પાણીની લાઈન ન નાખી હોવાના પણ પુરાવા ટેન્કર આપે છે તેવો આક્ષેપ વિપક્ષે કર્યો છે. સાથે જ પાલિકાના સત્તાધીશો લોકોને પીવાનું ચોખ્ખું પાણી આપવામાં નિષ્ફળ નીવડ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
કોર્પોરેશને તાજેતરમાં સિંધરોટ ગામ ખાતે પીવાના પાણીનો નવો સ્ત્રોત ઊભો કર્યો છે તેમ છતાં વર્ષે 90 લાખનો ખર્ચ કરી ટેન્કર મારફતે પાણી આપવાની કેમ જરૂર પડે છે તે સવાલ ઉઠી રહ્યો છે. સરકાર નલ સે જળની ભલે વાત કરતી હોય પણ વડોદરામાં કોર્પોરેશન લોકોને ટેન્કરથી જળ આપી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે