રાજકોટમાં વેક્સીનની ટ્રાયલ રનનું કાઉન્ટડાઉન શરૂ, વીજળી વગર 55 કલાક રસી રહે તેવા 25 ફ્રિજ સૌરાષ્ટ્રને મળ્યાં

રાજકોટમાં વેક્સીનની ટ્રાયલ રનનું કાઉન્ટડાઉન શરૂ, વીજળી વગર 55 કલાક રસી રહે તેવા 25 ફ્રિજ સૌરાષ્ટ્રને મળ્યાં
  • કોરોના સામે હવે રસી આપવાની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી
  • રાજકોટ અને ગાંધીનગરમાં સોમવારે અને મંગળવારે રસી માટે ટ્રાયલ રન થશે
  • ટ્રાયલ રન બાદ મંગળવારે સાંજે રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરાશે 

રક્ષિત પંડ્યા/રાજકોટ :ગુજરાતમાં રસીકરણના ટ્રાયલ રનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજકોટ અને ગાંધીનગરમાં સોમવારે અને મંગળવારે રસી માટે ટ્રાયલ રન (vaccine trial) થશે. રાજ્યના આરોગ્ય વિભાગે 15 હજાર વેક્સિનેટર સાથે 75 હજાર કર્મચારીઓને રસી આપવા માટેની ટ્રાયલ રન એટલે કે કે મોકડ્રીલ (mockdrill) શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સોમવાર અને મંગળવારે ગાંધીનગર અને રાજકોટમાં સૌથી પહેલા ટ્રાયલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વેક્સિન (vaccination) રાખવાની તૈયારી, તેને પહોંચાડવાની તૈયારી, રસી લેનારને મેસેજથી જાણ કરવાની તૈયારી સહિતની વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવશે. રિહર્સલમાં હેલ્થ વર્કરને બોલાવીને જ ટ્રાયલ કરવામાં આવશે.

ડમી વેક્સીન સાથે ટ્રાયલ રન અપાશે 
કોરોના વેકસીન અંગે ટ્રાયલ રન કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે. આ માટે રાજકોટ મનપા દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે અને આગામી મંગળવારના રોજ ડમી વેકસીન સાથે ટ્રાયલ રન ખાતે કરવામાં આવશે. રાજકોટ શહેરમાં એક ખાનગી હોસ્પિટલ, 2 આરોગ્ય કેન્દ્ર સહિત 5 જગ્યા પર ટ્રાયલ રન માટેની કામગીરી કરવામાં આવશે. ત્યારે રાજકોટમાં કોરોના રસીની મોકડ્રિલનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ટ્રાયલ રન પૂર્વે આજે રવિવારના રોજ આરોગ્ય વિભાગના કર્મચારીઓને ખાસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ ટ્રાયલ રનમાં આજે 5 કેન્દ્રો પર અંદાજીત 150 જેટલા લોકો જોડાશે. વેક્સીન ક્યાંથી લઈ કેવી રીતે જવું , કેમ આપવી, શું સગવડ, શું અગવડ સહિતના મુદ્દે જાણકારી માટે આ ટ્રાયલ રન તેનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ ટ્રાયલ રન થયા બાદ મંગળવારે સાંજના સમયે રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે.

ટ્રાયલ રનમાં ક્યાં ભૂલ છે તે જાણી શકાશે 
આ વિશે આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું કે, આરોગ્ય વિભાગ મંગળવારે ટ્રાયલ રન કરશે. 160 સરકારી કર્મચારીનો કાફલો તૈનાત કરાશે. રાજકોટમાં પદ્મકુંવરબા, સ્ટર્લિંગ હોસ્પિટલ સહિત 5 કેન્દ્રોમાં રસીની મોકડ્રીલ યોજાશે. ટ્રાયલ રનમાં ક્યાં ભૂલ છે, સોફ્ટવેર ચાલે છે કે કેમ તેની ચકાસણી કરી સરકારને રિપોર્ટ સોંપાશે. 

vaccine_rajkot_zee.jpg

વીજળી વગર 55 કલાક સુધી રસી રહી શકે તેવા ફ્રીજ સૌરાષ્ટ્ર પહોંચ્યા 
કોરોના સામે હવે રસી આપવાની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે રસી ક્યાં રાખવી કેવી રીતે રાખવી લોકો સુધી કઈ રીતે પહોંચાડવી તે અંગે તંત્રએ તમામ તૈયારી કરી છે. સૌરાષ્ટ્રના અલગ અલગ મથકોએ રસી સાચવવા માટે 25 આઈસ લાઈન રેફ્રિજરેટર મોકલવામાં આવ્યા. આ ફ્રિજ અનેક પ્રકારના ખાસિયતોથી ભરેલા છે. આ ફ્રિજમાં વીજળી વગર 55 કલાક સુધી રસી 2 થી 8 ડિગ્રી સેલ્શિયસના તાપમાન વચ્ચે રહી શકે છે. સૌરાષ્ટ્રને 25 આઈએલઆર ફાળવવામાં આવ્યા છે. જે સેન્ટ્રલ વેક્સીન સ્ટોરમાં પહોંચ્યા છે. આ આઈએલઆરમાંથી રાજકોટ મનપા, જિલ્લા પંચાયત, મોરબી, દ્વારકા સહિતના જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓને 22 મોકલવામાં આવશે. જ્યારે 3 સેન્ટ્રલ વેક્સિન સ્ટોરમાં જ રહેશે. જે જૂના આઇસ લાઇન રેફ્રિજરેટર છે, તેમાં જો પાવર કટ થાય તો રસીને માફક આવે તેટલું 2થી 8 ડિગ્રી સેલ્શિયસ તાપમાન 10 કલાક સુધી રહે છે.

આ પણ વાંચો : જિપ્સીમાં સવાર થઈને વહેલી સવારે સિંહ દર્શન કરવા નીકળ્યો આમિર ખાન, 3 કલાક જંગલમાં વિતાવશે 

મોકડ્રીલથી શુ ફાયદો થશે
રાજકોટમાં કોરોનાની વેક્સિનેશનની મોક ડ્રીલ થશે. એટલે કે જે રીતે વેક્સીન આપવાની છે તે અગાઉથી પ્રોટોકોલને અનુસરીને જો કોઇ ખામી રહી ગઈ હોય તો તેનું સમાધાન મોકડ્રીલમાં થશે. આ માટે જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ રાજકોટ મનપાની આરોગ્યની ટીમને શનિવારે વેક્સિનેશન માટે મેસેજ મોકલવાથી માંડીને ઓબ્ઝર્વેશન રૂમ સુધીની તાલીમ અપાઈ છે. સોમવારે વેક્સિન બૂથની તૈયારી અને મંગળવારે ટ્રાયલ રન થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news