રાજકોટના અનોખા શિવ ભક્ત! મુસ્લિમ હોવા છતાં શિવ ભક્તિ, રોજ 11 કિ.મી ચાલીને જાય છે મંદિર
રાજકોટમાં રહેતા અહેસાનભાઈ ચૌહાણની ચર્ચા અત્યારે ચારેય તરફ થઈ રહી છે. અહેસાનભાઈ મુસ્લિમ હોવા છતાં દરરોજ પોતાના ઘરેથી 11 કિલોમીટર દૂર આવેલા મહાદેવના મંદિરે ચાલીને જાય છે અને પૂજા કરે છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટમાં એક એવા શિવ ભક્ત છે જે મુસ્લિમ હોવા છતાં શ્રાવણ મહિનામાં દરરોજ મંદિરે જાય છે. 11 કિલો મીટર દરરોજ પગપાળા મંદિરે જઈ હિન્દૂ-મુસ્લિમ એકતાની પ્રાર્થના કરે છે. જૂઓ કોણ છે આ મુસ્લિમ શિવભક્ત અને શું છે તેની આસ્થાનું કારણ?
- રાજકોટના અનોખા શિવ ભક્ત..
- મુસ્લિમ હોવા છતાં શ્રાવણ મહિનામાં કરે છે શિવ ભક્તિ..
- શ્રાવણ મહિનામાં દરરોજ 11 કિલોમીટર પગપાળા જાય છે મંદિરે..
- હિન્દૂ-મુસ્લિમ એકતા માટે કરે છે પ્રાર્થના..
પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવના શિવાલયો હર હર મહાદેવના નાદ થી ગુંજી ઉઠ્યા છે. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવભક્તો ભગવાન શિવની પૂજા આરાધના કરતા હોઈ છે. રાજકોટના જાગનાથ પ્લોટ વિસ્તારમાં રહેતા અહેસાન ચૌહાણ ધર્મે મુસ્લિમ છે અને વ્યવસાયે ડાન્સર છે. અહેસાન ચૌહાણ છેલ્લા 33 વર્ષ થી શ્રાવણ મહિના દરમિયાન પોતાના ઘર થી 11 કિલો મીટર દૂર ઇશ્વરીયા મહાદેવ મંદિર સુધી પગપાળા પૂજન-અર્ચન કરવા જાય છે. અહેસાન ચૌહાણ ભગવાન શિવનું પૂજા હિન્દૂ સંસ્કૃતિ મુજબ કરતા હોય છે. શિવ મંદિરના ગર્ભગૃહમાં ધોતિયું પહેરીને પ્રવેશ કરે છે અને જળાભિષેક અને દુધઅભિષેક કરે છે.
અહેસાન ચૌહાણનું કહેવું છે કે, 33 વર્ષ થી તે પગપાળા ઇશ્વરીયા મહાદેવ મંદિરે દર્શન કરી પૂજા કરવા આવે છે. જ્યારે જાગનાથ મહાદેવ મંદિર થી વૃદ્ધ દર્શનાર્થીઓ અને માનસિક દિવ્યાંગોને સોમનાથ દાદાના દર્શન કરવા લઈ જાય છે. તે મંદિરે દર્શન કરવા જાય છે તેનાથી મુસ્લિમ સમાજના કેટલાક લોકોએ વિરોધ પણ કર્યો હતો. જોકે અહેસાન ચૌહાણે હિન્દૂ અને મુસ્લિમ એકતાના માટે પોતાનું કાર્ય ચાલુ જ રાખ્યું છે. અહેસાન ચૌહાણ કહે છે કે, શિવ મંદિરમાં પૂજા કરવા જાય છે ત્યારે હિંદુભાઈઓ આવકાર આપે છે અને પૂજા પાઠ કરાવે છે. અહેસાન દુઃખ દર્દીઓ માટે અનેક લોકો માટે માનતા રાખે છે 7 સોમવારની માનતા રાખતા જ અનેક લોકોની ઈચ્છાઓ પૂરી થાય છે તેવી તેને શ્રદ્ધા છે.
કેવી રીતે બેઠી શિવ પર શ્રદ્ધા?
ભગવાન શિવ ભોળાનાથ છે અને દેવોના દેવ છે આ શબ્દો છે મુસ્લિમ શિવ ભક્ત અહેસાન ચૌહાણના. અહેસાન ચૌહાણે કહ્યું હતું કે, જાગનાથ પ્લોટ વિસ્તારમાં તેઓ વર્ષો થી વસવાટ કરે છે. નાનપણમાં સ્કૂલે જતા હતા ત્યારે તેના હિન્દૂ મિત્રો મંદિરે જઈ અને સ્કૂલે જતા હતા. જાગનાથ મહાદેવના મંદિરે મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવતા. જેથી એક દિવસ તેને સ્ફુલના શિક્ષકને પૂછ્યું કે, ભગવાન મહાદેવના મંદિરે તે દર્શન માટે જઈ શકે?
સ્કૂલના શિક્ષકે અહેસાનને કહ્યું હતું કે, મહાદેવ દેવોના દેવ છે અને સૌથી મોટા ઈશ્વર છે. ભોળાનાથ હોવાથી તેના મંદિરે દરેક લોકો જઇ શકે છે. અહેસાને ઘરે જઇ તેની અમ્મીને વાત કરી તો અમમીએ પણ મંદિરે દર્શન કરી સ્કૂલે જવા કહ્યું. ત્યાર થી જ અહેસાન શિવ મંદિરે દર્શન કરવા જવા લાગ્યા. રાજકોટના ઇશ્વરીયા ખાતે મહાદેવનું મંદિર નદી કિનારે હોવાનું અને લોકોની આસ્થા વધુ હોવાની જાણ થતાં 33 વર્ષ થી અહેસાન ઇશ્વરીયા મહાદેવ મંદિરે પગપાળા આવી દર્શન અને પૂજન કરતા થયા છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, હિંદુ - મુસ્લિમ એક જ છે અનેક એવી દરગાહ આવેલી છે કે જ્યાં હિંદુ લોકો દર્શન કરવા આવે છે. તો કેટલાક મંદિરોમાં મુસ્લિમ બિરાદરો દર્શન કરી ચાદર ચઢાવતા હોઈ છે. હિન્દૂ દરગાહમાં જાય તો મુસલમાન નથી થઈ જતો અને મુસ્લિમ મંદિરમાં જાય તો તે હિન્દૂ નથી બની જતો. આ બધી વસ્તુઓ લોકોએ પોતાની રીતે ઉપજાવી કાઢી છે જેને કારણે હિન્દૂ-મુસ્લિમના વિવાદો થાય છે. જેથી જ તે હિન્દૂ-મુસ્લિમની એકતા માટે જ શ્રાવણ મહિના દરમિયાન શિવ ભક્તિ કરે છે. જોકે મુસ્લિમ સમાજના કેટલાક લોકો તેનો સામાજિક રીતે વિરોધ કરતા હોય છે. પરંતુ હિંદુઓ તેની આ શ્રદ્ધાને આવકારતા જોવા મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે