GSTના બે વર્ષઃ ગુજરાત સરકારને થઈ રહ્યું છે મોટું નુકસાન- નીતિન પટેલનો એકરાર
મોદી સરકારના 'એક દેશ, એક કર'ના સ્વપ્નને સાકાર કરનાર GSTના અમલીકરણને આજે 2 વર્ષ પૂરા થયા છે, પરંતુ આ બે વર્ષ દરમિયાન ગુજરાત સરકારને વાર્ષિક 4થી 5 હજાર કરોડનું થઈ રહ્યું છે નુકસાન
Trending Photos
બ્રિજેશ દોષી/અમદાવાદઃ મોદી સરકારના અતિ મહત્વકાંક્ષી નિર્ણયોમાંના એક એવા 'એક દેશ, એક કર' ના સપનાને સાકાર કરનાર GSTના અમલીકરણને આજે 2 વર્ષ પુરા થયા છે. GST લાગુ થયાના 2 વર્ષ બાદ પણ ગુજરાતને નુકસાન થઇ રહ્યું હોવાની કબૂલાત ખુદ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ કરી છે. જીએસટીના બે વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ જે એન સિંહ, ચીફ કમિશ્નર અજય જૈન, પી ડી વાઘેલા અને રાજ્યના ઉદ્યોગજગતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
GSTની સફળતાના 2 વર્ષના કાર્યક્રમમાં સંબોધન દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત સરકારે પ્રજાના હિત માટે જીએસટીના અમલીકરણનો નિર્ણય કર્યો હતો. જો કે આ નિર્ણયથી આજે પણ સરકારને વાર્ષિક 4 થી 5 હજાર કરોડ રુપિયાનું નુકસાન થઇ રહ્યું છે. નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારને થઈ રહેલા આ નુકસાનની ભરપાઈ હાલ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારને હાલ જીએસટી હેઠળ 44 હજાર કરોડ રુપિયાની આવક થઇ રહી છે, જ્યારે વેટ હેઠળ 21 હજાર કરોડ રુપિયાની આવક થઇ રહી છે. જેના કારણે રાજ્યની કુલ આવક અંદાજિત રુ. 63 હજાર કરોડને પાર છે. જેમાં સરકારને નુકસાન થઇ રહ્યું છે.
પેટ્રોલ અને ડીઝલને હાલ પૂરતો GST હેઠળ લાવવા એક પણ રાજ્ય સરકાર તૈયાર ન હોવાના કારણે તેના પર વેટ જ લાગુ રહેશે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે. વેટની આવક માત્ર રાજ્ય સરકાર પાસે રહેતી હોવાથી હાલમાં અલગ અલગ રાજ્યમાં સરકારો દ્વારા આ નિર્ણય લેવાયો છે.
GST અંગે ઉદ્યોગજગતના અગ્રણીઓ પણ માની રહ્યા છે કે, હાલ કેટલાક પડકારો છતાં જીએસટીનું અમલીકરણ સફળ રહ્યું છે. ઉદ્યોગ જગતે જણાવ્યું કે, આગામી દિવસોમાં હજુ પણ GST કર વ્યવસ્થામાં કેટલાક સુધારા કરવામાં આવે, જેથી કરીને ગુજરાતના ઉદ્યોગોને ફાયદો થાય જેનો સીધો લાભ રાજ્ય સરકારને મળે.
GSTના અમલીકરણથી ગુજરાતને નુકસાન - નીતિન પટેલ
GST લાગુ થયાના બે વર્ષની પૂર્ણાહૂતિ પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, " GST કાયદો એ ખુદ એક મોટી સફળતા છે. આપણા દેશમાં અનેક પ્રકારના ટેક્ષ હતા. લોકોના સમયનો બગાડ થતો હતો. GST કાયદો આવ્યા બાદ વન નેશન વન ટેક્ષ થતા ખૂબ મોટી સરળતા અને રાહત થઈ ગઈ. GST કાયદો જ્યારે અમલમાં આવ્યો ત્યારે બધા રાજ્યોને ચિંતા હતી કે, તેમની આવકમાં ઘટાડો થશે. જોકે, કાઉન્સિલમાં જે નિર્ણય લેવામાં આવ્યા તેમાં સેસની આવકમાંથી ભરપાઈ કરી આપશે."
નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, "જોકે, GSTના કારણે ગુજરાત સરકારને દર વર્ષે રૂ. 5 હાજર કરોડ કરતાં વધુનું નુકશાન થઈ રહ્યું છે, પરંતુ કેન્દ્ર સરકાર તેની ભરપાઈ આપી રહી છે. અત્યારે બાંધકામ ક્ષેત્રે અફોર્ડેબલ હાઉસિંગમાં નાગરિકોને ટેક્સમાં રાહત આપવામાં આવી રહી છે."
GST પર એક નજર
- 2017માં 'વન નેશન, વન ટેક્સ' સાથે લાગુ કરાઈ GST કર વ્યવસ્થા
- જીએસટી લાગુ થતા 9.84 લાખ નવા કરદાતાઓની નોંધણી કરવામા આવી
- વર્ષ 2020 સુધીમાં તમામ ધંધા-રોજગાર નું રજીસ્ટ્રેશન થઈ જાય તેવો ઉદ્દેશ
- વર્ષ 2018-19માં રૂ. 63,550 કરોડની થઈ આવક, જ્યારે રૂ. 3,853 કરોડના રિફંડ કરવામાં આવ્યા
- વર્ષ 2019-20 સુધી રૂ. 14,745 કરોડની થઈ આવક. જ્યારે રૂ. 1,257 કરોડના રિફંડ કરવામાં આવ્યા
- સેન્ટ્રલ જીએસટી (CGST)ની આવક 2018-19 માં 20,325 કરોડ, જ્યારે 2019-20 માં જૂન સુધી 5,528 કરોડની આવક થઈ
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે