બોર્ડની પરીક્ષાના ટેન્શને બે દિવસમાં બે વિદ્યાર્થીઓનો ભોગ લીધો, બંનેના હાર્ટ એટેકથી મોત

board exam tension : કોરોના કાળમાં બે વર્ષ વિદ્યાર્થીઓએ ઘરે રહીને ઓનલાઈન પરીક્ષા આપી. ત્યારે બે વર્ષ બાદ કાળઝાળ ગરમીમાં બહાર નીકળીને પરીક્ષા આપવા જવી વિદ્યાર્થીઓ માટે આકરુ બની રહ્યું છે. ત્યારે બે દિવસમાં અમદાવાદ અને નવસારીના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયુ છે

બોર્ડની પરીક્ષાના ટેન્શને બે દિવસમાં બે વિદ્યાર્થીઓનો ભોગ લીધો, બંનેના હાર્ટ એટેકથી મોત

ઝી મીડિયા/બ્યૂરો :બોર્ડની પરીક્ષા શરૂ થઈને હજી બે જ દિવસ થયા છે. ત્યારે અમદાવાદ અને નવસારીમાં ધોરણ 12ની પરીક્ષા આપતાં 2 વિદ્યાર્થીઓનાં હાર્ટ એટેકથી મોત થયા છે. અમદાવાદમાં ગોમતીપુરની એસજી પટેલ સ્કૂલમાં અભ્યાસ કરતો શેખ મોહમ્મદ અમન મોહમ્મદ આરીફનું ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. અમદાવાદના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ અચાનક પરસેવો થતાં સુપરવાઈઝરે પ્રિન્સિપાલને જાણ કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીને 108ની મદદથી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેનું હાઈબીપી આવતાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો, પરંતુ વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું છે. તો આ તરફ નવસારીમાં પણ ધોરણ 12ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. વિદ્યાર્થી પરીક્ષા આપવા જઈ રહ્યો હતો, તે સમયે હાર્ટ એટેક આવતાં ઉત્સવ શાહ નામના વિદ્યાર્થીનું મોત થયું છે.

નવસારીમાં બીજુ મોત 
નવસારી શહેરના શાહ પરિવારનો 18 વર્ષીય દીકરા ઉત્સવ શાહનું બોર્ડની પરીક્ષાના બીજા દિવસે હાર્ટ એટેકથી મોત થયુ છે. ઉત્સવ શાહ વિદ્યાકુંજ શાળાના ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. મંગળવારે તેનુ અગ્રવાલ કોલેજમાં આંકડા શાસ્ત્રનું પેપર હતું. એક વાગ્યાની આસપાસ તેને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. જેના બાદ તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 

શાહ પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો
બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં નવસારીના શાહ પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો છે. કમ્પ્યુટરના વ્યવસાયમાં સંકળાયેલા મનોજ શાહના પરિવારમા એક દીકરી અને બે દીકરા હતા. દીકરાના નિધનના સમાચાર સાંભળીને માતાપિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જોકે, ભારે હૈયે પણ પરિવારે મોટો નિર્ણય લીધો હતો. માતાપિતાએ વ્હાલસોયા દીકરાના આંખોનુ દાન કર્યુ હતું. 

બોર્ડ પરીક્ષાના પહેલા દિવસે અમદાવાદના વિદ્યાર્થીનું મોત
અમદાવાદની સી.એલ સ્કુલમાં ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી અમનને ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવ્યો હતો. સારવાર મળે તેની થોડી ક્ષણો પહેલા જ તેનુ મોત નિપજ્યુ હતું. ગોમતીપુરાની એસજી પટેલ હાઈસ્કૂલનો વિદ્યાર્થી અમન આરીફ શેખનો નંબર સી.એલ સ્કુલમાં આવ્યો હતો. ગઈકાલે તે પહેલુ એકાઉન્ટનું પેપર આપવા વર્ગખંડમાં પહોચ્યો હતો. બપોરે ત્રણ વાગ્યે પેપર હોવાથી સમય પર તે વર્ગખંડમા પહોંચી ગયો હતો. 3.34 મિનિટે તેને વોમિટ જેવુ લાગતે તે મેડમની પરમિશન લઈને બહાર ગયો હતો. છે. અડધા કલાકમાં પાછા આવ્યા બાદ તે સૂઈ ગયો હતો. બાદમાં તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. હોસ્પિટલમાં ગયા બાદ અમનની હાલત એટલી બગડી હતી કે તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. પરંતુ ગણતરીની મિનિટોમા તે મોતને ભેટ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, કોરોના કાળ બાદ બે વર્ષ બાદ રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ યોજાઈ રહી છે. બે વર્ષ વિદ્યાર્થીઓએ ઘરે રહીને ઓનલાઈન પરીક્ષા આપી. ત્યારે બે વર્ષ બાદ કાળઝાળ ગરમીમાં બહાર નીકળીને પરીક્ષા આપવા જવી વિદ્યાર્થીઓ માટે આકરુ બની રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news