આ છે ગુજરાતની કડવી વાસ્તવિકતા, નદી વચ્ચેથી નીકળી નનામી , ખેતર ખેડવા મહિલાએ બળદની જગ્યા લીધી
આ છે ગરવી ગુજરાતના જમીની વાસ્તવિકતાના 2 પુરાવા
Trending Photos
ભરત ચૂડાસમા/ભરૂચ :ગુજરાતના વિકાસના જેટલા બણગા ફૂંકાય છે, તેની જમીની વાસ્તવિકતા એટલી જ વિરોધાભાસી છે. હજી પણ ગુજરાતમાં વિકાસના નામે મીંડું છે. રોડની ખાનાખરાબી એટલી છે કે ગાડી લઈને બહાર નીકળવાનું મન ન થાય. પ્રાથમિક સુવિધાઓથી જ શહેરો એટલા પીડાય છે કે બીજી સુવિધાઓની વાત જ શુ કરવી. રોડ, પુલ, ગટર, પાણી માટે વલખા મારવા પડે છે. ગુજરાતમાં અનેક એવા વિસ્તારો છે જ્યાં નદી પર પુલ બંધાયા નથી, અને અંતિમવિધિ માટે મૃતદેહને નદીમાંથી પસાર કરાવીને લઈ જવો પડે છે. તો બીજી તરફ, નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના બારખાડી ગામમાં બળદના સ્થાને મહિલા હળ ખેંચતી જોવા મળી. એક તરફ સરકાર લોકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આમંત્રણ આપે છે, બીજી તરફ એ જ જિલ્લાઓના વિકાસની આવી સ્થિતિ છે.
વાલિયા તાલુકાના ડહેલી ગામના લોકો પુલના અભાવે આજે પણ નદીમાંથી નનામી લઈ જવા મજબૂર બન્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી માંગ કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરાતી નથી. જેથી લોકોની હાલાકી વધી રહી છે. સ્કૂલ જવુ હોય કે નોકરી જવુ હોય આ જ નદીમાઁથી પાર થઈને જવુ પડે છે. નસીબની બલિહારી તો એવી છે કે, ગામમાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય તો ચોમાસાની સીઝનમાં નદી ઓળગી બીજા કિનારે આવેલ સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે જવું પડે છે. પુલના અભાવે અંતિમયાત્રામાં ભારે હાલાકીનો વીડિયો સામે આવ્યો છે.
અનેક વર્ષોથી સ્થાનિકો આ નદી પર પુલ માટે માંગ કરી રહ્યાં છે. નદીના સામે કિનારે સ્મશાન હોવાથી લોકોને નનામી લઈ જવા તેને પાર કરવી જ પડે છે. જેથી નનામી લઈને નદી પાર કરવી ભારે હાલાકી થાય છે. ચોમાસામાં કોઈનું મૃત્યુ થાય તો નદીમાંથી અંતિમયાત્રા કાઢવી પડે છે. કમર સમા પાણીમાંથી મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડવામાં આવે છે.
બળદના સ્થાને મહિલા હળ ખેંચતી હોય તેવો વીડિયો વાયરલ, જુઓ #Narmada #ViralVideo pic.twitter.com/ZipdzC8y5W
— Zee 24 Kalak (@Zee24Kalak) August 6, 2022
તો બીજી તરફ, સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે નર્મદા જિલ્લો હવે વિદેશીઓમાં પણ ચર્ચાતો જિલ્લો બન્યો છે. ત્યારે આ જિલ્લાની વરવી વાસ્તકિતા કંઈક જુદી જ છે. એક તરફ સરદાર પટેલનુ વિરાટ સ્ટેચ્યુ છે, તો બીજી તરફ જિલ્લાના બીજા છેડે એક મહિલા બળદના અભાવે ખુદ તેના સ્થાને હળ ચલાવતી જોવા મળી છે. દેશમાં એક તરફ જ્યાં રાષ્ટ્રપતિ મહિલા છે, ત્યાં ગુજરાતમાં આઆ રીતે ખેતરમાં તનતોડ મહેનત કરવી પડી રહી છે.
નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના બારખાડી ગામમાં બળદના સ્થાને મહિલા હળ ખેંચતી હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જિલ્લાના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં હજી સુધી વિકાસ પહોંચી શક્યો નથી. ટ્રેકટર આ પહાડી વિસ્તાર માં ન જઈ શકે માટે મહિલા એ હળ ખેંચ્યો હોવાની શક્યતા હોવાની વાત પણ વહેતી થઈ છે. જંગલ પહાડ વિસ્તારમાં કોઈ સુવિધા ત્યાં સુધી પહોંચી ન કરતા જાતે કામ કરવું પડે છે. આ ડુંગરાળ વિસ્તારના ગામડાઓ રહેતાં પરિવારો જંગલની જમીનમાં ખેતી કરી ગુજરાન ચલાવે છે. આ ખેડુતો પાસે બળદ કે ટ્રેક્ટરની સુવિધા નહી હોવાથી મહિલાઓથી કામ ચલાવવું પડે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે