ખંભાતમાં ઝેરી ગેસ લીકેજની મોટી દુર્ઘટના; 5 ગામોમાં અસર, લોકોની થઈ રહી છે આ તકલીફો
ખંભાતના કલમસર પાસે આવેલ રોહન ડાઇઝ કેમિકલ ફેકટરીમાં વહેલી સવારે વેસલમાં ભરેલા કલોરો ગેસ બોટમમાંથી ગેસ લીકેજની ઘટના બની હતી. જેને લઈ ભારે અફડાતફડી મચી જવા પામી હતી. ઝેરી ગેસ હવાની સાથે પ્રસરતા આજુબાજુના પાંચ જેટલા ગામોમાં આ ઝેરી ગેસની અસર ફેલાઈ હતી.
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ: ખંભાતમાં આવેલ રોહન ડાઇઝ કેમિકલ કંપનીમાં ઝેરી ગેસ લીકેઝ થતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી. આસપાસના ગામોમાં તેની અસર થતા આરોગ્ય વિભાગની ટીમો પણ દોડતી થઈ હતી અને શાળાઓ પણ છોડી દેવામાં આવી હતી.
ખંભાતના કલમસર પાસે આવેલ રોહન ડાઇઝ કેમિકલ ફેકટરીમાં વહેલી સવારે વેસલમાં ભરેલા કલોરો ગેસ બોટમમાંથી ગેસ લીકેજની ઘટના બની હતી. જેને લઈ ભારે અફડાતફડી મચી જવા પામી હતી. ઝેરી ગેસ હવાની સાથે પ્રસરતા આજુબાજુના પાંચ જેટલા ગામોમાં આ ઝેરી ગેસની અસર ફેલાઈ હતી. જેમાં કલમસર,જેતપૂરા, બાજીપૂરા, પંડોરિયાપૂરા, જહાંગીરપૂરા, સહિતના ગામોમાં ગેસની અસર ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોંમાં બળતરાની ફરિયાદો ઉઠી હતી ગેસની અસર વધતા આજુબાજુના ગામોની શાળાઓમાં પણ બાળકોને છોડી મુકવામાં આવ્યા હતા. બાળકોને પણ આ ઝેરી ગેસની અસર થઈ હતી. જેને લઈ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ઝેરી ગેસ લીકેજ થવાની ઘટનાની જાણ GPCBને થતા પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી અને તેમની ટીમ તેમજ ખંભાત મામલતદારની ટીમ રોહન ડાઇઝ કંપનીમાં દોડી ગઈ છે અને હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ ગ્રામજનોને ઝેરી ગેસની અસર થતા ખંભાત તાલુકા આરોગ્ય વિભાગની ટીમ પણ દરેક ગામમાં પહોંચી ગઈ હતી અને અસરગ્રસ્તોની તપાસ કરી દવા આપી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે રોહન ડાઇઝ કેમિકલ કંપની દ્વારા અવારનવાર ઝેરી ગેસ છોડવામાં આવે છે તેમજ કેમિકલયુક્ત પાણી પણ નજીકની કાંસમાં છોડવામાં આવતા આજુબાજુમાં ખેતરોના પાકને પણ વ્યાપક નુકશાન પહોંચે છે અને ઝેરી ગેસને લઈ લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોંમાં બળતરાની અનેક ફરિયાદો ઊઠે છે. જે અંગે સ્થાનિક ગ્રામજનો દ્વારા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી. માત્ર ક્લોઝર નોટીસ આપીને સંતોષ માનવામા આવે છે જેને લઈ કેમિકલ માફિયા બેફામ બન્યા છે.
તંત્રની મીલીભગતથી જ કેમિકલ માફિયા ઝેરી ગેસ અને કેમિકલયુક્ત પાણી બિન્દાસ છોડી લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યા છે ત્યારે કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કડક પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે