રાજકોટમાં અઢી મહિનામાં H3N2 ના 25 કેસ!, પણ RMC ના ચોપડે ‘મીંડું’

H3N2 Virus Cases In Rajkot : ખાનગી લેબોરેટરીમાં આવતા સેમ્પલના 20 ટકા પોઝિટિવ રિપોર્ટ... સિવિલ હોસ્પિટલમાં સુવિધા પણ ટેસ્ટ માટે સેમ્પલ ગાંધીનગર મોકલે છે

રાજકોટમાં અઢી મહિનામાં H3N2 ના 25 કેસ!, પણ RMC ના ચોપડે ‘મીંડું’

H3N2 Virus ગૌરવ દવે/રાજકોટ : કોરોનાનો ખતરો હજુ સંપૂર્ણ રીતે ટળ્યો નથી ત્યાં એચ3એન2 નામના વાયરસે તરખાટ મચાવવાનું શરૂ કરી દેતાં લોકોમાં ગજબનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે રાજકોટમાં અઢી મહિનાની અંદર એચ3એન2 વાયરસના 25 જેટલા કેસ નોંધાઈ ગયા હોવાનું લેબોરેટરી સંચાલકો કહી રહ્યા છે. જોકે રાજકોટ મનપાના ચોપડે એક પણ કેસ સત્તાવાર રીતે નોંધાયો નથી. સાથે સાથે ચિંતાની વાત એ છે કે આ રોગની સાથે સાથે સ્વાઈન ફ્લૂ અને કોરોના કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં તાવ, શરદી, ઉધરસ જેવા રોગના વાહરા ચાલી રહ્યા છે. ઘરે ઘરે માંદગીના ખાટલા છે તો બીજી તરફ ફરી એક વખત કોરોનાના કેસમાં જંગી વધારો થયો છે. 15 દિવસમાં 23 કેસ કોરોનાના નોંધાયા છે. એટલું જ નહીં H3N2 વાયરસના પણ અઢી મહિનામાં 25 કેસ નોંધાયા હોવાના ખાનગી લેબોરેટરીના સંચાલકો દાવો કરી રહ્યા છે. જોકે નવાઈની વાત તો એ છે કે, રાજકોટ મનપાના ચોપડે H3N2નો એક પણ કેસ નોંધાયો ન હોવાનું આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીનું કહેવું છે. રાજકોટ મનપાના આરોગ્ય અધિકારીએ આંકડાની માયાજાળને લઈને લૂલો બચાવ કરતા કહ્યું હતું કે, સરકારની ગાઈડ લાઇન મુજબ C કેટેગરીના દર્દીઓના જ H3N2ના ટેસ્ટ કરવામાં આવે છે. જે રાજકોટની ખાનગી પાંચ લેબોરેટરીમાં જ થાય છે. ખાનગી લેબોરેટરી આ ટેસ્ટના આંકડા રાજકોટ મનપાની આરોગ્ય વિભાગને મોકલતી નથી. 

તો બીજી તરફ લેબોરેટરીના સંચાલક ડો. મોનિલ ઠકરારે જણાવ્યું હતું કે, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને 15 માર્ચ સુધીમાં શહેરની એકમાત્ર ગ્રીનક્રોસ લેબોરેટરીમાં એચ3એન2 સહિતના ફ્લૂ સંબંધિત 120 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાંથી 20% મતલબ કે 25 જેટલા સેમ્પલનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ ઉપરાંત કુલ 120માંથી પાંચ ટકા જેટલા દર્દીઓનો સ્વાઈન ફ્લૂ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જ્યારે માઈક્રો બાયોલોજી ડો. જય પરીખે કહ્યું હતું કે, સેમ્પલ લેવામાં આવ્યા છે તે 120માંથી 50% મતલબ કે 60 જેટલા દર્દીઓના સેમ્પલનું કલેક્શન હોસ્પિટલમાંથી કરવામાં આવ્યું છે એટલે એમ કહી શકાય તે આ 60 દર્દીઓના સેમ્પલ હોસ્પિટલના બીછાનેથી લેવાયા છે. જે દર્દીઓના સેમ્પલ લેવાયા છે અને જેમના એચ3એન2 રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે તેમાં યુવાનો અને આધેડ વયના દર્દી વધુ જોવા મળ્યા છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના માઈક્રો બાયોલોજી વિભાગમાં આ વાયરસનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે પરંતુ ત્યાં પણ સેમ્પલ લઈને ગાંધીનગર મોકલવામાં આવી રહ્યું છે. H3N2 વાયરસના કેસ આવે છે તો કેમ રાજકોટ મનપા આંકડા છુપાવવામાં લાગી છે તે મોટો સવાલ છે. રોગચાળો વકર્યો છે તો તે તંત્રની નિષ્ફળતા સ્પષ્ટ રીતે આંખે ઉડગી સામે આવે છે. રાજકોટ મનપાનું કામ રોગચાળા સામે લોકોનું રક્ષણ આપવાનું છે જેને બદલે અહીં તો રાજકોટ મનપા રોગચાળાના ખરા આંકડા કેમ સામે ન આવે તે કરવામાં મસ્ત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news