અમેરિકામાં જવાની ઘેલછામાં 3 ગુજરાતી પરિવારોનું અસ્તિત્વ ભૂંસાયું, અત્યાર સુધી 9 ના મોત
Gujarati In America : કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશતી વખતે મૃત્યુને ભેટતા લોકોના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. અગાઉ અમેરિકામાં ઘૂસવાની હોડમાં અનેક પરિવારોનું અસ્તિત્વ ભૂંસાઈ ચૂક્યું છે
Trending Photos
Illegal immigration In America : અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસવાનો પ્રયાસ ગુજરાતના વધુ એક પરિવાર માટે જીવલેણ સાબિત થયો છે. મહેસાણાના વિજાપુરના ચૌધરી પરિવારના ચાર સભ્યો કેનેડાથી બોટમાં અમેરિકામાં ઘૂસી રહ્યા હતા, ત્યારે ખરાબ હવામાને દગો આપી દીધો, બોટ પલટી ગઈ, તેની સાથે જ આ ચાર સહિત આઠ જિંદગીઓ નદીના પાણીમાં હંમેશ માટે ડૂબી ગઈ. પરંતુ ચોંકાવનારી હકીકત તો એ છે કે, અમેરિકા જવાની લ્હાયમાં મોતને ભેટનાર આ એકમાત્ર પરિવાર નથી. ગુજરાતમાં એક જ વર્ષમાં અમેરિકામાં ઘૂસણખોરીક રતા ત્રણ ગુજરાતી પરિવારોના 9 સભ્યોના મોત નિપજ્યા છે. આ પહેલા ડીંગુચાના ચાર સભ્યો બરફમાં થીજી ગયા હતા. તો કલોલના બ્રીજ યાદવનું વોલ કૂદતા મોત નિપજ્યું છે.
મહેસાણાના વિજાપુરનો ચૌધરી પરિવાર કેનેડા ફરવા માટે ગયો હતો, જો કે ત્યાંથી આ પરિવારે કોઈ રીતે અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાનો પ્રયત્ન કર્યો.
આ માટે તેમણે અમેરિકા અને કેનેડાની સરહદ પાસેથી થઈને વહેતી સેન્ટ લોરેન્સ નદીનો ઉપયોગ કર્યો. ચૌધરી પરિવારના ચાર સભ્યો સહિત બોટમાં આઠ લોકો સવાર હતા. આ બોટ કેનેડાથી અમેરિકા તરફ આવી જ રહી હતી, ત્યારે બુધવારે રાત્રે અચાનક હવામાન ખરાબ થયું, પવન અને વરસાદ વચ્ચે ફસાઈ જતા બોટ નદીમાં પલટી ગઈ. આ અકસ્માતમાં બોટમાં સવાર આઠેય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. મૃતકોમાં ચૌધરી પ્રવીણભાઈ વેલજીભાઈ, તેમના પત્ની દક્ષાબેન, દંપતીની 23 વર્ષની દિકરી વિધિ અને 20 વર્ષના પુત્ર મીતનો સમાવેશ થાય છે. અન્ય ચાર મૃતકો રોમાનિયાના હોવાની પુષ્ટિ કરાઈ છે.
બે પરિવારના આઠ લોકો જે હોડીમાં સવાર હતા તે હોડી ઘણી નાની હતી, તેમાં આઠ લોકો સવાર થઈ શકે તેમ નહતા, જેના કારણે બોટ નદીમાં પલટી ગઈ હોવાનું પણ એક તારણ છે. બોટમાં કોઈ ખામી સર્જાઈ હોવાની પણ પોલીસે શક્યતા દર્શાવી છે. અમેરિકાની પોલીસે હેલિકોપ્ટર અને બોટની મદદથી નદીમાં સર્ચ ઓપેરશન ચલાવ્યું હતું.
મૃતક ગુજરાતી પરિવાર મહેસાણાના વીજાપુર તાલુકાના ડાભલા માણેકપુર ગામનો વતની હતો. મૂળ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો આ પરિવાર બે મહિના પહેલા કેનેડા ગયો હતો, જ્યાંથી અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસતા આ દુર્ઘટના ઘટી. પરિવારને સમાચારના માધ્યમથી આ બાબતની જાણ થઈ હતી.
ચાર સભ્યોને ગુમાવનાર ચૌધરી પરિવાર આઘાતમાં છે, ગામમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકોના પરિવારજનોની માગ છે કે સરકાર તેમના સ્વજનોના મૃતદેહ સ્વદેશ લાવવામાં મદદ કરે, જેથી વતનમાં તેમના અંતિમ સંસ્કાર કરી શકાય. મૃતકોના સ્વજનો એ વાતનો ઈન્કાર કરે છે કે તેમના પરિવારજનો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશતા હતા. જો કે શોકગ્રસ્ત પરિવારને દિલાસો આપવા પહોંચેલા સહકારી ક્ષેત્રના આગેવાન વિપુલ ચૌધરીનો અલગ મત છે. તેમણે આ કિસ્સાને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસતા લોકો માટે લાલ બત્તી સમાન ગણાવ્યો છે.
અમેરિકા જવા માટેની ઘેલછાનું કારણ સારી કમાણી અને સારી જિંદગી હોય છે, જો કે આ કારણો પૂરતા નથી. સામાજિક કારણોસર પણ લોકોમાં વિદેશ જવાની હોડ મચી છે. કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશતી વખતે મૃત્યુને ભેટતા લોકોના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. અગાઉ અમેરિકામાં ઘૂસવાની હોડમાં અનેક પરિવારોનું અસ્તિત્વ ભૂંસાઈ ચૂક્યું છે.
ત્રણ મહિના પહેલા જ ગાંધીનગરના કલોલમાં રહેતા પરિવારના એક સભ્યએ અમેરિકામાં ઘૂસતી વખતે જીવ ગુમાવ્યો હતો. ત્રણ વર્ષના પુત્ર સાથે દંપતી જ્યારે મેક્સિકોથી અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશી રહ્યું હતું, ત્યારે તેઓ ટ્રમ્પ વોલ તરીકે ઓળખાતી 30 ફૂટ ઊંચી દીવાલ પરથી નીચે પટકાયા હતા, જેમાં બ્રિજકુમારનું મૃત્યુ થયું હતું. જ્યારે તેમના પત્ની અને પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી. નવાઈની વાત એ છે કે આ પરિવારે ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે એજન્ટને સવા કરોડ રૂપિયા આપ્યા હતા.
ડિંગુચા પરિવારનું મોત
2022માં જ કેનેડાની સરહદેથી અમેરિકામાં પ્રવેશતી વખતે કલોલ તાલુકાના ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોએ જીવ ગુમાવ્યા હતા. માઈનસ 35 ડિગ્રી ઠંડીમાં થીજી જતાં દંપતી અને બે બાળકો મોતને ભેટ્યા હતા.
આ તમામ બનાવ દેખાડે છે કે અમેરિકા જવાની હોડ કઈ હદે ચાલી રહી છે. આ તો ફક્ત ભારતીયોના કિસ્સા છે, અન્ય દેશોના લોકો પણ અમરિકામાં ઘૂસવાની ફિરાકમાં જીવલેણ ભૂલો કરતા હોય છે. સારી જિંદગીની લાલચમાં જિંદગી ગુમાવતા લોકોના કિસ્સા એ તમામ માટે લાલ બત્તી સમાન છે, જેઓ આવી જ ભૂલ કરવાનું આયોજન કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે