પ્રાઇવેટ સ્કૂલોની મનમાની વચ્ચે સરકારી શાળાના ટેલેન્ટનો ઉત્તમ નવો, શરૂ કરી ડિજિટલ ફરતી શાળા
શિક્ષક દીપકભાઈ શિક્ષણ રથનો વિચાર આવતાં તેમણે પોતાની કારમાં કન્ટેન્ટ સંગ્રહિત લેપટોપ દ્વારા સંચાલિત ૪૨ ઇંચનું એલસીડી ટીવી યુનિટ ફિટ કરીને હરતી - ફરતી ડિજિટલ શાળા બનાવી હતી .
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર, ભૂજ: કોરોના મહામારીના સમયગાળામાં શાળા - કોલેજોમાં શૈક્ષણિક કાર્યો બંધ છે , ત્યારે માંડવી તાલુકાના મસ્કા ગામના શિક્ષકને બાળકોને તેમના ઘરે જઈને શિક્ષણ આપવું તેવો વિચાર આવ્યો અને તેમણે રાજયની પ્રથમ હરતી - ફરતી ડિજિટલ શાળા બનાવીને વિચારને મૂર્તિમંત કર્યો હતો . જેનો પ્રારંભ બાગ ગામની હુંદરાઇબાગ પ્રાથમિક શાળાએથી કરવામાં આવ્યો હતો.
હુંદરાઇ બાગ ગામે શિક્ષણ રથનો પ્રારંભ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવ્યો હતો. મસ્કાના રહેવાસી તથા બાગની હુંદરાઇબાગ પ્રાથમિક શાળાના શિક્ષક દીપકભાઈ મોતાને શિક્ષણ રથનો વિચાર આવતાં તેમણે પોતાની કારમાં કન્ટેન્ટ સંગ્રહિત લેપટોપ દ્વારા સંચાલિત ૪૨ ઇંચનું એલસીડી ટીવી યુનિટ ફિટ કરીને હરતી - ફરતી ડિજિટલ શાળા બનાવી હતી . જેના દ્વારા બાળકોને ઘર આંગણે જઈને ઇલેકટ્રોનિક માધ્યમથી અભ્યાસ કરાવી શકાય છે.
વર્તમાન કોરોનાની મહામારીના સમયમાં વિદ્યાર્થીઓ શાળાએ જઇ શક્તા નથી. સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષા ભલે ચાલુ કરાયું હોય પણ ઘણા એવા અંતરિયાળ વિસ્તારો છે, જ્યાં નેટવર્ક અને વીજળીનો અભાવ છે, તથા વિદ્યાર્થીઓના વાલીઓ પાસે એન્ડ્રોઇડ ફોન પણ નથી. અને જે વાલીઓ પાસે એન્ડ્રોઇડ ફોનની સુવિધા ઉપલબ્ધ હોય, એવા મોટાભાગના વાલીઓ વહેલી સવારે ધંધાર્થે નીકળી જાય અને મોડી સાંજે ઘરે આવે ત્યારે લેશન થાય કે ન થાય એવી ઘણી સમસ્યાઓ રહેતી હોય છે.
ત્યારે આવી વિડંબના ભરી પરિસ્થિતિમાંથી નજીકના વિસ્તારની શાળાઓના વિદ્યાર્થી સહિત તાલુકાના વિદ્યાર્થીઓને આ સેવાનો લાભ મળે તે હેતુસર શરૂ કરાયેલી ડિજિટલ શાળા અભિનંદનીય છે, તેવો મત વિવિધ વાલીઓ દ્વારા વ્યક્ત કરાયો હતો.બાળકો શાળામાં નથી જઇ શકતા પણ શાળા તો બાળકો પાસે જઈ શકે એ ઉદ્દેશ્ય સાથે કરાયેલા આ કામ ને શિક્ષણ વિભાગે પણ બિરદાવ્યું હતું.
પૂર્વ જિલ્લા શિક્ષણ કેળવણી નિરીક્ષક, પ્રિન્સિપાલ ભરત મહેતાએ કહ્યું હતું કે શિક્ષણ રથએ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોમાં રહેલા ટેલેન્ટનો પુરાવો છે. તો આ શિક્ષણ રથ ના દાતા જેઠાલાલ મોતા પરિવારે પણ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે