ગુજરાતનો આ જિલ્લો બન્યું ખૂંખાર દીપડાઓ માટે અભયારણ્ય! એક વર્ષમાં આશરે 30 દીપડા પાંજરે પૂરાયા
નવસારી જિલ્લામાં નદીની કોતરો, શેરડીના ખેતરો, આંબા અને ચીકુ વાડીઓ બિલાડીના કુળનું હિંસક પ્રાણી દીપડાને માફક આવી રહ્યા છે. જેથી ચાલાક દીપડો નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં સરળતાથી જોવા મળી રહ્યો છે.
Trending Photos
ધવલ પરીખ/નવસારી: નવસારી જિલ્લો દીપડાઓ માટેનું અભયારણ્ય બની રહ્યો છે. સમાન્ય રીતે જંગલ વિસ્તારમાં દેખાતા દીપડાઓ હવે શેરડીના ખેતરોને પોતાનું ઘર બનાવતા થયા છે, હાલમાં શેરડીની કાપણી શરૂ થતા જ દીપડાઓ શહેર અને ગામડાઓના રહેણાંક વિસ્તારો નજીક આવી ચઢતા લોકોમાં ભયનો માહોલ છે. વન વિભાગે છેલ્લા એક વર્ષમાં અંદાજે 30 દીપડાઓને પાંજરે પૂર્યા છે, પરંતુ હજી પણ ગામડાઓમાં દીપડાના આંટાફેરા લોકોના ધબકારા વધારી દે છે. ત્યારે હવે લોકોએ દીપડાઓ સાથે જ રહેતા શીખવું પડશે.
નવસારી જિલ્લામાં નદીની કોતરો, શેરડીના ખેતરો, આંબા અને ચીકુ વાડીઓ બિલાડીના કુળનું હિંસક પ્રાણી દીપડાને માફક આવી રહ્યા છે. જેથી ચાલાક દીપડો નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં સરળતાથી જોવા મળી રહ્યો છે. નવસારી જિલ્લામાં શેરડી મોટા પ્રમાણમાં થાય છે, જેની સાથે જ બાગાયતી પાકોનો પણ મોટો વિસ્તાર છે. જેને કારણે નવસારીમાં સતત દીપડાઓની સંખ્યામાં વધારો થયો છે. હાલમાં શેરડીની કાપણી શરૂ થતા નવસારીના પૂર્વ પટ્ટીના ગામડાઓ સાથે ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકામાં રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરા વધી ગયા છે. સોસાયટી અને ઘરની બહાર લગાવવામાં આવેલા CCTV કેમેરામાં દીપડાઓ કેદ થયા છે. સાથે જ રાત્રી દરમિયાન ગામડાઓના રસ્તાઓ ઉપર આવી ચઢતા દીપડાઓ લોકોના મોબાઈલ કેમેરામાં પણ કંડારાઈ જાય છે.
ગત મહિનાઓમાં દીપડાએ નવસારીના ચીખલીના સાદકપોરમાં એક યુવતી ઉપર હુમલો કરી તેનો જીવ લીધો હતો. જ્યારે વાંસદા તાલુકામાં પણ બે બાળકી તથા એક યુવાનને ઘાયલ કર્યા હતા. દીપડાઓ ગામડાઓ અને ખેતરમાં દિવસના પણ જોવા મળી જતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે. મજૂરો ખેતરમાં પણ જતા ડરી રહ્યા છે, રાત્રે પાણી છોડવા જવાનું પણ ખેડૂતો ટાળી દે છે. ત્યારે ગામડાઓમાં લોકોએ હવે દીપડાઓ સાથે રહેતા શીખવું પડે એવી સ્થિતિ બની છે. ત્યારે ગ્રામીણો દીપડાઓ સાથે કેવી રીતે રહેવું એના માટે જાગરૂકતાના કાર્યક્રમો યોજે એવી લાગણી પણ વ્યક્ત કરી રહ્યા છે.
નવસારી જિલ્લામાં સમાજિક વનીકરણ વિભાગ ત્રણ તાલુકા અને ટેરીટોરિયલ વન વિભાગ ત્રણ તાલુકાઓમાં કાર્યરત છે. જેમાં સુપા રેન્જ, ગણદેવી રેન્જ, ચીખલી રેન્જ અને વાંસદામાં પૂર્વ અને પશ્ચિમ રેન્જ હેઠળ દીપડાને પકડવા માટેની કાર્યવાહી થતી હોય છે. ગત એક વર્ષની વાત કરીએ તો જિલ્લામાં અંદાજે 30 જેટલા દીપડાઓ વન વિભાગના પાંજરે પુરાયા હતા. દીપડાઓની ગતિવિધિઓ ઉપર ધ્યાન રાખવા વન વિભાગ ટ્રેપ કેમેરા પણ ગોઠવે છે, સાથે જ પકડાયેલા દીપડાના પુછડામાં ઇલેક્ટ્રોનિક ચીપ લગાવવામાં આવે છે. ગામડાઓમાં દીપડાના આંટાફેરાની માહિતી મળતાં જ વન વિભાગ દ્વારા સ્થળ તપાસ કરી, સર્વે કર્યા બાદ પાંજરા ગોઠવવામાં આવે છે.
ચીખલી રેન્જમાં 80 ગામડાઓમાંથી હાલ ચીખલીના ફડવેલ, રાનવેરીકલ્લા, સાદકપોર, વાંઝણા તેમજ ખેરગામના સરસીયા ગામે પાંજરા ગોઠવવામાં આવ્યા છે. સાથે જ ગ્રામસભા તેમજ લોકોને ભેગા કરીને જાગરૂકતા કાર્યક્રમ પણ કરવામાં આવતા હોય છે. નવસારી જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ ચાલક દીપડાઓને અનુકૂળ આવી ગઈ છે, ત્યારે નવસારીજનોએ હિંસક, પરંતુ ચાલક દીપડાઓ સાથે કેવી રીતે રહેવું એ શીખવાની જરૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે