ગુજરાતીઓ પેટ્રોલનો કકળાટ મુકી દો! આમ જ ચાલ્યું તો પાણી 1000 રૂપિયે લીટર મળશે
Trending Photos
ભુજ : તાલુકાના રુદ્રમાતા ડેમ ખાતે જે જિલ્લાનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે. આ ડેમના પાણીનો ખેતી માટે આસપાસના ચાર ગામો ઉપયોગ કરે છે તો પીવાનું પાણી સરહદીય બન્ની વિસ્તાર સુધી પહોંચે છે. પાણી તળિયે હોતાં આસપાસના ગામોના ખેડૂતો ચિંતિત થયા છે ત્યારે અનેક વખત વાયદા કર્યા બાદ હવે પરિસ્થિતિ વિકટ બનતા ડેમને નર્મદાના નીરથી ભરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ ઉઠાવી છે.
કચ્છ સિંચાઈ વર્તુળમાંથી મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લામાં મધ્યમ સિંચાઇ યોજનાના 20 ડેમો પૈકી ટપ્પર ડેમ છે તે ગેટેડ સ્કીમ છે અને તે પાણી પુરવઠા હસ્તકનો છે. જ્યારે બાકીના 19 ડેમો અનગેટેડ સ્કીમ છે.હાલ મધ્યમ સિંચાઇ યોજના અંતર્ગતના ડેમમાં પાણીની પરિસ્થતિની વાત કરવામાં આવે તો હાલ કચ્છના ડેમોમાં 23.60 ટકા જેટલું પાણી ઉપલબ્ધ છે. કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં 1, લખપત તાલુકામાં 4, રાપર તાલુકામાં 2, ભુજ તાલુકામાં 3, અબડાસા તાલુકામાં 4, નખત્રાણા તાલુકામાં 3, મુંદ્રા તાલુકામાં 2 અને માંડવી તાલુકામાં 1 મળીને કુલ 20 મધ્યમ સિંચાઇ યોજનાના ડેમ આવેલા છે.
હાલ કચ્છના 20 મધ્યમ સિંચાઇ યોજનાના ડેમમાં વર્તમાન સપાટીનું લેવલ કુલ 959.59 મીટર છે. જેમાંથી આલેખન કરેલ કુલ સંગ્રહ 332.27 મિલિયન ક્યુબિક મીટર છે અને વર્તમાનમાં કુલ 78.430 મિલિયન ક્યુબિક મીટરનો સંગ્રહ છે. આ વર્ષે માર્ચ મહિનામાં ગરમીની શરૂઆતથી જ વારંવાર હીટ વેવના કારણે અતિશય ગરમીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. તો ગત વર્ષે ચોમાસામાં અનિયમિત વરસાદના કારણે જિલ્લાના મુખ્ય તળાવો અને ડેમમાં પણ સારી માત્રામાં નીર આવ્યા નથી. હજુ એપ્રિલ અને મે મહિનામાં ગરમી વધશે ત્યારે અત્યારથી જ જિલ્લાના ડેમમાં પાણી તળિયે પહોંચ્યો છે.
હાલ પાણીની અછતના કારણે ખેડૂતોને ખેતી કરવા માટે પૂરતું પાણી મળી રહ્યું નથી. આ વિસ્તારમાં જમીનની ગુણવત્તા સારી હોતા ઉત્તમ ક્વોલિટીના ઘઉં અને રાયડો જેવા પાક થાય છે પણ પાણી ન હોતાં ખેડૂતોના પાક નષ્ટ થઈ રહ્યા છે. જન પ્રતિનિધિઓએ વખતોવખત આ ડેમને નર્મદાના પાણીથી ભરવાની ખાતરી આપી છે પણ હજુ સુધી તે દિશામાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. સરકાર દ્વારા આ વર્ષે સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત આ ડેમનું ખાનેત્રું કરવાની શરૂઆત કરી છે પણ ખેડૂતોનું કહેવું છે કે આસપાસના ગામોના ખેડૂતો, પશુપાલકો અને અન્ય લોકો માટે પાણી ભરાવવું અત્યંત જરૂરી છે.
ડેમમાં તળિયા ઝાટક પાણી અંગે વાતચીત કરતા ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાના પ્રમુખ શિવજીભાઈ બરાડિયાએ જણાવ્યું હતું કે, સરહદી જિલ્લા કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ જુદી છે. પાણી ની સ્થિતિ વરસાદ આધારિત છે અને છેલ્લા 4- 5 વર્ષોથી જોઈએ તેટલો વરસાદ પડતો ના હોવાથી ડેમમાં પણ પાણી પૂરું આવતું નથી.કચ્છના મોટા મોટા ડેમો તળિયા ઝાટક થઈ ગયા છે અને ખેડૂતો કોઈ પણ પાક વાવી શકે તેવી પરિસ્થતિમાં નથી. ખેડૂતો 1000 ફૂટ ઊંડા બોરવેલ બનાવીને પાણી ખેંચી રહ્યા છે. 3000થી 4000 tds ના પાણી થઇ ગયા.
જો નર્મદાનું વધારાનું પાણી કચ્છને મળે તો જ કચ્છના ખેડૂતો ટકી શકશે અને સરહદ ટકી શકશે.કચ્છમાં માટે ભાગે માલધારીઓ પણ વસે છે તેઓ પણ પાણીના અભાવે મોટાભાગે હિજરત કરી રહ્યા છે.પીવાના પાણી માટે પણ વલખાં મારી રહ્યા છે.પીવાના પાણી માટે રોજનું 280 MLD પાણી જોઈએ છે તેની સામે માત્ર 140 MLD જ પાણી મળે છે. જો તાત્કાલિક કચ્છને પાણી પહોંચાડવામાં આવે તો જ કચ્છ બચશે અને કચ્છની સરહદ બચશે માટે સરકારે આ બાબતે તાત્કાલિક ધોરણે વિચાર કરીને પગલાં લેવા જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે