રાજ્યમાં 22 ઓક્ટોબરથી 5 જાન્યુઆરી સુધી યોજાશે રાજ્યવ્યાપી સેવાસેતુ કાર્યક્રમ, મુખ્યમંત્રીની જાહેરાત
મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર સેવાસેતુ કાર્યક્રમના સાતમા તબક્કામાં દર અઠવાડિયે બે દિવસ એટલે કે શુક્ર અને શનિવારે સવારે-૯ થી સાંજે પ વાગ્યા સુધી સેવાસેતુનું આયોજન કરાશે.
Trending Photos
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકો-લોકોની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલ-નિવારણની ગતિને વધુ પારદર્શી અને વેગવંતી બનાવવા રાજ્યવ્યાપી સેવાસેતુ કાર્યક્રમનો સાતમો તબક્કો યોજવાનો જનહિત નિર્ણય કર્યો છે. રાજ્યમાં આ અંતર્ગત તા. ૨૨ ઓકટોબર-ર૦ર૧ થી પ જાન્યુઆરી-ર૦રર સુધીમાં રપ૦૦ સેવાસેતુ કાર્યક્રમો યોજાશે.
મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર સેવાસેતુ કાર્યક્રમના સાતમા તબક્કામાં દર અઠવાડિયે બે દિવસ એટલે કે શુક્ર અને શનિવારે સવારે-૯ થી સાંજે પ વાગ્યા સુધી સેવાસેતુનું આયોજન કરાશે. આ સેવાસેતુમાં રાજ્ય સરકારના જુદા જુદા ૧૩ વિભાગોની પ૬ જેટલી સેવાઓ કેમ્પ દરમ્યાન પૂરી પાડવામાં આવશે.
આવા સેવાસેતુ કાર્યક્રમ માટે ગ્રામ્ય કક્ષાએ ૬ થી ૮ ગામો વચ્ચે એક કેમ્પ તેમજ શહેરી વિસ્તારોમાં મહાનગરોમાં આ સમયગાળામાં ૪ થી ૧૦ સેવાસેતુ તથા નગરપાલિકા વિસ્તારોમાં ૪ થી પ વોર્ડનું એક યુનિટ બનાવીને તમામ નગરપાલિકાઓમાં ર થી ૩ સેવાસેતુ કાર્યક્રમો યોજવાનું આયોજન છે.
સેવાસેતુ યોજાશે તે કાર્યક્રમ સ્થળે રાજ્ય સરકાર નોટરી, ઝેરોક્ષ, કોમ્પ્યુટર્સ, પ્રિન્ટર્સ, ફોટોગ્રાફી જેવી જરૂરી સુવિધાઓ મળી શકે તેવી વ્યવસ્થાઓ ગોઠવશે. એટલું જ નહિ, સિનીયર સિટીઝન્સ અને દિવ્યાંગ અરજદારો-રજુઆત કર્તાઓ માટે અલાયદી યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારથી જ વહીવટમાં કાર્યક્ષમતા, સંવેદનશીલતા અને જવાબદારીપણાને સરકારના હાર્દરૂપ ગણ્યા છે. તેમણે અવાર-નવાર પોતાના જાહેર કાર્યક્રમોમાં એવી નેમ પણ વ્યકત કરેલી છે કે સામાન્ય-અદના માનવીને ઓછામાં ઓછી તકલીફ પડે, સરળતાએ યોજનાકીય લાભ મળે તે સરકારની પ્રાથમિકતા છે.
મુખ્યમંત્રીએ આ નેમને સાકાર કરવાના જનહિત અભિગમથી સેવાસેતુના આ સાતમા તબક્કાનો પ્રારંભ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ તથા અન્ય પદાધિકારીઓને પણ આ સેવાસેતુ કાર્યક્રમમાં સહભાગી થવા પ્રેરિત કર્યા છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સેવાસેતુના ૬ સફળ તબક્કાઓના આયોજનથી ર.૩૦ કરોડ લોકોને ઘર આંગણે વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે