નવસારીના આદિવાસીઓને વર્ષોથી પરેશાન કરતી ઘાતક બિમારીનો ઉકેલ હવે હાથવેંતમાં
Trending Photos
નવસારી : જિલ્લાના આદિવાસી તાલુકાઓમાં સિકલસેલ એનિમિયાની આનુવંશિક બીમારીને અટકાવવાના પ્રયાસો થયા છે. જેમાં છેલ્લા 5 વર્ષોમાં ચાલવાયેલા અભિયાનને કારણે સિકલસેલ એનિમિયાના દર્દીઓમાં અંદાજે 70 ટકા ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે આજે વિશ્વ સિકલસેલ દિવસે નવસારીમાં ધોડિયા સમાજ દ્વારા સિકલસેલ ઉપર કેમ્પ યોજી દર્દીઓને નિઃશુલ્ક દવા તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
નવસારી આદિવાસી જિલ્લો છે અને અહીંના આદિવાસીઓમાં સિકલસેલ એનિમિયાની આનુવંશિક બીમારી વર્ષોથી ઘર કરી ગઈ હોય એવી સ્થિતિ હતી. જેને કારણે આદિવાસીઓમાં સિકલસેલને લઈ જાગૃતિ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને લગ્ન સમયે યુવક-યુવતીનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સિકલસેલ એનિમિયાના દર્દીઓ ઘટાડવા માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પરંતુ શહેરી વિસ્તરમાં પણ આદિવાસી સમાજમાં જાગરૂકતા લાવવાના પ્રયાસ રૂપે કેમ્પ કરવામાં આવે છે. ત્યારે આજે નવસારી ધોડિયા સમાજ દ્વારા તેમની નવનિર્મિત વાડીમાં વિશ્વ સિકલસેલ દિવસ અવસરે વિવિધ ડૉક્ટરોની ટીમ સાથે સિકલસેલ તપાસ તેમજ નિઃશુલ્ક દવા વિતરણ સાથેનો કેમ્પ યોજ્યો હતો.
આ કેમ્પમાં 60 લાભાર્થીઓના લોહીની તપાસ કરવામાં આવી હતી. સાથે જ દર્દીઓનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યુ હતું. નવસારીના વિજલપોરના વિરૂ પટેલના દિકરા અને દિકરી બંને સિકલસેલની બીમારીથી ગ્રસિત છે. 10 વર્ષના દિકરાને બે વાર લોહી આપવા પડ્યું હતુ. પરંતુ સિકલસેલ પ્રત્યે આવેલી જાગૃકતાને કારણે હાલમાં બંને બાળકો સ્વસ્થ છે. સિકલસેલ એનિમિયાની આનુવંશિક બીમારીને અટકાવવા માટે નવસારી આરોગ્ય વિભાગ દ્વારા વર્ષોથી પ્રયાસો થઈ રહ્યા છે. આનુવંશિક બીમારી હોવાથી લગ્ન પહેલા જ યુવક-યુવતીનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને લગ્ન બાદ પણ દંપતીને સમજાવવમાં આવે છે. જેથી આવનારા બાળકમાં સિકલસેલની બીમારી ન આવે. સાથે જ દર વર્ષે લાખો લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવે છે. જેમાંથી 10 વર્ષોમાં દર વર્ષે નવા 150 ની નીચે સિકલસેલ દર્દીઓ મળતા હતા. પરંતુ છેલ્લા 5 વર્ષોમાં લોકોમાં આવેલી જારૂકતાને કારણે ઘણો ઘટાડો આવ્યો છે.
જેમાં વાહક દર્દીઓમાં પણ ગત બે વર્ષોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આ વર્ષે પણ નવસારીમાં 31 હજારથી વધુનું સિકલસેલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ હતું. જેમાંથી ફક્ત 13 દર્દીઓ મલ્યા, જ્યારે 560 વાહક દર્દીઓ જણાયા હતા. જે પાછલા વર્ષોની સરખામણીમાં લગભગ 50 થી 70 ટકા ઓછા થયા છે. ઉલ્લેખનિય છે કે, ચીખલી તાલુકાના રૂમલા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સિકલસેલ એનિમિયાનો અલાયદો વિભાગ બનાવવામાં આવ્યો છે. જેને પરિણામે જિલ્લાના આદિવાસી વિસ્તારના સિકલસેલના દર્દી અને વાહક દર્દીઓને સમયસર સારવાર મળતી થઈ છે. લોહીના લાલ રક્તકણો દાંતરડા જેવા થવાને કારણે લોહીના વિકારને કારણે ઉદ્દભવતી સિકલસેલ એનિમિયાની બીમારીને લોક જાગૃતિ સાથે જ સામાજિક અને આરોગ્ય વિભાગના સહિયારા પ્રયાસથી જ અટકાવી શકાય એમ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે