સુરતમાં કોરોના બ્લાસ્ટ થવા પાછળનું કારણ સામે આવ્યું, આ પ્રકારની ચાલી રહી છે તૈયારી

સુરતમાં કોરોના બ્લાસ્ટ થવા પાછળનું કારણ સામે આવ્યું, આ પ્રકારની ચાલી રહી છે તૈયારી
  • સુરતની વસ્તી ગીચતા અને ઔદ્યોગિક એકમોમાં નિયમ પાલનના અભાવના કારણે કોરોના બ્લાસ્ટ
  • હાલમાં જૈન સંગઠનો દ્વારા ક્વોરન્ટાઇન સેન્ટર અને આઇસોલેશન સેન્ટરની તડામાર તૈયારીઓ ચાલુ
  • બીજા વેવ જેવી સ્થિતિ ન સર્જાય તે માટે આગમચેતીથી સામાજીક સંગઠનોએ કામગીરી અત્યારથી આરંભી

તેજસ મોદી/સુરત : કોરોના સંક્રમણના કેસો અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં નોંધાઈ રહ્યા છે. શહેરમાં વધતા કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાને જોતા હવે કોરોના સંક્રમણની બીજી લહેરની માફક જ શહેરમાં પણ સ્થિતિ વણશે તે પહેલા જ પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોરોના પોઝિટિવ દર્દીઓ માટે આઇસોલેશન સેન્ટર બનાવવા જરૂરી છે. ઘણા એવા પરિવાર છે કે, જેમને આ પ્રકારની સુવિધાની જરૂરિયાત ઊભી થતી હોય છે. કોરોના સંક્રમિત દર્દીઓ અન્ય લોકોને પણ સંક્રમિત કરી શકે તેના માટે અલાયદી વ્યવસ્થા હોય તો સંક્રમણ વધુ ન ફેલાય તેવા આશયથી આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યા છે. 

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા દિવાળી બાગ કોમ્યુનિટી હોલ ખાતે જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન અને જૈન શ્વેતામ્બર મૂર્તીપૂજક યુવા સંઘના સહકારથી કેટલાક યુવાનો દ્વારા 100 બેડનું આઇસોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. જૈન સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે, કોરોના સંક્રમણના પહેલા અને બીજા તબક્કામાં પણ અમારી સંસ્થા દ્વારા કોવિડ કેર આઇસોલેશન સેન્ટર તૈયાર કરાયા હતા. અહીં તમામ પ્રકારની ઓક્સિજન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

કોરોના સંક્રમિત દર્દીના રિપોર્ટ, જરૂર પડે તો ઈંજેક્શન અહીં જ ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. ડોક્ટરોની એક ટીમ દ્વારા સતત તમામ દર્દીઓની તપાસ કરવામાં આવતી રહેશે. અહીં આયુર્વેદિક અને એલોપેથી તમામ પ્રકારની દવાઓ પણ આપવામાં આવશે. કોર્પોરેશનના અધિકારીઓ અને અમારી ટીમ દ્વારા સંકલન કરીને કોરોના સંક્રમિત દર્દીઓ માટેની વ્યવસ્થા ઊભી કરવા માટેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. માત્ર અમારા વિસ્તારમાં નહીં પરંતુ, અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ વિવિધ વિસ્તારોમાં કોવિડ કેર આઇસોલેશન સેન્ટર ઉભા કરવામાં આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news