ગુપચુપ રીતે બંગલામાં ઘુસી દીપડાએ શિકાર પર મારી તરાપ, પછી એવું શું બન્યું કે દીપડો ઊભી પૂંછડીએ ભાગ્યો
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારાના સાંઈ લિલા બંગલોમાં મોડી રાત્રીએ શિકારની શોધમાં દીપિડો ઘુસી આવ્યો હતો. જો કે, બંગલાના પાર્કિંગમાં એક શ્વાન સૂતો હતો. એટલામાં ધીમે ધીમે દીપડો તેની નજીક જાય છે અને શ્વાન પર હુમલો કરી દે છે
Trending Photos
ઉલ્લાસ પટેલ, ડાંગ: રાજ્યમાં અવારનવાર દીપડાના રહેણાંક વિસ્તારમાં ઘુસી આવવાના કિસ્સા સામે આવતા હોય છે. એવામાં સાપુતારાના રહેણાંક વિસ્તારમાં આવેલા એક બંગલામાં મોડી રાત્રે દીપડો ઘુસી આવ્યો હતો અને તેણે શ્વાન પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના બંગલાના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જો કે, રહેણાંક વિસ્તારમાં દીપડો ઘુસી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારાના સાંઈ લિલા બંગલોમાં મોડી રાત્રીએ શિકારની શોધમાં દીપિડો ઘુસી આવ્યો હતો. જો કે, બંગલાના પાર્કિંગમાં એક શ્વાન સૂતો હતો. એટલામાં ધીમે ધીમે દીપડો તેની નજીક જાય છે અને શ્વાન પર હુમલો કરી દે છે. આ અચાનક થયેલા હુમલાનો શ્વાન વળતો જવાબ આપે છે અને દીપડાના પંજામાંથી છૂટી જાય છે. દીપડો શિકાર કરવા શ્વાન પર ફરી હુમલો કરવાનો પ્રયત્ન કરે છે.
પરંતુ એટલામાં જ અવાજ સાંભળીને બંગલાના માલિક ઘરના દરવાજા પાસે આવી પહોંચ્યા. બંગલાના માલિકના આવી જતા દીપડો ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગી જાય છે. જેના કારણે શ્વાનનો આબાદ બચાવ થયો. ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. રહેણાંક વિસ્તારમાં દીપડો ઘુસી આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. તો બીજીતરફ સ્થાનિક રહીશો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ દીપડાના શિકારના લાઈવ દ્રશ્યોનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં વડોદરાના ઇટોલા ગામની સીમમાં શિકારની શોધમાં ઘુસી આવેલા દીપડાએ સસલાનો શિકાર કર્યો હતો અને આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાંથી પસાર થઈ રહેલા એક ખેડૂતે પોતાના મોબાઈલ ફોનમાં કેદ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે