રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓના 5 હજારથી વધુ શિક્ષકોએ પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે ઉગામ્યું આંદોલનનું અસ્ત્ર

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સોશલ મીડિયાના માધ્યમથી રાજ્યવ્યાપી આંદોલનની શરૂઆત કરાઈ. સોશલ મીડિયા પર પોસ્ટ મુકીને શિક્ષકો સરકાર સામે વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે.

રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓના 5 હજારથી વધુ શિક્ષકોએ પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે ઉગામ્યું આંદોલનનું અસ્ત્ર

અતુલ તિવારી, અમદાવાદઃ કોરોના કાળમાં એક તરફ તમામ રોજગાર-ધંધાને માઠી અસર પહોંચી છે. શિક્ષણકાર્ય પણ કોરોનાને કારણે મંદ ગતિએ ચાલી રહ્યું છે. ત્યાં બીજી તરફ સરકારી શાળાના શિક્ષકોએ હવે પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે. ઓનલાઈન એજ્યુકેશન બાદ હવે ઓનલાઈન વિરોધ શરૂ થયો છે!

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સોશલ મીડિયાના માધ્યમથી આંદોલનની શરૂઆત કરાઈ છે. રાજ્યના 5 હજાર કરતા વધુ શિક્ષકોએ સોશલ મીડિયા પર પોસ્ટ મૂકી વિરોધ વ્યક્ત કર્યો. બિનસરકારી અનુદાનિત તથા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પડતર પ્રશ્નો ન ઉકેલાતા, 1 ઓગસ્ટથી સાત દિવસ માટે વિવિધ સોશલ મીડિયામાં વ્યાપક આંદોલન ચલાવવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત રાજ્ય કારોબારી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

બિનસરકારી અનુદાનિત અને સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પ્રશ્નો શિક્ષણ સહાયકોની પાંચ વર્ષની નોકરી, સાતમા પગાર પંચના બાકી હપ્તા, ફાજલના કાયમી રક્ષણનો સુધારા ઠરાવ (પૂનઃ નિયુક્તિ સહિત), હાઈકોર્ટના ચુકાદા બાદ પણ જૂના શિક્ષકની લંબાયેલ ભરતી પ્રક્રિયા, આચાર્યની નિમણૂંક વખતે ઠરાવ મુજબ તમામને એક ઈજાફાનો લાભ, જૂની પેન્શન યોજનાના અમલની માગ કરાઈ રહી છે.

નીતિવિષયક નિર્ણયોમાં શિક્ષણ સહાયકોની બદલી, સહાયકોને ફિક્સ પગારના વધારાનો તફાવત, સુરક્ષાચક્ર તથા અન્ય પ્રશ્નોનો લાંબા સમયથી ઉકેલ ન આવતાં ઉગ્ર વિરોધની મહાસંઘે ચીમકી આપી છે. અગાઉ શિક્ષણમંત્રી, નાયબ મુખ્યમંત્રી તથા મુખ્યમંત્રીને પણ રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ નકકર કાર્યવાહી ન થતાં 7 ઓગસ્ટ સુધી વિવિધ સોશલ મીડિયામાં ઉગ્ર વિરોધ સાથે પડતર પ્રશ્નોના ઉકેલ માટે જલદ આંદોલન કરવાનું આયોજન છે.

વિરોધના ભાગરૂપે શિક્ષકો પોતાની શાળાના બેનર, શાળાના બ્લેક બોર્ડ પર માગણીઓ સંદર્ભે સૂત્રો લખી વિવિધ સોશિયલ મિડીયા જેવા કે ફેસબુક,ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર તથા અન્ય પર અપલોડ કરવા તથા શેર કરવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત (સરકારી તથા બિન સરકારી અનુદાનિત)ની રાજ્ય કારોબારી દ્વારા આહવાન કરાયું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news