ચાલતી કારમાં કોલસેન્ટર ચલાવતા ચાર આરોપીની સાઈબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ

આરોપીઓ અમેરિકન નાગરિકોને કોલ કરીને સોશિયલ સિક્યોરિટી એડમેનીસ્ટ્રીવના નામે પૈસા પડાવતા હતા

ચાલતી કારમાં કોલસેન્ટર ચલાવતા ચાર આરોપીની સાઈબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ

ઉદય રંજન/ અમદાવાદઃ અત્યાર સુધી પોલીસ દ્વારા ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર તો અનેક વખત પકડવામાં આવ્યા છે, પરંતુ હવે એક હરતું-ફરતું કોલ સેન્ટર ઝડપાયું છે. હા, સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચાલતી કારમાં કોલ સેન્ટર ચલાવતા ચાર આરોપીની ધરપકડ કરાઈ છે. આ આરોપીઓ અમેરિકન નાગરિકોને કોલ કરીને સોશિયલ સિક્યોરિટી એડમેનીસ્ટ્રીવના નામે પૈસા પડાવતા હતા.

સાયબર ક્રાઈમ દ્વારા વિદેશમાં થઈ રહેલા કોલ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે, આરોપીઓ પોલીસથી બચવા માટે સમયાંતરે પોતાનું લોકેશન બદલી નાખતા હતા. તેઓ ક્યારેક જાહેર રસ્તા પર બેસીને કોલ કરતા હતા તો ક્યારેક કોઈ ભાડાના મકાનમાં તો ક્યારેક વળી ચાલતી કારમાં કોલ કરતા હતા. તેઓ કોલ કરવા માટે ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હતા. 

પોલીસે અમિત બેંકર, ડોમનિક મોજીસ, કુશલ વ્યાસ અને સોન કુરિયન નામના ચાર યુવકની ધરપકડ કરી છે. આ શખ્સો અમેરિકાના નાગરિકોનો ડેટા મેળવીને ઈન્ટરનેટના માધ્યમથી તેમને કોલ કરતા હતા અને પછી ધાકધમકી આપીને પૈસા પડાવતા હતા. પોલીસથી બચવા માટે તેઓ પોતાનું સ્થળ સતત બદલતા રહેતા હતા. 

પ્રાથમિક તપાસમાં પોલીસને આ કેસમાં વધુ આરોપીઓના નામ પણ જાણવા મળ્યા છે, જે નાગપુરમાં બેસીને આ પ્રકારનું કોલ સેન્ટર ચલાવે છે. પોલીસને આરોપીઓ પાસેથી અમુક ઓડિયો રેકોર્ડિંગ પણ મળી આવ્યા છે જેમાં તેઓ અમેરિકન નાગરિક સાથે વાત કરે છે. પોલીસે આરોપીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news