વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયનાં સંતનાં ચારિત્ર સામે આંગળી ઉઠી, મહિલાને કર્યો Video કોલ...
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટનાં ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરમાં ગઈકાલે મહિલાઓએ હોબાળો મચાવ્યા બાદ નવો ખુલાસો થયો છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરનાં સંત રાજકોટની મહિલાને વીડિયો કોલ અને ફેસબુકમાં મેસેજ કરતા હોવાના સ્ક્રીન શોટ સામે આવ્યા છે. આ કિસ્સામાં વડતાલ સ્વામિનારાયણ મંદિરનાં સંત વિવાદમાં આવ્યા છે. મુંકુંદ સ્વામી સામે મહિલાએ ગંભીર આક્ષેપો કરીને કહ્યું કે, તેઓએ મહિલાને વીડિયો કોલ અને મેસેજ કર્યા છે.
રાજકોટનાં ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર વડતાલ મંદિર હસ્તક આવે છે. ત્યારે આજે અજેન્દ્ર પ્રસાદનાં અનુયાયી મહિલાઓ હરીભક્તો મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે સ્વામિ દ્વારા મહિલાઓ સાથે અણછાજતું વર્તન સામે આવતા મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો અને ‘ખોટા સ્વામી ન જોઇએ’ તેવા નારા લગાવ્યા હતા. આજે સ્વામીનારાયણ મંદિરમાં શાકઉત્સવ યોજવામાં આવ્યો હતો એ દરમિયાન હોબાળો મચતા પોલીસે મધ્યસ્થિત થવું પડ્યું હતું. જોકે મહિલાઓનું કહેવું છે કે, ભુપેન્દ્ર રોડ મંદિરે દર્શન કરવા જતા રાકેશ પ્રસાદ સ્વામીનાં અનુયાયીઓ દ્વારા તેમને મંદિરમાંથી બહાર કાઢવા માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
એક તરફ ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત ન હોવાનાં મુદ્દાઓ ઉઠી રહ્યા છે, ત્યારે રાજકોટનાં સ્વામિનારાણય મંદિરમાં દર્શન કરવા જતી મહિલા હરિભક્તને વડતાલ સ્વામિનારાયણ મંદિરનાં સંતે વીડિયો કોલ કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. ગત 5 નવેમ્બરનાં આ વીડિયો કોલ અને ત્યારબાદ મહિલાએ વીડિયો કોલ કરવાની ના પાડતા તેને સોરી લખીને સંત દ્વારા મેસેજ કરવામાં આવ્યો હોવાનાં સ્ક્રીન શોટ સામે આવ્યા છે. મહિલાનું કહેવું છે કે, સંતોને મહિલાઓ સાથે વાત કરવાની સ્વામીનારાયણ સંપ્રદાયમાં મંજૂરી હોતી નથી. તેમ છતાં આવા સ્વામી મહિલાઓને વીડિયો કોલ અને મેસેજ કરીને સંપ્રદાયનું નામ બદનામ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરનાં ગાદીપતિ તરીકે રાકેશ પ્રસાદ સ્વામી છે. જ્યારે આ મંદિરમાં દર્શન કરવા આવતી અજેન્દ્ર પ્રસાદ સ્વામીનાં અનુયાયીઓ સાથે ખરાબ વર્તન થતું હોવાનું વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આજે મહિલાઓએ રાકેશ પ્રસાદ સ્વામીનાં સંત સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. ત્યારે વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયનાં સંતોનાં ચારિત્ર સામે આંગળી ઉઠી છે, ત્યારે હવે સંપ્રદાય સંતો અને મહિલાઓ વચ્ચેની મર્યાદાને લઇને કેવા પગલા લે છે તે જોવું મહત્વનું રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે