કોરોના કાળમાં તમે ઘી ખાઇ રહ્યા છો તે આ સમાચાર જરૂર વાંચો નહી તો પેટ ભરીને પસ્તાશો
Trending Photos
* શંકાસ્પદ ખાદ્યચીજોના ૧૭ નમુના લઇ તેને પરીક્ષણ અર્થે મોકલાયા
* પેઢી માલિકને અગાઉ પણ એડજયુડીકેટીંગ કેસમાં રૂા.૪ લાખનો દંડ થયો છે
* ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ડીસા ખાતે શંકાસ્પદ નકલી ઘીની પેઢી ઉપર દરોડા
* પેઢી ખાતેથી રૂ. ર૬,૮૧,૫૧૦ની કિંમતનો ૧૧,૯૫ર કિગ્રા ખાદ્યચીજનો શંકાસ્પદ જથ્થો જપ્ત
બનાસકાંઠા : જિલ્લાના ડીસા ખાતે શ્રીરામ ચોકડી પાસે સ્થિત વીર માર્કેટીંગ ખાતે ઘી બનાવતી પેઢીમાં નકલી ઘીનું ઉત્પાદન થતું હોવાની માહિતીને આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા આ પેઢી ખાતેથી કૂલ ૧૭ નમુના લઇ તેને પરીક્ષણ અર્થે મોકલી રૂ. ર૬,૮૧,૫૧૦/-ની કિંમતનો ૧૧,૯૫ર કિગ્રા ખાદ્યચીજનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરી ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નરે માહિતીના આધારે બનાસકાંઠા ખાતે વિકી રાજેશભાઇ મોદીની પેઢી પર દરોડો પાડ્યો હતો. પેઢી માલિક દ્વારા એસેન્સ ઓઇલ, કરનેલ ઓઇલ, સોયાબીન ઓઇલ, પામ ઓઇલ તથા કાઉ ઘીના ઉત્પાદન કરવાના પરવાના મેળવેલ છે, પરંતુ આ પરવાના હેઠળ તેઓ ઇન્ટરેસ્ટીફાઇડ ફેટ તથા કાઉ ઘી બનાવતા હોવાની વિગતો મળી હતી.
પેઢી માલિક ઇન્ટરેસ્ટીફાઇડ ફેટ શબ્દ વાપરીને ઘીના જેવા પેકીંગમાં તેમજ સામાન્ય માણસને પોતે ઘી ખરીદે છે તેવો આભાસ થાય તે હેતુથી જુદી જુદી પ્રોડકટસ બનાવતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેમાં ઘી, ઘી (ઇન્ટરેસ્ટીફાઇડ ફેટ), ઇન્ટરેસ્ટીફાઇડ ફેટ નામના ઉત્પાદનો, જુદા જુદા પેકીંગમાં તથા જુદી જુદી બ્રાન્ડથી મોટે પાયે ગુજરાતમાં તથા રાજસ્થાનમાં વેપાર કરતા હોવાનું જણાયું હતું.
જેને પગલે તંત્ર દ્વારા આ પેઢી ખાતેથી કૂલ ૧૭ નમુના લેવામાં આવ્યા છે. જેના પૃથ્થકરણ અહેવાલ આવ્યેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તે ઉપરાંત આ પેઢી ખાતેથી રૂ. ર૬,૮૧,૫૧૦/-ની કિંમતનો ૧૧,૯૫ર કિગ્રા ખાદ્યચીજનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે. આ પેઢી માલિક અગાઉ પુજન પર્પઝ ઘી બનાવતા હતા, પરંતુ તેઓની સામે આ તંત્ર દ્વારા પગલાં લઇને એડજયુડીકેટીંગનો કેસ દાખલ કરાયો હતો. જે ચાલી જતા તેઓને રૂ. ૪,૦૦,૦૦૦/- નો દંડ પણ થયો છે. આ પેઢી માલિક દ્વારા ઘી જેવી દેખાતી પ્રોડકટસ, ઘી જેવા રંગરૂપ તથા પેકિંગમાં ગ્રાહકોને છેતરવાના હેતુથી ઉત્પાદન કરીને વેચાણ કરતા હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવતા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે