કોરોનાએ લોકોને અસફળતાના ભય તરફ ધકેલ્યા, પણ પથારીમાં મોઢુ ઢાંકીને રડવાથી કંઈ નહિ થાય

કોરોનાએ લોકોને અસફળતાના ભય તરફ ધકેલ્યા, પણ પથારીમાં મોઢુ ઢાંકીને રડવાથી કંઈ નહિ થાય
  • યુવાઓમાં વધતો જતો એટચીફોબિયા એટલે અસફળ થવાનો ભય  
  • કોરોનાએ લોકોને અસફળતાના ભય તરફ ધકેલ્યા
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા સરવે

ઝી મીડિયા/બ્યૂરો :નિષ્ફળતાનો ભય, જેને ક્યારેક એટીચીફોબિયા તરીકે ઓળખવામાં આવે છે, તે નિષ્ફળ થવાનો અતાર્કિક અને સતત ભય છે. કેટલીકવાર આ ભય ચોક્કસ પરિસ્થિતિના કારણે થઈ શકે છે. અન્ય કિસ્સાઓમાં, તે અન્ય માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ જેમ કે ચિંતા અથવા હતાશા સાથે સંબંધિત હોઈ શકે છે. આજના યુવાનોને આ અસફળતાનો ભય ક્યાંકને ક્યાંક સતાવી રહ્યો છે. અસફળ થવાના ભયથી  તે ઘણીવાર કાર્ય હાથમાં લેતા પહેલા ગભરાય છે, જેને એટીચીફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. આ વિશે જાણવા મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડૉ. ધારા આર. દોશી અને ડો. હસમુખ ચાવડા દ્વારા અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણના માર્ગદર્શનમાં અસફળતાના ભય પર સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં કુલ 786 વ્યક્તિઓ જેમાં 58.7% સ્ત્રીઓ અને 41.૩% પુરૂષોએ પ્રતિક્રિયાઓ આપી હતી. આ સર્વે તારણો નીચે મુજબ જોવા મળ્યા હતા.

  • શું તમને કોઈ કાર્ય શરૂ કરતા પહેલા એવું અનુભવાય છે કે આ કાર્ય પૂર્ણ નહિ થાય ? આ પ્રશ્નના જવાબમાં 60.90% લોકોએ હા કહ્યું
  • તમારા લક્ષ્ય સુધી પહોચવામાં તમને કોઈ મદદ કરશે નહિ તેવું તમને લાગે છે ? જેમાં 67.40 લોકોએ હા કહ્યું
  • તમારા કાર્યમાં કુદરત તમને સહયોગ ન કરતી હોય તેવું તમને લાગે છે? આ પ્રશ્નમાં 78.30% લોકોએ હા કહ્યું
  • કાર્ય શરૂ કરતા પહેલા તમે શુકન અપશુકન માનો છો? તેમાં 80% લોકોએ હા કહ્યું
  • શું તમને લાગે છે કે લક્ષ્ય સુધી પહોચવાના તમે પૂરા પ્રયત્નો કરો છો છતાં તમે તેને મેળવી શકતા નથી? તેમાં 56.50% લોકોએ હા કહ્યું.
  • તમારી અસફળતા માટે કોણ જવાબદાર હોય તેવું તમને લાગે છે? જેમાં 32.60% લોકોએ પરિસ્થિતિને જવાબદાર ગણી. 
  • 40.70% વ્યક્તિઓએ ઘરના વ્યક્તિઓને, 5.2% મિત્રોને, 10.30% પ્રેમ સબંધ અને 11.20% લોકોએ કહ્યું કે અસફળતા માટે અમે પોતે જવાબદાર છીએ.
  •  તમને કોઈ કાર્યમાં સફળતા મળવાની જ નથી તેવું લાગે છે? 91.30% લોકોએ હા કહ્યું
  • અસફળ થવાના ભયથી એ કાર્ય કરવામાં અસમર્થતા અનુભવો છો? જેમાં 76.10% લોકોએ હા કહ્યું
  • સફળતા મેળવવા માટે તમારામાં એકાગ્રતાનો અભાવ હોય તેવું લાગે છે? જેમાં 60.90% લોકોએ હા કહ્યું
  • લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તમે શારીરિક કે માનસિક અશક્તિનો અનુભવ કરો છો.? જેમાં 56.50% લોકોએ હા કહ્યું
  • જયારે તમે કોઈ ક્ષેત્રમાં અસફળ થાવ ત્યારે લોકો તમને વિવિધ વાતો સંભળાવે છે? આ પ્રશ્નમાં 67.40% લોકોએ હા કહ્યું
  • કોઈ બાબતે અસફળ થાવ ત્યારે હતાશા, બેચેની, ઉદાસી જણાય છે? જેમાં 76.10% લોકોએ હા કહ્યું
  • શું આજનો યુવાન અસફળ થવાના ભયને કારણે ઉદાસ અને હતાશ વધુ જણાય છે? 95.60% લોકોએ હા કહ્યું
  • અસફળ થવાના ભયથી આત્મહત્યા વૃત્તિ વધતી હોય એવું લાગે છે? 84.10% લોકોએ હા કહ્યું

અસફળતા વિશેના મતો આપતા અમુક લોકોએ જણાવ્યું કે, અસફળતા એ આજના યુગમાં આત્મહત્યા માટેનું અગત્યનું પરિબળ બની ગયું છે. સાથે સાથે માનસિક સ્થિતિને પણ નબળી કરનારું પરિબળ અસફળતા છે.
અસફળતા એ જ સફળતાની ચાવી છે અને વતઁમાન સમયમાં અસફળ થવાના ભય કારણે ધણા લોકો લક્ષ્ય પ્રાપ્ત કરવાની કોશિશ કરતા હોતા નથી. અસફળતા પાછળના કારણો તરીકે કયારેક વ્યક્તિ ખૂદ જવાબદાર હોય છે. કેમ કે કયારેક તે પહેલાથી જ પોતાના મનોબળથી ભાંગી પડે છે. તો કયાંક ને ક્યાંક કુટુંબીજનો, મિત્રો, પાડોશીઓનો પણ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. કુટુંબનો સાથ ન હોવો એ અસફળતા પાછળ મુખ્ય જવાબદાર કારણ છે. કુટુંબની અપેક્ષા પૂર્ણ કરવામા અસફળ થઈ જવાય છે. અસફળતાનું સૌથી મોટું કારણ તો લોકોની નેગેટિવ એનર્જી હોય છે. કામ ચાલુ થાય તે પેલા જ ધણા લોકો કહે કે તારા થી નહિ થઈ શકે અને ધણીવાર તો પરિવારના લોકો જ ના પાડી ડે છે કે ના એ નથી કરવું.

અસફળતાના ભયના કારણો:

નિષ્ફળતાના ડરના કારણો શોધવા માટે, આપણે સૌ પ્રથમ સમજવાની જરૂર છે કે "નિષ્ફળતા" નો ખરેખર અર્થ શું છે? દરેકની પાસે  નિષ્ફળતાની જુદી જુદી વ્યાખ્યાઓ છે, ફક્ત એટલા માટે કે આપણી પાસે આપણા પોતાના બેન્ચમાર્ક, મૂલ્યો અને માન્યતા પ્રણાલી છે. એક વ્યક્તિ માટે નિષ્ફળતા એ કઈક શીખવાનો ઉત્તમ અનુભવ હોઈ શકે છે તો કોઈક માટે મરવાનો રસ્તો. આપણામાંના ઘણા નિષ્ફળ જવાથી ડરતા હોય છે, પરંતુ નિષ્ફળતાનો ડર એટલે જ્યારે આપણે તે ડરને કારણે એવા કાર્યો કરવાનું બંધ કરીએ છીએ જે આપણને આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આગળ વધારી શકે છે. નિષ્ફળતાના ડરને ઘણા કારણો સાથે જોડી શકાય છે. દાખલા તરીકે, કેટલાક લોકો માટે નિર્ણાયક અથવા અસહાયક માતાપિતા હોવા એ એક કારણ છે. કારણ કે તેઓ બાળપણમાં સતત માતા પિતા દ્વારા અપમાનિત થયા હોય, તેઓ તે નકારાત્મક લાગણીઓને પુખ્તાવસ્થામાં લઈ જાય છે. જીવનના અમુક તબક્કે આઘાતજનક ઘટનાનો અનુભવ કરવો એ પણ એક કારણ બની શકે છે. ઉદાહરણ તરીકે, વર્ષો પહેલા કોઈ એક મહત્વપૂર્ણ કાર્ય કર્યું હોય, અને એ કાર્ય ખૂબ જ ખરાબ રહ્યું હોય, એનો અનુભવ એટલો ભયંકર હોઈ શકે છે કે અન્ય બાબતોમાં નિષ્ફળ થવાનો ડર ઉત્પન્ન કરી શકે છે. અને આ જ ડરને વર્ષો સુધી સહન કરવો પડે છે. સતત આગળ વધવાની અપેક્ષા રહી હોય અને એ પૂર્ણ ન થાય ત્યારે પણ આ ભય વિકસિત થઈ શકે છે.

અસફળતાના ભયના શારીરિક લક્ષણો:

  • શ્વાસ લેવામાં તકલીફ
  • અસામાન્ય રીતે ઝડપી શ્વાસોશ્વાસ
  • છાતીમાં ચુસ્તતા અથવા દુખાવો
  • ધ્રુજારી અથવા ધ્રુજારીની સંવેદનાઓ
  • ચક્કર અથવા હળવા માથાનો દુખાવો
  • પાચન તકલીફ
  • શરીર ઠંડુ પડી જવું
  • પરસેવો વગેરે

અસફળતાના ભયના ભાવનાત્મક લક્ષણો :

  • કોઈ કાર્ય શરૂ કરતા પહેલા ગભરામણ અથવા ચિંતાની તીવ્ર લાગણી
  • ભય પેદા કરતી પરિસ્થિતિમાંથી બચવાની જબરજસ્ત જરૂરિયાત
  • અન્યથી પોતાની જાતને અસક્ષમ કે અલગ અનુભવવી
  • પરિસ્થિતિ પર નિયંત્રણ ગુમાવવાનો ભય
  • પીછેહઠ

અસફળતાના ભયને ઓછો કરવાના ઉપાયો:

જીવનમાં દરેક વ્યક્તિ પોતાના સપનાઓને પૂરા કરીને સફળતાની સીડીઓ ચડવા માંગે છે. આ દોડમાં કોઈ સફળ થાય છે કોઈ અસફળ થાય છે. અસફળતા મેળવવાવાળા લોકો પોતાની અસફળતા માટે બીજાને દોષ આપે છે, પરંતુ હકીકતે તેમની અસફળતા માટે તેમના દ્વારા જ કરવામાં આવેલી કોઈ ભૂલો જવાબદાર હોય છે. 

આવી અસફળતાને દુર કરાવાના ઉપાયો આ મુજબ છે:

પોતાના પર ભરોસો રાખો. ભરોસો તમારા દરેક કાર્યનો પહેલો સાથી હોય છે. કોઈ કાર્ય શરૂ કરતા પહેલા તમને તમારા પર પૂરો ભરોસો હોવો જોઈએ કે હું આ કાર્ય કરી શકીશ. જો તમને તમારા વિશ્વાસ છે તો તમે દરેક કાર્યને સફળતા પૂર્વક પૂરું કરી શકો છો. માટે તમને તમારા પર ભરોસો હોવો એ જરૂરી છે. સફળતા મેળવવા માટે દ્રઢ નિશ્ચય કરવો. જ્યારે તમે એ નિશ્ચય કરો છો કે ભલે કઈ પણ થઇ જાય, કેટલી પણ મહેનત કરવી પડે આપણે આપણું લક્ષ્ય પ્રાપ્ત કરવું છે તો આ સંકલ્પ આપણને સફળ બનાવે છે. આ સંકલ્પને સતત જાળવી
રાખવો જરૂરી છે કે તમે જે મેળવવા માંગો છો તે તમને ચોક્કસ મળશે જ.

1નક્કી કરો કે તમે શું કરવા માંગો છો અને તમે ક્યાં જવા માંગો છો. 

2 એક સમય મર્યાદા નક્કી કરો અને ત્યાં પહોચવા માટે યોજનાઓ બનાવો.
 
3 પોતાની યોજનાઓ પર કાર્ય કરો; પોતાના લક્ષ્ય તરફ આગળ વધવા માટે રોજે રોજ પ્રયત્ન કરો

4. વિચાર હંમેશા મોટા રાખો

5.અસફળતાથી ડરવું નહિ

6 યોજના બનાવીને પોતાનું લક્ષ્ય નિર્ધારિત કરો

7.પોતાના લક્ષ્ય પર અડગ રહો: 

8.વિધાયક વિચારો

9. બાળકોને નાસીપાસ ન થવા દો

10. બાળકોને સતત પ્રોત્સાહન આપો
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news