એક રોકાણથી સુરત પાલિકા બની માલામાલ, શેરબજાર કરતા પણ ડબલ ફાયદો થયો!

Wind Power Energy : સુરત મહાનગરપાલિકા વિન્ડ પાવર એનર્જિ ઉત્પન્ન કરવામાં દેશનુ નંબર વન શહેર બન્યું છે, આ થકી પાલિકાએ 440 કરોડ રૂપિયાની સીધી બચત કરી છે

એક રોકાણથી સુરત પાલિકા બની માલામાલ, શેરબજાર કરતા પણ ડબલ ફાયદો થયો!

Surat News ચેતન પટેલ/સુરત : વિન્ડ પાવર એનર્જીમાં કરાયેલું રોકાણ સુરત મહાનગરપાલિકાને ફળ્યું છે. સુરત પાલિકાને 440 કરોડના વિજબીલ માં ફાયદો થયો છે. ડાયમંડ સિટી ટેક્સ્ટાઇલ સિટી અને સોલાર સિટી બાદ હવે સુરતે પોતાની આગવી નવી ઓળખ વિન્ડ પાવર સીટી તરીકે સ્થાપિત કરી છે. વિન્ડ પાવર એનર્જી ઉત્પન્ન કરવામાં સુરત દેશમાં સૌથી મોખરે છે. વિન્ડ પાવર પ્લાન્ટના કારણે જુલાઈ 2024 સુધીમાં સુરત મહાનગરપાલિકાએ 440 કરોડ રૂપિયાની બચત કરી લીધી છે. 6 વિન્ડ પ્રોજેક્ટ માટે સુરત મહાનગરપાલિકાએ 258 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા, જેની સામે બમણો લાભ થયો છે. 

સુરત મહાનગરપાલિકાએ છ વિન્ડ પાવર પ્લાન્ટ સ્થાપિત કર્યા છે, ગુજરાત જ નહીં દેશભરમાં સૌથી વધુ એનર્જી વિન્ડ પાવરથી ઉત્પાદન કરનાર સુરત એકમાત્ર શહેર છે. સોલાર સિટીના રૂપમાં દેશભરમાં પોતાની આગવી ઓળખ બનાવી રહેલી સુરત મનપા રિન્યુએબલ એનર્જી માટે અગાઉથી મોટા પગલા ઉઠાવી રહી છે. 

પહેલો પ્લાન્ટ
અડોદર ખાતે 2010માં 18.44 કરોડ ખર્ચે 3 મેગાવોટનો પ્રોજેક્ટ નાંખ્યો હતો. તેનાથી પાલિકાને સપ્ટેમ્બર 2023 સુધીમાં રૂ. 50.30 કરોડનો ફાયદો થયો છે. 

બીજો પ્લાન્ટ 
પહેલા પ્લાન્ટની સફળતા બાદ વર્ષ 2013માં જામનગર ખાતે 8.40 મેગાવોટનો પ્રોજેક્ટ નાંખ્યો હતો. જેની પાછળ રૂ. 43.93 કરોડનો ખર્ચ થયો હતો. આ પ્રોજેક્ટથી પાલિકાને સપ્ટેમ્બર 2023 સુધીમાં 90.83 કરોડનો ફાયદો થયો છે. 

ત્રીજો પ્લાન્ટ 
ત્રીજો પ્રોજેક્ટ પોરબંદર ખાતે સ્થાપવામાં આવ્યો હતો. વર્ષ 2014માં 41.52 કરોડના ખર્ચે 6.30 મેગાવોટનો પવન ચક્કી પ્રોજેક્ટ સ્થાપ્યો હતો. રૂ. 46.80 કરોડનો ફાયદો મહાનગર પાલિકાને સપ્ટેમ્બર 2023 સુધીમાં થયો છે.

ચોથો પ્લાન્ટ
ચોથો પ્રોજેક્ટ કચ્છના નખત્રાણા ખાતે સ્થપાયો હતો. આ પ્રોજેક્ટ પાછળ મનપાએ સૌથી વધુ 90.60 કરોડનો ખર્ચ કર્યો હતો. અહીંથી મનપાએ સૌથી વધુ 12.60 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરુ કર્યું હતું. 

સુરત પાલિકાના સ્થાયી સમિતિના સભ્ય દિપેન દેસાઈએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, જુલાઈ 2023 સુધીમાં આ તમામ પ્રોજેક્ટ થકી પાલિકાને 60.90 કરોડનો ચોખ્ખો નફો થયો છે. 2.1 મેગાવોટ ક્ષમતાના આ પ્લાન્ટમાં દર વર્ષે 54.49 લાખ કિલોવોટ યુનિટ વીજળી ઉતપન્ન થાય છે. પ્રતિ યુનિટ છ રૂપિયાના દરથી મનપા વર્ષે 3.26 કરોડની આવક છે. જેનો મેઈન્ટેનન્સ ખર્ચ ઓછો કરી બાકી રહી જતી રકમની ક્રેડિટ મનપાને મળશે. હવે આગામી પ્લાનિંગમાં સુરત મહાનગરપાલિકા સાતમો વિન્ડ પ્રોજેક્ટ મોરબી ખાતે સ્થાપિત કરવા જઈ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news