AAP થી ભાજપમા ગયેલા મહિલા કોર્પોરેટરની દોઢ મહિનામા જ ઘરવાપસી, આપનું મેગા ઓપરેશન

gujarat election 2022 : દોઢ મહિના પહેલા કુંદન કોઠીયાએ ભાજપમાં જઈને આપનો ઝટકો આપ્યો હતો. હવે પરત આપમાં આવીને ભાજપને ઝટકો આપ્યો છે 

AAP થી ભાજપમા ગયેલા મહિલા કોર્પોરેટરની દોઢ મહિનામા જ ઘરવાપસી, આપનું મેગા ઓપરેશન

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :આપ સુરતના સસ્પેન્ડેડ મહિલા કોર્પોરેટર કુંદનબેઠ કોઠીયાએ દોઢ મહિના પહેલા આપનો સાથ છોડીને ભાજપનો હાથ પકડ્યો હતો. તેઓ સુરતના અન્ય કોર્પોરેટરો સાથે આપ છોડીને ભાજપમાં જોડાયા હતા. ત્યારે દોઢ મહિનામાં જ તેમણે ઘરવાપસી કરી છે. આવતીકાલે આપના મુખિયા અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે કુંદન કોઠીયાની ઘરવાપસી આપ માટે ખાસ બની રહી છે. 

આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ અમદાવાદમાં આવશે. બંને દ્વારા પૂર્વ અમદાવાદમાં ભવ્ય રોડ શો કરવામાં આવશે. ત્યારે કેજરીવાલના ગુજરાત પ્રવાસ દ્વારા કુંદન કોઠીયાની ઘરવાપસીના સમાચાર આપ માટે ખાસ બની રહ્યાં છે. ત્યારે સુરતના વોર્ડ નંબર 4 કોર્પોરેટર કુંદનબેન કોઠીયા પુનઃ આપમાં જોડાયા છે. દોઢ મહિના પહેલા આપમાંથી bjp માં જોડાયા હતા. 

ભાજપમાં અવાજ દબાવવામા આવે છે - કુંદનબેન
આપમાં ફરી આવીને કુંદન કોઠીયાએ જણાવ્યુ કે, આમ આદમી પાર્ટી મારી પાર્ટી છે. હું આનંદ અનુભવુ છું કે તેઓએ મને સ્વીકારી છે. ભાજપમાંથી પરત આવવાનું કારણ એ છે કે હું ખોટું સહન નથી કરી શકતી, ભાજપમાં સત્યનો અવાજ દબાવવામાં આવે છે. આજ કારણે મેં આપ મોવડી મંડળનો સંપર્ક કર્યો અને તેઓએ તુરંત મને સ્વીકારી હતી. હું વોર્ડ લેવલે ચૂંટાઈ હતી, ભાજપમાં ઉપરના આદેશ સિવાય કોઈ કામ નથી કરી શકતા. અગાઉ મારા સાથી કોર્પોરેટર સાથે ગેરસમજ હતી, જે દૂર થઈ ગઈ છે. મારી વાયરલ થયેલી ઓડિયોક્લિપ સાચી હતી, પણ ભાજપે ખોટી રીતે એડિટ કરીને વાયરલ કરી હતી. એ સમયે ભાજપે સોલ્યુશનની વાત કરી હતી, પણ ઉકેલ ન આવ્યો. જે ગેરસમજ હતી એ આપે દૂર કરી આપી છે. 

કુંદન કોઠીયાને સસ્પેન્ડ કરાઈ હતી
આમ આદમી પાર્ટીએ કોર્પોરેટર કુંદનબેન કોઠીયાને સસ્પેન્ડ કર્યા હતા. એક કોર્પોરેટર સતત ભાજપના લોકોના સંપર્કમાં હોવાની વાત સામે આવતા પાર્ટી વિરુદ્ધ વર્તનને લઈને પાર્ટી દ્વારા કુંદન કોઠીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેના બાદ કુંદન કોઠિયા સંપર્ક વિહોણા બન્યા હતા અને ભાજપમાં જોડાયા હતા. દોઢ મહિના પહેલા સુરત આપના 5 કોર્પોરેટર આપ છોડીને ભાજપમા ગયા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ ઓપરેશન પાર પાડ્યુ હતું. 

ઉલ્લેખીય છે કે, આવતીકાલે અમદાવાદમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો ભવ્ય રોડ શો યોજાશે. આપ દ્વારા માહિતી આપવામાં આવી કે, પોલીસ દ્વારા રોડ શોને મંજૂરી આપવામાં આવી છે. બંને મહાનુભાવો આજે રાતે 8.30 કલાકે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે. આવતીકાલે સવારે 10 વાગે બન્ને મુખ્યમંત્રી ગાંધી આશ્રમની મુલાકાત કરશે. સાંજે 4 કલાકે રોડ શો યોજાશે. 3 તારીખે શાહીબાગ સ્વામિનારાયણ મંદિરે પણ જશે. રોડ શો નિકોલ ખોડિયાર મંદિરથી અંદાજે 1.50 કિલોમીટરનો રહેશે. 50000 થી વધુ લોકો રોડ શોમાં જોડાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news