Breaking News: ગુજરાત સરકારની સુપ્રીમે કાઢી ઝાટકણી! 68 જજોના પ્રમોશનને અટકાવ્યાં

અરજદારની વાંધા અરજી અને વિવિધ પાસાઓની ચકાસણીના અંતે સુપ્રીમ કોર્ટ દ્વારા નીચલી કોર્ટના નિર્ણય પર રોક લગાવાઈ હોવાના સમાચાર સામે આવ્યાં છે.

Breaking News: ગુજરાત સરકારની સુપ્રીમે કાઢી ઝાટકણી! 68 જજોના પ્રમોશનને અટકાવ્યાં

નવી દિલ્હીઃ રાહુલને સજા આપનારા સહિતના ગુજરાતના 68 જજોના પ્રમોશન આપવામાં આવ્યાં હતાં. ગુજરાત સરકાર દ્વારા આ જજોને બઢતી અપાઈ હતી. જોકે, આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે સુપ્રીમ દ્વારા ગુજરાતને મોટો ઝટકો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે હાલ પુરતી 68 જ્યુડિશિયલ ઓફિસર્સની બઢતી પર રોક લગાવી દીધી છે. ઉલ્લેખનીય છેકે, જજોની નિમણુંક સમયે 65 ટકા અનામત, મેરિટ કમ સીનિયોરિટીના નિયમનું પાલન ન થયાનો સુપ્રીમમાં દાવો કરવામાં આવ્યો હતો.

રાહુલ ગાંધીને સજા સંભળાવનાર જજનું શું થશે?
મહત્ત્વનું છેકે, 9 મેના રોજ યોજાયેલી સુનાવણીમાં ગુજરાતમાં નીચલી અદાલતના 68 જ્યુડિશિયલ ઓફિસરોના પ્રમોશન સામે થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. સોમવારે આ અરજી પર સુપ્રીમ કોર્ટ માં બંને પક્ષોની રજૂઆત પૂર્ણ થઈ હતી. ઉલ્લેખનીય છેકે, ગુજરાતના નીચલી કોર્ટના 68 જજોના પ્રમોશનને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું છે. અને પ્રમોશનમાં નિયમોનું ઉલ્લંઘન કરાયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જે જજોના પ્રમોશનને પડકારવામાં આવ્યું છે તેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને દોષી ઠેરવીને બે વર્ષની સજા આપનારા એચ.એચ.વર્માનો પણ સમાવેશ થાય છે. 

જજોના પ્રમોશનને અટકાવવા કોણે કરી હતી અરજી?
માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દોષી ઠેરવીને 2 વર્ષની સજા સંભળાવનારા સુરતની ચીફ મેજિસ્ટ્રેટ કોર્ટના જજ એચ. એચ. વર્માને પ્રમોશન સાથે ટ્રાન્સફર આપવામાં આવ્યું હતુ. તેમની સાથે અન્ય 68 જજની પણ બઢતી-બદલી કરવામાં આવી હતી. ત્યાર બાદ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં ગુજરાતના ૬૮ જજોના પ્રમોશનને પડકારતી અરજી બે સીનિયર સિવિલ જજ કેડરના જ્યૂડિશિયલ ઓફિસર રવિ કુમાર મહેતા અને સચિન મહેતા દ્વારા કરવામાં આવી હતી.

અરજીમાં શું કરાઈ છે માંગ?
અરજીમાં ગુજરાત હાઇકોર્ટની યાદી તેમજ રાજ્ય સરકાર દ્વારા જજોની નિમણૂંક માટે ઇસ્યુ કરવામાં આવેલ નોટિફિકેશન રદ કરવાની માંગ કરીને મેરિટ અને સિન્યોરીટીના આધારે નવું લિસ્ટ બનાવીને નિમણૂંક કરવાની માંગ કરવામાં આવી હતી. જસ્ટિસ એમ. આર શાહની અધ્યક્ષતાવાળી બેન્ચ આ કેસની સુનાવણી કરવામાં આવી હતી.

અરજીમાં બન્નેએ માગણી કરી છે કે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ૧૦મી માર્ચે જાહેર કરાયેલી પ્રમોશન લિસ્ટને રદ કરી દેવામાં આવે અને ગુજરાત સરકાર દ્વારા આ મુદ્દે બહાર પડાયેલા નિમણુંકના નોટિફિકેશનને પણ રદ કરી દેવામાં આવે. કેમ કે આ પ્રમોશનમાં નિયમોનું ઉલ્લંઘન કરાયું છે. અરજદારોએ એવો પણ દાવો કર્યો હતો કે જિલ્લા જજની નિમણુંક સમયે મેરિટ કમ સીનિયોરિટીના સિદ્ધાંતને ધ્યાનમાં રાખવાનો હોય છે. જ્યારે આ નિમણુંકમાં આ નિયમોનું પાલન નહોતુ કરવામાં આવ્યું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news