એક ભૂલ ક્યાંક ભારે ન પડે! બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ ખાસ જાણે, 33 ગુનાની સજા, પોલીસ કાર્યવાહી પણ થઈ શકે

Board Exams: અલગ અલગ પ્રકારના 33 જેટલા ગુનાઓ અને તેના માટે વિદ્યાર્થીને શું શિક્ષા થઈ શકે તે અંગેની જાણકારી આપવામાં આવેલી છે. દરેક વિદ્યાર્થીએ આ જાણવું ખુબ જરૂરી છે. 

એક ભૂલ ક્યાંક ભારે ન પડે! બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ ખાસ જાણે, 33 ગુનાની સજા, પોલીસ કાર્યવાહી પણ થઈ શકે

બોર્ડ પરીક્ષાઓ ઢૂંકડી છે. ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 11 માર્ચથી શરૂ થઈ રહી છે. જેમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાને લઈને તૈયારીઓ ચરમસીમાએ છે. પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડ  દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ માટે બોર્ડ દ્વારા કેટલાક ગુનાઓ અને તે બદલ શિક્ષાનું એક માળખું પણ તૈયાર કરેલુ છે. અલગ અલગ પ્રકારના 33 જેટલા ગુનાઓ અને તેના માટે વિદ્યાર્થીને શું શિક્ષા થઈ શકે તે અંગેની જાણકારી આપવામાં આવેલી છે. દરેક વિદ્યાર્થીએ આ જાણવું ખુબ જરૂરી છે. 

33 ગુનાઓ માટે 33 પ્રકારની અલગ અલગ સજાઓ...

1. સૂચનાનો અમલ ન કરવામાં આવે તો
ઉત્તરવહીમાં બે લાઈન દોરી સૂચનાનો અમલ નથી કર્યો એમ શેરો અને સહી કરીને પરીક્ષાર્થીને ઉત્તરવહી લખવા આપવી. (બોર્ડને લેખિતમાં જાણ કરવી). 

2. સૂચના આપવા છતાં પરીક્ષાર્થી બીજા પરીક્ષાર્થીને મૌખિક કે સંકેત દ્વારા સંદેશ આપે
પરીક્ષાર્થી પર ગેરરીતિનો કેસ કરવો, જે તે વિષયનું પરિણામ રદ કરવું. 

3. મદદ કરવાની વિનંતી સાથે ઉત્તરવહીમાં ચલણ નોટ મૂકી હોય
સમગ્ર પરીણામ રદ કરીને પછી એક પણ પરીક્ષામાં ન બેસવા દેવો. 

4. જવાબવહીમાં પોતાને પાસ કરવાની વિનંતી સાથે કે લાલચ આપતું લખાણ લખેલું હોય અને સરનામું આપે
તે વિષયનું પરિણામ રદ કરવું. 

5. પરીક્ષાર્થી અથવા પ્રતિનિધિ કે વાલી ગુણ વધારવા પરીક્ષાર્થીનો સંપર્ક કરે કે લાંચ આપવાનો પ્રયત્ન કરે
સમગ્ર પરિક્ષાનું પરિણામ રદ કરવું

6. પરીક્ષાર્થી પાસેથી કાપલી, નોટ, માર્ગદર્શિકા, હાથે લખેલી કાપલી, નક્શો કે કઈ હોય
પરીક્ષાર્થીને પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી લખવા દેવું, જો સાહિત્યમાંથી લખેલું હોય તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી ત્યારબાદ એક પણ પરીક્ષામાં ન બેસવા દેવા. 

7. પરીક્ષા ખંડમાં વિષયને લગતું લખાણ, નોંધ વગેરે પરીક્ષાર્થીની બેન્ચ પાસેથી કે નીચેથી કે આજુબાજુથી મળી આવે (સુપરવાઈઝરને જાણ ન કરી હોય તો)
 (અ) સાહિત્યમાંથી ન લખેલું હોય તો તે વિષયનું પરિણામ જાહેર કરવું. (બ) સાહિત્યમાંથી લખેલું હોય તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરીને ત્યારબાદ એક પણ પરીક્ષામાં ન  બેસવા દેવા.

8. પરીક્ષાર્થીની ઉત્તરવહીમાંથી લગતું સાહિત્ય પરીક્ષકને મળી આવ્યું હોય એવો અહેવાલ રજૂ થાય
(અ) વિષયને લગતું સાહિત્ય મળી આવે પણ તેમાં લખાણ ન લખેલું હોય તો તે વિષયનું પરિણામ રદ કરવું. 
(બ) વિષયને લગતું સાહિત્ય મળી આવે અને તેમાં લખેલું છે તેવો અહેવાલ પરીક્ષક આપે તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરવું

9. પરીક્ષાર્થીએ પરીક્ષાખંડમાંથી પ્રશ્નપત્ર અથવા જવાબવહી બહાર ફેંકી દીધી હોય
સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરવું. 

10. પરીક્ષાર્થી કે તેના પ્રતિનિધિ મુખ્ય ઉત્તરવહી/પુરવણી ફાડી નાખે કે માન્ય લખાણ સાથે  ચેડા કરે કે કરાવે
સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરવું. 

11. પરીક્ષાર્થી પરીક્ષા ખંડમાંથી કોઈ કારણસર બહાર જવાની મંજૂરી લઈને અનાધિકૃત વ્યક્તિને મળે
પરીક્ષાર્થીનું તે વિષયનું પરિણામ રદ કરવું. 

12. પરીક્ષાર્થી પરીક્ષા ખંડમાંથી જવાબવહી કે પૂરક જવાબવહી બહાર લઈ જાય
પરીક્ષાર્થીનું તે પરીક્ષાનું પરિણામ રદ કરીને ત્યારબાદ એક પણ પરીક્ષામાં ન બેસવા દેવા. 

13. પરીક્ષાર્થી કે તેના પ્રતિનિધિ પરીક્ષાખંડમાં પરીક્ષા દરમિયાન લખેલી મુખ્ય ઉત્તરવહી પૂરવણીઓની જગ્યાએ બહારથી લખેલી પુરવણીને બદલે કે બદલાવવાનો પ્રયત્ન કરે
જે તે પરીક્ષાનું પરિણામ રદ કરીને ત્યારબાદની બે પરીક્ષામાં બેસવા ન દેવા. 

14. મુખ્ય જવાબવહી/પુરવણી ચાલુ પરીક્ષા વખતે કે પરીક્ષા પૂરી થયે ખંડ નિરીક્ષકને ન સોંપતા લઈને જતા રહે
જે તે પરીક્ષાનું પરિણામ રદ કરીને ત્યારબાદ એક પણ પરીક્ષામાં ન બેસવા દેવા. સ્થળ સંચાલકે પોલીસ કેસ કરવો. 

15. પરીક્ષાખંડમાં પરીક્ષાર્થી બીજા વિદ્યાર્થીને ચબરખી, જવાબવાહી કે પુરવણી પસાર કરે, એવી રીતે પકડે જેથી આજુબાજુનો વિદ્યાર્થી લખે કે વાંચી શકે, અદલાબદલી કરે.
બંને પરીક્ષાર્થીઓનું સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરવું.

16. પરીક્ષાખંડમાં કોઈ પરીક્ષાર્થી બીજા પરીક્ષાર્થી પાસેથી જવાબવહી કે પુરવણી ઝૂંટવી લે
ઝૂંટનારનું સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરવું. 

17. પરીક્ષક, સમીક્ષક, નાયબ મુખ્ય સમીક્ષકના રિપોર્ટ પરથી પરીક્ષાર્થી એકબીજામાંથી કે અન્યમાંથી ચોરી કરતા પકડાય તેમ બોર્ડને ખાતરી થાય
બંને પરીક્ષાર્થીઓનું સમગ્ર પરિણામ રદ કરવું. 

18. પરીક્ષા ખંડમાં નકલ કરતા પકડાય તો
પરીક્ષાર્થીનું સમગ્ર પરિણામ રદ કરવું. 

19. જવાબવહીના અથવા પુરક જવાબવહીના જવાબો પરીક્ષાર્થી બહારથી લખીને પરીક્ષાખંડમાં લાવે
પરીક્ષાર્થીનું સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી ત્યારબાદ એક પણ પરીક્ષામાં ન બેસવા દેવા. 

20. મૂળ પરીક્ષાર્થીને બદલે તેની સંમતિથી અથવા સંમતિ વગર અન્ય વ્યક્તિ પરીક્ષામાં બેઠી છે તેમ સાબિત થાય
પરીક્ષાર્થીનું સમગ્ર પરિણામ રદ કરી અને ત્યારબાદ બે  પરીક્ષામાં બેસવા દેવા નહીં. પોલીસ કેસ કરવો. 

21. પરીક્ષા સ્થળે ગેરશિસ્તભર્યું વર્તન
પરીક્ષાર્થીનું તે વિષયનું પરિણામ રદ કરવું. 

22. પરીક્ષા સ્થળે મારામારી કે હિંસક કૃત્ય કરવા બદલ કે ઘાતક હથિયાર લાવવા તથા ઈજા પહોંચાડે તેવું સાધન સાથે રાખવું
પરીક્ષાર્થીને તે વિષયનું પરિણામ રદ કરીને પરીક્ષાર્થીને કાયમ માટે પરીક્ષામાં ન બેસવા દેવા. 

23. જવાબવહી, પુરવણીમાં પરીક્ષાર્થી પોતાની ઓળખ માટે કોઈ પણ પ્રકારની નિશાની કરે કે અન્ય રંગની સહીથી લખે.
પરીક્ષાર્થીએ આવી નિશાની કર્યાનું સાબિત થાય તો તે વિષયની પરીક્ષાનું પરિણામ રદ કરવું. 

24. પરીક્ષાર્થી મુખ્ય જવાબવહી કે પુરવણીમાં ગેરરીતિભર્યું લખાણ લખે કે અપશબ્દો લખે
જે તે વિષયની પરીક્ષાનું પરિણામ રદ કરવું. 

25. વર્ગમાં સામૂહિક ચોરીના કિસ્સાઓ ધ્યાનમાં આવે તો
તે પરીક્ષાનું પરિણામ રદ કરીને ત્યારબાદ એક પરીક્ષામાં બેસવા દેવા નહીં. 

26. જવાબવહી પર લગાડેલા સ્ટીકર અંગે વિગતો મેળવવાનો પ્રયત્ન, સ્ટીકરની વિગતો આપે અથવા લગાડેલા સ્ટીકરને ઉખેડવાનો પ્રયત્ન કરે
સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરવું. 

27. કોઈ પણ પરીક્ષાકેન્દ્રમાં પરીક્ષાર્થીઓ દ્વારા સામૂહિક ગેરરીતિની ગંભીર અનિયમિતતાઓ ધ્યાનમાં આવે તો
અધ્યક્ષ અથવા તેમા દ્વારા નિયુક્ત બોર્ડ સભ્યોની સમિતિ જે તે વિષયની પરીક્ષા રદ કરશે અને જરૂર જણાશે તો આગામી તમામ દિવસોની પરીક્ષા રદ કરવા સુધીનો નિર્ણય લઈ શકશે. તદઉપરાંત આવા કેસોને પરીક્ષા સમિતિ સમક્ષ વ્યક્તિગત-સામૂહિક સુનાવણી કરીને કસૂરવાર વિદ્યાર્થી, સુપરવાઈઝર, બિલ્ડિંગનિયામકને બોલાવી નિર્ણય લેવાશે. 

28. CCTV ફૂટેજમાં પરીક્ષાર્થી બીજા પરીક્ષાર્થીને મૌખિક કે સંકેત દ્વારા ગેરરીતિ સૂચક સંદેશ આપતો જણાય
જે તે વિષયની પરીક્ષાનું પરિણામ રદ કરવું (ત્યારબાદની પરીક્ષામાં બેસી શકે)

29. CCTV ફૂટેજમાં પરીક્ષાર્થી દ્વારા બિનઅધિકૃત સાહિત્ય લાવેલું જણાય
જે તે વિષયનું પરિણામ રદ કરવું.

30. CCTV ફૂટેજમાં બિન  અધિકૃત સાહિત્યની આપલે કરતા જણાય/ તેમાંથી જવાબવહીમાં ઉતારો કરતા દેખાય
બંને પરીક્ષાર્થીઓનું જે તે વિષયનું પરિણામ રદ કરવું. 

31. ઉમેદવાર વર્ગખંડમાં મોબાઈલ અથવા પ્રતિબંધિત વિજાણુ ઉપકરણો જેમ કે સ્માર્ટ ઘડિયાળ, કેમેરાવાળી ઘડિયાળ, કેમેરાવાળું કેલ્ક્યુલેટર, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર વગેરે લાવે અથવા CCTV માં દેખાય
જે તે વર્ષની પરીક્ષાનું સમગ્ર પરિણામ રદ કરવું. ત્યારબાદ બે પરીક્ષામાં બેસવા દેવા નહીં. સ્થળ સંચાલકે પરીક્ષાર્થી સામે પોલીસ કેસ કરવો તેમજ મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવો. 

32. પરીક્ષાર્થીને વોટ્સએપ, ઈમેઈલ, સોશિયલ મીડિયા દ્વારા પ્રશ્નપત્ર મળ્યાનો સંદેશ પ્રશ્નપત્ર શરૂ થયા અગાઉ મળે કે પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થી દ્વારા પ્રશ્નપત્ર કે તે લગતી વિગતો, જવાબો ઈલેક્ટ્રોનિક ગેઝેટ કે અન્ય રીતે બહાર મોકલવામાં આવે કે મેળવવામાં આવે.
પરીક્ષાર્થીનું સમગ્ર પરીણામ રદ કરવું ત્યારબાદ 3 પરીક્ષામાં ન બેસવા દેવા, સ્થળ સંચાલકે પરીક્ષાર્થી સામે પોલીસ કેસ કરવો તેમજ મુદ્દામાલ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવો. 

33. પરીક્ષાર્થીને બહારથી કોઈ પણ વ્યક્તિ દ્વારા લખાવવામાં આવે અથવા તો આવ્યું હો તે સાબિત થાય
પરીક્ષાર્થીનું સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરવું, ત્યારબાદ બે પરીક્ષામાં ન બેસવા દેવા. સંબિધિત સુપરવાઈઝર તથા સ્થળ સંચાલક દોષિત જણાય તો તેમની સામે નિયમાનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news