ગુજરાતના રસ્તાઓ પર ‘સ્લિપર સેલ’ બનીને ફરતા રખડતા ઢોરોનો આતંક, છતાં સરકાર બેદરકાર

Street Animal Terror : રસ્તાઓ પર રખડતા ઢોર એવા ફરે છે જાણે કોઈ સ્લીપર સેલ હોય, અને હમણા જ નાગરિકોને ઉડાવી દેશે... છતાં તંત્ર કેમ કોઈ પગલા લેતુ નથી
 

ગુજરાતના રસ્તાઓ પર ‘સ્લિપર સેલ’ બનીને ફરતા રખડતા ઢોરોનો આતંક, છતાં સરકાર બેદરકાર

અમદાવાદ :ગુજરાતમાં રખડતા ઢોરોનો ત્રાસ એટલો વધી ગયો છે, કે હવે જીવનુ જોખમ બની ગયુ છે. છતા સરકારને કેમ રખડતા ઢોરો દેખાતા નથી. રખડતી ગાય અને આખલાના આતંક બાદ હવે ગુજરાતની ગલીઓમાં રખડતા કૂતરાઓ કહેર મચાવી રહ્યાં છે. સરકારને હજી કેટલી ઘટનાઓના પુરાવા જોઈએ કે જેથી તે એક્શનમાં આવે. એક તરફ સ્માર્ટિ સિટીના બણગા ફૂંકવામાં આવે છે. પણ સ્માર્ટ સિટીના દ્રશ્યો એવા છે કે, રસ્તાઓ પર વાહનોનો સાથે આખલાઓ પણ સડસડાટ દોડે છે. મોટા કોમ્પ્લેક્સની બહાર રખડતા કૂતરાઓના ટોળા ફરતા હોય છે. તો ક્યાંક કચરા પેટી પાસે રખડતી ગાયો પોતાના માટે ભોજન શોધતી હોય છે. આવા દ્રશ્યો જો રોજ લોકોને જોવા મળતા હોય છે તો પછી સરકાર કે તંત્રને કેમ દેખાતા નથી અને દેખાય છે તો આંખ આડા કાન કેમ કરાય છે. 

આમાં આજે વાત કરીએ રખડતા શ્વાનની. રખડતા શ્વાનના હુમલાના બનાવો પણ વધી રહ્યા છે. જેમાં તેઓ સૌથી વધુ નાના બાળકો પર હુમલા કરે છે. રખડતા શ્વાનના આતંકમાં માસુમોની જિંદગી હોમાઈ રહી છે. ત્યારે નાગરિકો અનેક સવાલો પૂછી રહ્યા છે કે, રખડતા શ્વાનને પકડવામાં પાલિકા કેમ નિષ્ફળ છે? કેમ વારંવાર રખડતા શ્વાનના વધી રહ્યા છે હુમલા? શ્વાનના હુમલા વધ્યા બાદ પણ પાલિકા કેમ નિંદ્રાધિન? શ્વાનના હુમલામાં કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ? શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે?

પ્રથમ બનાવ
રવિવારે વડોદરામાં તરસાલી દંતેશ્વર રોડ પર મોલની સામે સવારે સ્કૂટર પર ચેતનાબેન પંડ્યા અને તેમના માતા દેવીલાબેન જાની પસારથી રહ્યાં હતા. આ દરમિયાન રોડ વચ્ચે અચાનક ભેંસ આવી જતા બંને નીચે પટકાયા હતા. જેથી બંનેને ઈજા થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ 108ને ફોન કરી માતા-પુત્રીને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

બીજો બનાવ
વડોદરાના સમતા વિસ્તારના વૈકુંઠ ફ્લેટની આ ઘટના છે. ફ્લેટના એક ઘરમાં અચાનક શ્વાન ઘૂસી આવ્યો હતો. માતા ઘરમાંથી પાણી ભરવા માટે બહાર નળ પાસે ગઈ અને દરવાજો ખુલ્લો હોવાથી શ્વાન ઘરમાં ઘૂસી ગયું હતું. કુતરાએ ઘોડિયામાં સુતી પાંચ મહિનાની જાનવી નામની બાળકી પર હુમલો કર્યો હતો. કૂતરાએ પહેલા બાળકીનું માથું ફાડી નાખ્યું હતું અને બાદમાં તેનુ લોહી ચાટવા લાગ્યું હતું. આ જોઈ તરત માતા દોડી આવી હતી. માતાએ કૂતરાને ભગાડવાનો પ્રયાસ કર્યો છતાં કૂતરું ત્યાંથી ન હટ્યુ. આખરે માતાએ બાળકીને હાથમાં ઊંચકી લીધી અને બાળકીને બચાવી ઘરમાંથી ભાગી ગઈ હતી. તો ઈજાગ્રસ્ત બાળકીને વડોદરાની ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવી હતી. 

ત્રીજો બનાવ
અગાઉ સુંદરપુરા ગામ પાસે શ્વાને બાળકીના હાથે બચકુ ભરતાં અંગૂઠો અંગૂઠો જ કપાઈ ગયો હતો. ત્યારે હવે ફરી શ્વાનનો ત્રાસ વધતાં સમતા વિસ્તારા નાગરિકોએ ઘરમાંથી બહાર નીકળવાનું બંધ કરી દીધુ છે. 

ચોથો બનાવ
સુરતના સલાબતપુરના ખ્વાજા દાના વિસ્તારમાં 15 બાળકોને શ્વાન કરડવાની ઘટના બની છે. જેમાંથી 12 બાળકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. એક દિવસ પહેલા ભટાર વિસ્તારમાં 20 લોકોને શ્વાને બચકા ભર્યા હતા. 

પાંચમો બનાવ
તાજેતરમાં વડોદરાની સૌથી મોટી હોસ્પિટલમાં શ્વાનના આંટાફેરા જોવા મળ્યા હતા. ગોત્રી હોસ્પિટલમાં વારંવાર શ્વાન ઘૂસી આવે છે. અજીબ વાત તો એ છે કે, બાળકોના વોર્ડ પાસે જ શ્વાન ફરતો જોવા મળ્યો હતો. હોસ્પિટલમાં શ્વાનના આંટાફેરાથી લોકોમાં ભય ફેલાયો છે. 

છઠ્ઠો બનાવ
તાજેતરમાં 30 જૂનના રોજ બનાસકાંઠાના દિયોદરમાં માનપુરા ગામે બાળકી પર શ્વાનના ટોળાએ હુમલો કર્યો હતો. કિંજલ ઠાકોર નામની 7 વર્ષીય બાળકી ખેતરમાં રમતી હતી જે દરમિયાન શ્વાનનું ટોળું આવી ચઢ્યુ હતું અને તેના પર તૂટી પડ્યુ હતું. આ હુમલાઓથી બાળકી ઈજાગ્રસ્ત થઈ હતી. ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર અર્થ હોસ્પિટલ ખસેડાઈ હતી. સ્થાનિક લોકોએ બાળકીને શ્વાન ના પંજા માંથી બચાવી ખસેડાઇ સારવાર અર્થ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news